Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3985 of 4199

 

૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રગટ કરવાની આ વાત છે.

સવારે રેકોર્ડીંગમાં પ્રથમ કળશની બહુ સારી વાત આવી હતીઃ “... તેની અન્તરછેદી અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને ‘સાર’પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને ‘સાર’ પણું ઘટે છે.”

અહીં એમ કહે છે કે-એક પુદ્ગલ પરમાણુથી માંડીને શરીર, મન, વાણી, પૈસા, સ્ત્રીનું શરીર ઇત્યાદિ ચીજોમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. નિગોદના અનંતા જીવ છે તેને પણ પરિણતિમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. જુઓ, આ શક્તિની વાત નથી. નિગોદના અનંત જીવ અને આ શરીરાદિ પરમાણુના સ્કંધ તેને જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન નથી, અહાહા...! સંસારી પ્રાણી-નિગોદ આદિ અનંત જીવ-જે મલિનભાવે પર્યાયમાં પરિણમ્યા છે તેમને પ્રગટ દશામાં સુખેય નથી, જ્ઞાનેય નથી. વસ્તુમાં ત્રિકાળ સુખસ્વભાવ ને જ્ઞાનસ્વભાવ છે એની અહીં વાત નથી. અહીં તો કહે છે-અજ્ઞાની જીવ જે નિગોદાદિ સંસારી જીવને જાણે તો તે જાણનહારને સુખ નથી, જ્ઞાન પણ નથી. અહા! રાજમલજીએ ગજબની ટીકા કરી છે. નિગોદાદિ સંસારી જીવોને તો પર્યાયમાં સુખ નથી, તેના જાણનારનેય સુખ ને જ્ઞાન નથી. ગજબ વાત છે ભાઈ!

શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ છે. તે બન્નેને સુખ પણ છે, જ્ઞાન પણ છે; અને તેમને જાણનાર જીવને પણ સુખ છે અને જ્ઞાન પણ છે. પરંતુ શુદ્ધ જીવને જાણ્યો કયારે કહેવાય? કે ભગવાન સિદ્ધ પરમાત્મા જેમ શુદ્ધ છે તેમ મારો ભગવાન આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે. અહાહા...! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.’ અહા! આ ત્રિકાળી શુદ્ધની દ્રષ્ટિ કરી પરિણમવાથી, તે સ્વદ્રવ્યની સન્મુખ થઈને તેના આશ્રયે પરિણમવાથી સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય છે અને ભેગી અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ દશા પ્રગટે છે. આવે છે ને નાટક સમયસારમાં કે-

વસ્તુ વિચારત ધ્યાવતૈં, મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ,

અહા! આવી સ્વાનુભવની દશા પ્રગટ કરે ત્યારે શુદ્ધને જાણ્યો કહેવાય. શુદ્ધ જીવમાં સુખ છે, જ્ઞાન છે, માટે તેના જાણનારને પણ સુખ અને જ્ઞાન છે.

પ્રશ્નઃ– સિદ્ધને જાણતાં સુખ છે કે નહિ? ઉત્તરઃ– હા, સિદ્ધને જાણતાં સુખ છે; પણ સિદ્ધને જાણ્યા કયારે કહેવાય? કે પોતાનો સ્વભાવ સદા સિદ્ધ સમાન શુદ્ધ છે એમ નિશ્ચય કરી સ્વભાવસન્મુખ થઈને તેનો અનુભવ અને પ્રતીતિ કરે ત્યારે સિદ્ધને જાણ્યા કહેવાય. સાથે તેમાં અતીન્દ્રિય સુખનો આસ્વાદ પણ હોય છે.

પ્રશ્નઃ– આમાં સ્વદ્રવ્યને જાણવાની શી જરૂર છે? ઉત્તરઃ– અરે ભાઈ! પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ તો દુઃખ જ છે. મોક્ષપાહુડની સોળમી ગાથામાં આચાર્યદેવ કહે છે-‘પરદવ્વાદો દુગ્ગઈ’. અહા! ભગવાનની વાણીમાં આવેલી કોઈ અલૌકિક વાતો દિગંબર સંતોએ કરી છે. સ્વદ્રવ્ય સિવાય ભાઈ! અન્ય દ્રવ્ય ઉપર તારું લક્ષ જશે તો નિયમથી વિકલ્પ જ ઉત્પન્ન થશે, અને તેથી તને દુઃખ જ થશે. ત્યાં તો પરદ્રવ્યના લક્ષે વિકલ્પ થાય તે દુર્ગતિ છે એમ જાણી પોતાના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે એની વાત કરી છે.

અહા! મારી પર્યાયમાં સર્વજ્ઞતા નથી, ને ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તો તે સર્વજ્ઞપણું આવ્યું કયાંથી? કે પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ પડી છે તેમ નિશ્ચય કરી નિજ સ્વરૂપનું આલંબન લેવાથી પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થયું છે, પરને જાણતાં પ્રગટ થયું છે એમ નથી. માટે પરને જાણવાના ક્ષોભથી-આકાંક્ષાથી વિરામ પામી સ્વસ્વરૂપના આશ્રયે પરિણમવું ને ત્યાં જ રમવું, ઠરવું ને લીન થવું તે જ સર્વજ્ઞ થવાનો માર્ગ છે. આવી વાત છે. લ્યો,

આ પ્રમાણે અહીં સર્વજ્ઞત્વશક્તિ પૂરી થઈ.

*