રાગનું કારણ પણ નહિ. અહા! આવું એમાં અકાર્યકારણપણું છે. અહા! ત્રિકાળી એક જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ પડી છે. શક્તિ અને શક્તિવાનના ભેદની પણ દ્રષ્ટિ છોડી, અખંડ એક જ્ઞાનમાત્ર સ્વરૂપ ઉપર નજર કરતાં ચિતિશક્તિ પર્યાયમાં ઉછળે છે-પ્રગટે છે, પણ ભેદથી-વ્યવહારથી-રાગથી-શક્તિ નિર્મળ પ્રગટે છે એમ નથી. રાગ તો આંધળો અચેતન છે બાપુ! એનાથી ચેતન કેમ પ્રગટે? ભાઈ! તને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ હઠ છે પણ એ તો તારી શ્રદ્ધા જ મિથ્યા છે. એ તારી મિથ્યા હઠ છે બાપુ! એનું ફળ બહુ આકરું છે ભાઈ!
જ્ઞાન-દર્શનની નિર્મળ દશા ઉત્પન્ન થાય છે તેનું કારણ દ્રવ્ય-ગુણને કહીએ એય વ્યવહારથી છે. વાસ્તવમાં જે પરિણમન થયું તેનાં કારણ-કાર્ય તે પરિણમનમાં છે, દ્રવ્ય-ગુણ પણ તેનું કારણ નથી. આવી સૂક્ષ્મ વાત ભાઈ! કળશટીકામાં આવી ગયું કે-પરિણામ-કાર્ય થાય તેનાં દ્રવ્ય-ગુણ ઉપચારમાત્રથી કારણ છે. નિર્મળ પર્યાયનો અનુભવ પ્રગટ થયો તે કાર્ય છે, દ્રવ્ય-ગુણ તેનાં કારણ ઉપચારથી છે, વ્યવહારથી છે; ને પરવસ્તુ ને પરભાવ તો એનાં કારણ- કાર્ય છે જ નહિ.
સં. ૧૯૭૧ની સાલમાં સંપ્રદાયમાં બપોરે એક મોટી સભામાં વ્યાખ્યાનમાં અમે કહેલું કે-જીવની પર્યાયમાં વિકાર થાય છે તે કર્મના કારણે થાય છે એમ બીલકુલ નથી. અમારા ગુરુ ભદ્રિક હતા, તેઓ સાંભળતા હતા. ત્યારે આ દ્રઢતાથી કહ્યું કે જીવમાં જે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે એ વાત બીલકુલ સાચી નથી. વળી વિકારનો નાશ થવો એ પણ કોઈ પરનું કામ છે એમ નથી. વિકારનો નાશ-વ્યય પણ પોતાના સ્વભાવના અંતઃપુરુષાર્થથી થાય છે. કર્મનો નાશ થાય તો વિકારનો નાશ થાય એવી ખરેખર વસ્તુસ્થિતિ નથી. અહા! તે વખતે સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયેલો. દામનગરના એક ગૃહસ્થ શેઠ હતા તે બોલી ઉઠેલા કે-આ કયાં છે ભાઈ? આ તો દોરા વિનાની પડાઈ ઉડાડે છે; એમ કે-ગુરુએ તો આવું કદી કહ્યું નથી, ને આ કયાંથી આવ્યું? પણ ભાઈ! આવી જ વસ્તુસ્થિતિ છે.
જડ કર્મની પર્યાય થાય છે તે પરમાણુના ષટ્કારકથી થાય છે, ને આત્માની પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે, દ્રવ્ય-ગુણથી નહિ અને પરથી પણ નહિ. વિકાર થાય છે તેમાં કર્મ નિમિત્ત અવશ્ય હોય છે, પણ તેને લઈને જીવને વિકાર થાય છે એમ છે નહિ; વિકારનો વાસ્તવિક કર્તા કર્મ નથી.
