Pravachan Ratnakar (Gujarati). 8 VibhutvaShakti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3970 of 4199

 

૮-વિભુત્વશક્તિઃ પ૧

ક્રમબદ્ધ પરિણામોથી નિરંતર ઉપજે છે. કોઈ દ્રવ્ય કોઈ અન્યદ્રવ્યના પરિણામને ઉપજાવે એવી વસ્તુસ્થિતિ જ નથી. ગાથા ૩૦૮ થી ૩૧૧ માં-ટીકામાં આ વાત આચાર્યદેવે પ્રસિદ્ધ કરી છે. આવી વસ્તુવ્યવસ્થા સ્વીકારીને જે અતંર્મુખ દ્રષ્ટિ કરે છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે અને તેને ક્રમબદ્ધ નિર્મળ આનંદ આદિ પર્યાયની ધારા શરૂ થાય છે. બાકી તો જગતના જીવો બિચારા દુઃખમાં પીલાય છે. અરે! ઘાણીમાં તલ પીલાય તેમ રાગદ્વેષની ઘાણીમાં તેઓ પીલાય છે. અહા! અનંત પ્રભુતામય પોતાના પ્રભુને-આત્માને ઓળખ્યા વિના બિચારા શું કરે? કયાં જાય? (દુઃખમાં ડૂબી મરે છે). કોઈક વિરલ જીવ અંતર સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તે અલ્પકાળમાં કેવળજ્ઞાન લઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. સજ્ઝાયમાં આવે છે ને કે-

સહજાનંદી રે આત્મા, સૂતો કંઈ નિશ્ચિંત રે,
મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે;
લૂંટે જગતના જંત રે, વિરલા કોઈ ઉગરંત રે..

અરે પ્રભુ! આ મોહ-રાગ-દ્વેષાદિ રણિયા તારા માથે ભમે છે ને તું પોતાના સહજાનંદી સ્વરૂપને ભૂલી પ્રમાદી થઈ સૂતો છે! જાગ રે જાગ નાથ! આ જગતના પ્રાણીઓ તને લૂંટે છે. આ બૈરાં-છોકરાં વગેરે કુટુંબીજનો પોતાની આજીવિકા હેતુ તારા આનંદને લૂંટે છે. નિયમસારમાં આવે છે કે આ સ્ત્રી-પુત્ર આદિ પરિજન પોતાની આજીવિકા માટે તને ધૂતારાઓની ટોળી મળી છે. હવે આવી સ્થિતિમાં કોઈ વિરલ જીવ મોહમુક્ત થઈ પોતાના ત્રિકાળી શુદ્ધ સહજાનંદ-જ્ઞાનાનંદ સ્વરૂપની સંભાળ કરે છે તે ઉગરી જાય છે અર્થાત્ પોતાનું કલ્યાણ કરી લે છે.

અહા! અંદર પોતે ચૈતન્ય મહાપ્રભુ વિરાજે છે તેને ભૂલીને તું બહાર ફાંફાં મારે છે? બહારમાં કયાં તારાં પ્રભુતા ને આનંદ છે? અહા! અનંત ગુણની પ્રભુતાના સત્ત્વથી ભરેલો તું પ્રભુ છો. અહા! આવા નિજ સ્વરૂપનો મહિમા લાવી અંતર્મુખ થા. તેમ કરતાં જ અખંડિત તેજ વડે તારો આત્મા પ્રભુતાથી પર્યાયમાં શોભી ઉઠશે. આ સિવાય બહારમાં કયાંયથી તારી પ્રભુતા પ્રગટ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ...! લ્યો, -

આ પ્રમાણે અહીં પ્રભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું. -

*
૮ઃ વિભુત્વશક્તિ

‘સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.)’

આ શક્તિનો અધિકાર ચાલે છે. તેમાં અહીં આ આઠમી વિભુત્વશક્તિનું વર્ણન છે. અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે તે કર્મ અને શરીરથી સદાય ભિન્ન ચીજ છે; વળી અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો ઉત્પન્ન થાય છે તેનાથી પણ આત્મા વાસ્તવમાં ભિન્ન વસ્તુ છે, કેમકે તે વિકલ્પો ત્રિકાળી ચૈતન્યવસ્તુમાં પ્રસરતા નથી. પરંતુ પોતાની જે અનંત શક્તિઓ છે તેનાથી આત્મા અભિન્ન છે, એક છે; કેમકે સર્વ અનંત શક્તિઓ પૂરી આત્મવસ્તુમાં અભેદપણે વ્યાપક છે. અહાહા...! આ શક્તિઓમાંથી અહીં વિભુત્વશક્તિનું વર્ણન કર્યું છે.

કેવી છે વિભુત્વશક્તિ! તો કહે છે-‘સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ.’ ભાવ એટલે શું? કે આત્મવસ્તુમાં જે જ્ઞાન, દર્શન, ચિતિ, જીવત્વ, પ્રભુત્વ આદિ શક્તિઓ છે તેને અહીં ભાવ કહેલ છે. ભાવ શબ્દ ચાર અર્થમાં કહેવાય છે.

૧. દ્રવ્યને ભાવ કહે છે, ૨. ગુણને ભાવ કહે છે, ૩. પર્યાયને ભાવ કહે છે, અને ૪. રાગને-વિકારી પર્યાયને પણ ભાવ કહે છે. તેમાં અહીં ત્રિકાળી શક્તિને ભાવ કહેલ છે. મતલબ કે સર્વ અનંત શક્તિઓમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આત્મદ્રવ્યમાં જે વિભુત્વશક્તિ છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવસ્વરૂપ છે. અર્થાત્ દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં વિભુત્વશક્તિ અનંત ભાવરૂપ થઈ જતી નથી, સદા તે એક ભાવરૂપ જ રહે