Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3994 of 4199

 

૧૨-પ્રકાશશક્તિઃ ૭પ

બાપુ! આ તો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. અહો! આચાર્ય ભગવંતોએ વનમાં વસીને કેવાં અજબ કામ કર્યાં છે! જુઓ, મૂળ ગાથાઓ શ્રી કુંદકુંદાચાર્યદેવે બે હજાર વર્ષ પર રચી છે, ને તેના એક હજાર વર્ષ પછી તેની ટીકા આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિએ બનાવી છે. અહો! દિગંબર મુનિવરો! જાણે હાલતા-ચાલતા સિદ્ધ! નિજ એક જ્ઞાયકભાવમાં જેમણે ઉપયોગની-શુદ્ધોપયોગની ઉગ્ર જમાવટ કરી છે અને જેઓ પ્રચુર સ્વસંવેદનમાં મસ્ત, નિજાનંદરસમાં લીન રહેનારા છે એવા યોગીવરોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે.

એમ શુદ્ધોપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધોપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે તેવી સમકિતીને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કષાયના અભાવવાળી શુદ્ધોપયોગની તીવ્ર લીનતા હોય છે. તથાપિ સમ્યગ્દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશશક્તિ છે. આ ન્યાયથી-યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સમકિતી કહે છે-મારા આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો! આ સ્વસંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે. અહો! આ સ્વસંવેદન તો મોક્ષનાં દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે.

સમકિતી ચક્રવર્તી ભલે છ ખંડના રાજ્યમાં બહારથી દેખાય, પણ ખરેખર તે રાજ્યનો સ્વામી નથી. ૪૭ શક્તિમાં છેલ્લી સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે. અહાહા...! શક્તિનું પરિણમન થયું છે એવો સમકિતી, જ્ઞાની ચક્રવર્તી છન્નુ હજાર રાણીઓના વૃંદમાં દેખાય તો પણ તે પોતાના દ્રવ્ય-ગુણ અને સ્વસંવેદનની નિર્મળપર્યાય જે તેને પ્રગટ થઈ છે તેનો તે સ્વામી છે, રાગનો-વિકલ્પનો સ્વામી નથી. હવે રાગનો સ્વામી નથી તો પછી રાજ્યનો, પરનો કે સ્ત્રીનો સ્વામી હોય એ વાત કયાં રહી?

અહા! આ પ્રકાશશક્તિનું બીજી અનંત શક્તિઓમાં રૂપ છે. તેથી જ્ઞાન, શ્રદ્ધા, આનંદ વગેરે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. અહો! આ તો મોટો ભંડાર ભર્યો છે, જેનો પાર ન આવે એવી આ વાત છે. એકેક શક્તિમાં કેટલું ભર્યું છે! એક ‘જગત’ શબ્દ લઈએ એમાં કેટલો વિસ્તાર ભર્યો છે? અહાહા...! છ દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય, ત્રણ કાળ, અનંતા સિદ્ધ, અનંતા નિગોદરાશિ, અનંતાઅનંત પુદ્ગલો... ઓહોહોહો...! ‘જગત’ શબ્દે કેટલું બધું આવે! હવે એ જગતને જાણનાર જ્ઞાનના સામર્થ્યનું શું કહેવું? આમ એકેક શક્તિનો ઘણો અપરિમિત વિસ્તાર છે. (માત્ર પ્રત્યક્ષ અનુભવમાં જ પાર પમાય એમ છે.)

દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીદેવ કહે છે-નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે.

दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।
तम्हा पयत्तचित्ता जूयं झाणं समब्भमसह।।
४७।।

ધર્મીપુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધોપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતાં આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે.

પ્રશ્નઃ– મતિ-શ્રુતજ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં ‘आद्ये परोक्षम्’ આરંભનાં બે અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?

ઉત્તરઃ– તત્ત્વાર્થસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યાં છે, પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વ્યવહારમાં જેમ કહે છે ને કે- આ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદનજ્ઞાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુતપર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે.

મેં રાજાને પ્રત્યક્ષ જોયો એમ કહેવું તે વ્યવહારપ્રત્યક્ષ છે. પરનું જ્ઞાન પણ જેને સ્વરૂપગ્રાહી સત્યાર્થ જ્ઞાન હોય તેને સાચું હોય છે. આ દેવ છે, આ ગુરુ છે, આ શાસ્ત્ર છે-એવું પરસંબંધીનું જ્ઞાન તેને સાચું હોય છે જેને સ્વનું ભાન છે. જેને સ્વનું જ્ઞાન થયું નથી તેને પરનું જ્ઞાન તે જ્ઞાન નથી, એ તો એકાંત પરપ્રકાશક જ્ઞાન છે.

વર્ષો પહેલાં સંપ્રદાયમાં અમે કહ્યું હતું કે-સ્વાનુભવ કરો, સ્વાનુભવ કરવો જોઈએ. સ્વાનુભવ મુખ્ય છે.