Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3996 of 4199

 

૧૩-અસંકુચિતવિકાસત્વશક્તિઃ ૭૭

વિકાસરૂપ ખીલી ઉઠે છે. અહા! એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અસંકુચિત વિકાસમય છે. સમજાય છે કાંઈ...?

ત્યારે કોઈ વળી કહે છે-ભગવાન કેવળી દ્રવ્યોની વર્તમાન વર્તતી પર્યાયને જાણે પણ ત્રિકાળવર્તી સર્વ પર્યાયોને ન જાણે કેમકે એક સમયની વર્તમાન પર્યાય વર્તે છે, પણ ભૂત-ભવિષ્યની પર્યાયો વર્તમાન વર્તતી નથી. પણ આ માન્યતા બરાબર નથી, કેમકે ભગવાન કેવળીની જ્ઞાનશક્તિ સંકોચ રહિત ખીલીને એવી પૂર્ણજ્ઞાનરૂપ- કેવળજ્ઞાનરૂપ થઈ છે કે એક સમયમાં ત્રણે કાળની સમસ્ત પર્યાયોને ભગવાન કેવળી સર્વજ્ઞદેવ પ્રત્યક્ષ જાણે છે. ભગવાન કેવળી વર્તમાન વર્તતી એક સમયની પર્યાયને જ દેખે છે, ને ભૂત-ભાવિની પર્યાયોને દેખતા નથી એમ છે જ નહિ. એમ માને એને ચૈતન્યની શક્તિની ખબર જ નથી. ભાઈ! આમાં એક ન્યાય ફરે તો એમાં આખી વસ્તુ ફરી જાય.

અહાહા...! આત્માની જ્ઞાનશક્તિમાં આ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. એમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે એમ નહિ, પણ એમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. જેમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે તેમ જ્ઞાનમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે; જેથી જ્ઞાનની શક્તિમાં સંકોચ વિના પૂરણ વિકાસ થાય છે અને ત્રણકાળ ત્રણલોકની પર્યાયોને સંકોચ વિના એક સમયમાં જાણે છે. ચૈતન્યનો પૂર્ણ વિલાસ થતાં જાણવામાં કોઈ ક્ષેત્રની મર્યાદા નથી કે આટલું જ ક્ષેત્ર જાણે, વા કાળની કોઈ મર્યાદા નથી કે આટલા કાળનું જ જાણે; ત્રણકાળ સહિત લોકાલોકને મર્યાદા વિના એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવો અપરિમિત પૂર્ણ અનંત જ્ઞાનશક્તિનો વિકાસ ભગવાન કેવળીને થયો હોય છે.

તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે ચાર ઘાતીકર્મોનો નાથ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પણ આ તો નિમિત્તથી કથન છે, તે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. વાસ્તવમાં ચાર ઘાતીકર્મોનો ક્ષય કરવો એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. એ તો પોતાનો એવો અસંકુચિતવિકાસત્વ સ્વભાવ છે જે વડે જીવ (-જ્ઞાન) પૂર્ણ વિકાસરૂપ થઈ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. પણ અરેરે! અજ્ઞાની પામરને પોતાની પ્રભુતાનો મહિમા બેસવો કઠણ પડે છે, એમ કે આવું તે હોય! પણ અરે ભાઈ! જ્ઞાનમાં સંકોચ રહિત પૂર્ણ વિકાસ થાય એવું અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, દર્શનમાં પણ સંકોચ ન રહે અને વિકાસ થઈ જાય એવું રૂપ છે, જેથી અસંકોચ-વિકાસરૂપ જે દર્શન તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવને પોતાના વિકાસથી દેખે છે.

આત્માનો અતીન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેમાં પણ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, જે વડે આનંદસ્વભાવ કોઈ સંકોચ વિના પૂર્ણાનંદસ્વરૂપે પરિણમે છે. વળી જીવમાં અકષાયસ્વરૂપ ચારિત્ર નામનો એક ગુણ છે, તેમાં પણ આ શક્તિનું રૂપ છે, જેથી ચારિત્રની પૂર્ણ રમણતા-સ્થિરતા થઈ પૂર્ણ અકષાયરૂપ ચારિત્ર પ્રગટ થાય છે. જો કે આ શક્તિના અધિકારમાં ચારિત્ર નામની શક્તિ જુદી વર્ણવી નથી, પણ સુખશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર એ બન્ને શક્તિ સમાડી દીધી છે. ભગવાન સિદ્ધના આઠ ગુણના વર્ણનમાં પણ ચારિત્ર ગુણ જુદો કહ્યો નથી; સમ્યગ્દર્શન અને વીર્ય ગુણનું કથન કર્યું છે ત્યાં શ્રદ્ધામાં ચારિત્રશક્તિ સમાવી દીધી છે.

પરમાત્મપ્રકાશમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. વાંસનો મંડપ હોય ત્યાં સુધી વેલ માંડવા ઉપર ચઢે છે, પણ વેલમાં હજી ઉપર જવાની શક્તિ તો ભરી છે. મંડપ વધારે ઊંચો હોય તો વેલ પણ વધારે ઊંચે ચઢે એવી વેલમાં પોતાના કારણે (મંડપના કારણે નહિ) શક્તિ છે. તેમ આ ત્રણકાળ-ત્રણલોકનો મંડપ છે તેને કેવળજ્ઞાન એક સમયમાં જાણે છે. વળી એનાથી અનંતગુણા ક્ષેત્ર ને કાળ હોય તો પણ કેવળજ્ઞાન તેને જાણે એવી તેની અનંત વિકાસરૂપ શક્તિ છે. લોકાલોક એક જ છે, પણ એનાથી અનંતગુણા લોકાલોક હોય તો પણ સંકોચ વિના વિકાસ થઈને કેવળજ્ઞાન તે બધાને જાણી લે એવું તેનું સ્વરૂપ છે. ભાઈ! એક એક ગુણની એક એક પર્યાય સંકોચ વિના પૂર્ણ વિકાસરૂપ થઈ વિલસે એવો આત્માની અસંકોચ-વિકાસશક્તિનો સ્વભાવ છે. ભગવાન! અંદર તારું સ્વરૂપ તો જો.

પં. ફૂલચંદજીએ ‘ખાનિયા તત્ત્વચર્ચા’ ગ્રંથમાં આનું સારું સ્પષ્ટીકરણ કર્યું છે. ભાઈ! વસ્તુસ્થિતિ જ આવી છે. અમે તો સાક્ષાત્ ભગવાન પાસે સાંભળ્‌યું છે. પરંતુ વાત આવી સૂક્ષ્મ છે એટલે લોકોને બેસવી કઠણ પડે છે.

અહા! આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય એવો એનો અસંકોચ-વિકાસ સ્વભાવ છે. પણ તે પર્યાયમાં પૂર્ણ વિકાસરૂપ કયારે થાય? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ એક જ્ઞાયકભાવનો આશ્રય કરીને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ થાય છે. આ સિવાય જડનો કે વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયમાં વિકાસ ન થાય, વિકાર થાય ને પર્યાય સંકોચરૂપ જ રહે. અહા! જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે, તે સંકોચ ટળીને સંકોચ રહિત વિકાસ કેમ થાય તે અહીં આચાર્યદેવ બતાવે છે.