જીવત્વશક્તિ પછી આ બીજી ચિતિશક્તિ આચાર્યદેવે વર્ણવી છે. આ ચિતિશક્તિ, કહે છે, અજડત્વસ્વરૂપ છે. ભાઈ! આત્મામાં શાશ્વત દર્શન-જ્ઞાનમય ચેતનાશક્તિ છે તે અજડત્વસ્વરૂપ છે. અને શક્તિનું કાર્ય નીપજે તે પણ અજડત્વસ્વરૂપ છે. તેથી પરદ્રવ્ય-જડદ્રવ્ય અને પરભાવ તેનાં કારણ-કાર્ય નથી. અહો! આ અલૌકિક વાત છે. જ્ઞાનની નિર્મળ દશાનું કોઈ અન્ય-પરદ્રવ્ય-પરભાવ કારણ નહિ, ને કાર્ય પણ નહિ. અહા! પૂર્વે કદીય જીવે આ અપૂર્વ માર્ગ પ્રગટ કર્યો નથી; અનંતકાળ એનો રખડવામાં-ચતુર્ગતિ પરિભ્રમણમાં જ ગયો છે.
અહાહા...! આ ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ છે. તેનું કાર્ય શું? તો કહે છે-શુદ્ધ જ્ઞાનચેતનારૂપ પરિણામ તે એનું કાર્ય છે, વિકાર-કર્મચેતના તે એનું કાર્ય નથી. અહા! આ ગુણ અને આ ગુણી આત્મા-એવો ભેદ કાઢી નાખીને અભેદ એક ચિન્માત્ર આત્માની દ્રષ્ટિ કરવા વડે શક્તિનું કાર્ય જે જ્ઞાનચેતના-જ્ઞાનદર્શનરૂપ પરિણામ તે પ્રગટ થાય છે. અહા! તે પરિણામનું કોઈ પરદ્રવ્ય કારણ નથી. શું કીધું? ભગવાનની વાણી સાંભળી માટે સમ્યક્ જ્ઞાનમય પર્યાય પ્રગટ થઈ એમ નથી.
તો પહેલાં જ્ઞાન નહોતું, વાણી સાંભળ્યા પછી જ્ઞાન થયું; તો સાંભળવાથી જ્ઞાન પ્રગટ થયું કે નહિ? તો કહે છે ના, એમ નથી; જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થાય છે, વાણીથી નહિ, વાણી સાંભળી તે નિમિત્ત અવશ્ય છે, પણ નિમિત્તને લઈને જ્ઞાન પ્રગટ થયું નથી; જ્ઞાન તે નિમિત્તનું કાર્ય નથી. વળી નિમિત્તના લક્ષે જે જ્ઞાન થાય તે તો પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ વાસ્તવિક-યથાર્થ જ્ઞાન નથી. દ્રવ્યસ્વભાવની અંતઃદ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન થાય તે જ વાસ્તવિક-સત્યાર્થ જ્ઞાન છે. અરે ભાઈ! જે ચેતના પોતાને ચેતે-જાણે નહિ તેને ચેતના કોણ કહે? એ તો જડપણું થયું બાપુ! જે સ્વને ચેતે-જાણે તે જ પરને યથાર્થ ચેતે-જાણે છે અને તે જ ચિતિશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...!
અનંત ધર્મોનું ધામ એક શાશ્વત ધ્રુવ ધર્મી આત્મા છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શક્તિ-સ્વભાવ. અહાહા...! ધર્મી એક શાશ્વત આત્મદ્રવ્ય છે, અને તેના ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય આદિ ધર્મો ત્રિકાળ શાશ્વત છે. તેની પર્યાય પ્રગટે છે તે એક સમયની છે; પર્યાય શાશ્વત નથી, ક્ષણિક છે, પણ તે શાશ્વત ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. શું કીધું? આ હું ત્રિકાળી ધ્રુવ શાશ્વત ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા છું એમ જ્ઞાન-શ્રદ્ધાન કરનારી પર્યાય ત્રિકાળી ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. આનું નામ અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે. નિત્ય કાંઈ જાણતું નથી, કેમકે નિત્ય કૂટસ્થ છે; કાર્ય