આત્મસ્વરૂપની સન્મુખ થઈ પરિણમતાં સ્વચ્છતા પ્રગટે છે. અરે! અજ્ઞાનીઓ નિજ ચૈતન્યના સ્વચ્છતાના સ્વભાવને ભૂલીને દેહના સંસ્કારમાં (સ્નાનાદિમાં) ધર્મ થવાનું માને છે! પણ ભાઈ! એમાં કાંઈ હાથ આવે એમ નથી. સમજાણું કાંઈ...?
ભાઈ! આ લાકડાં ને ઘાસ જેમ બળે તેમ તું જેના સંસ્કાર (સ્નાનાદિ) કરે છે તે આ રૂપાળું શરીર બળીને ખાક થઈ જશે. તેમાંથી બીજું કાંઈ નહિ નીકળે; અર્થાત્ આત્માનાં શાંતિ ને સ્વચ્છતા તેમાંથી નહિ નીકળે. આવી વાત!
ભગવાન! તું તો ચૈતન્યમય અમૂર્તિક પ્રદેશોનો પુંજ છો ને પ્રભુ! અહાહા...! તારા સ્વચ્છ ઉપયોગમાં જડ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કાંઈ જડ મૂર્તિક આકારરૂપ થઈ જતો નથી. તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકાર એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે, તે જ્ઞાનાકાર-સ્વ-આકાર રહીને જ અનેક પર જ્ઞેયાકારોને જાણે છે. અહા! લોકાલોકને જાણતાં અનેકાકારરૂપ ઉપયોગ છે તે જ્ઞાનાકાર-સ્વ-આકારરૂપ છે અને તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત!
પ્રથમ ચિતિશક્તિ કહીને તેના બે ભેદ પાડયા-દૃશિશક્તિ અને જ્ઞાનશક્તિ. પછી સર્વદર્શિત અને સર્વજ્ઞત્વ શક્તિઓ કહી. તેનાથી ભિન્ન આ સ્વચ્છત્વશક્તિ અહીં કહેવામાં આવી. કેવી છે સ્વચ્છત્વશક્તિ? તો કહે છે- ‘અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક-અનેકાકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ-શક્તિ.’ અહા! સ્વસ્વરૂપના આશ્રયપૂર્વક સ્વચ્છતા પરિણત થતાં જ્ઞાનની-ઉપયોગની એવી કોઈ નિર્મળતા- સ્વચ્છતા થાય છે કે એના પરિણમનમાં લોકાલોક-મૂર્તિક અને અમૂર્તિક એમ બધુંય-તેમાં-અમૂર્તિક આત્મપ્રદેશોમાં ઝળકે છે, પ્રતિભાસે છે, જણાય છે. અહા! અંતર્મુખ ઊંડા ઉતરીને જુએ તો અંદર આવાં વિસ્મયકારી અદ્ભુત ચૈતન્યનાં નિધાન પડયાં છે; પણ અરે! અજ્ઞાની પ્રાણીઓ બહારમાં-ધન અને દેહાદિમાં-મૂર્ચ્છિત-પાગલ થઈને પડયા છે!
હવે અહીં અરીસાનું દ્રષ્ટાંત આપે છેઃ ‘જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.’
જોયું? સ્વચ્છત્વ દર્પણનો સ્વભાવ-શક્તિ છે, અને તેની પર્યાયમાં ઘટ-પટ આદિ પદાર્થો પ્રકાશે-પ્રતિભાસે છે. ત્યાં ઘટ-પટ આદિ પદાર્થો કાંઈ દર્પણમાં જતા નથી, પેસતા નથી, પણ એ તો ઘટ-પટ આદિ સંબંધી અરીસાની સ્વચ્છતાની પર્યાય જોવામાં આવે છે. અરીસાની સામે અગ્નિ હોય કે બરફ હોય, અરીસામાં તે તે પ્રકારના પ્રતિભાસરૂપ પ્રતિબિંબ દેખાય છે. ત્યાં વાસ્તવમાં કાંઈ અરીસામાં અગ્નિ કે બરફ નથી. ફક્ત સામે જે જે પદાર્થ છે તે પ્રકારની અરીસાની સ્વચ્છતાની પર્યાય અરીસામાં દેખાય છે. ખરેખર અરીસામાં અગ્નિ કે બરફ નથી દેખાતો, પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે જે દેખાય છે. તેવી જ રીતે ભગવાન આત્માની સ્વચ્છત્વશક્તિ પરિણમતાં તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે. અહા! આવી જ સ્વચ્છત્વ શક્તિની નિર્મળ પર્યાય છે. અરે! જીવે આવું પોતાનું સ્વરૂપ સમજવાની કદી દરકાર કરી નથી. મારું શું થશે? હું મરીને કયાં જઈશ? -એને એવો વિચાર જ નથી!
અહાહા...! ભગવાન! તું કોણ છો? અહાહા...! લોકાલોકનો અરીસો એવો ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. અહા! તારી સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટ ઝળકે-પ્રતિભાસે છે કે જાણે લોકાલોક તેમાં (-ઉપયોગમાં) પેસી ગયા હોય? પણ ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી, લોકાલોક તો બહાર જ છે, પણ આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા પ્રતિભાસસ્વરૂપે પરિણમ્યો છે. અહા! લોકાલોક જણાય છે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. અહા! આવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા! ઉપયોગની સ્વચ્છતાનો એવો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે પરની સાથે જોવા વિના જ પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવારૂપે પરિણમી જાય છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે પોતે કોણ છે? કેવડો છે?-એની ખબર ન મળે એ બિચારા શું કરે? (ભવસમુદ્રમાં ડૂબી મરે.)
સં. ૧૯૬૪ની સાલમાં અમે એક ‘અનસૂયા’નું નાટક જોયેલું. તે વખતનાં નાટકો વૈરાગ્યરસથી ભરપુર ભજવાતાં. અનસૂયા પરણી ન હતી. સ્વર્ગે જતાં તેને દેવે કહ્યું, -‘अपुत्रस्य गतिर्नास्ति’-જેને પુત્ર ન હોય તેને સ્વર્ગની ગતિ