-તેને કહેનારું આ સમયસાર શાસ્ત્ર સાંભળ. સિદ્ધની પર્યાય તો એક સમયની છે, પણ પોતાનો આત્મા અનંત અનંત સિદ્ધ પર્યાયોનો પિંડ છે ને! અહા! એવા સ્વરૂપની તું આ વાત સાંભળ. અહાહા...! ‘वंदित्तु सव्वसिद्धे’ નો આવો અર્થ છે. અહાહા...! અનંત સિદ્ધોનું પર્યાયમાં સ્થાપન કરે ત્યાં પોતાની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભણી જાય છે.
અહીં કહે છે. -શુભાશુભ રાગના પરિણામ જ્ઞાતૃત્વથી ભિન્ન છે ને તે પરિણામ કર્મથી કરવામાં આવે છે. પણ ભગવાન આત્મા તેનો કર્તા નથી. કેમકે આત્મા તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ અકર્તૃત્વસ્વભાવી છે. અહાહા...! આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા શુભાશુભ પરિણામોનો કર્તા થતો નથી, એવો જ એનો અકર્તૃત્વ સ્વભાવ છે. જે ભાવથી તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ પડે તે ભાવનો કર્તા આત્મા નથી, તેનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. કર્મકૃત પરિણામોનો આત્મા જાણનાર છે, કર્તા નથી.
અહીં શુભાશુભ વિકાર થાય છે તેને કર્મકૃત કહ્યા તેથી તે કર્મથી નીપજે છે એમ અર્થ નથી. વિકારભાવ તો જીવ પોતે સ્વતંત્રપણે કરે છે, પણ કર્મ-નિમિત્તને આધીન થઈ વિકારને કરતો હોવાથી તેને કર્મકૃત કહ્યા છે. બાકી કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે? પૂજાની જયમાલામાં આવે છે ને કે-
અગનિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.
તો ગોમ્મટસારમાં જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય ઇત્યાદિ આવે છે ને? હા, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું નિમિત્તપરક કથન છે. જ્ઞાન કાંઈ જ્ઞાનાવરણીય કર્મના ઉદય વડે રોકાઈ ગયું છે એમ નથી. જ્ઞાનની હીનદશાનું હોવું એ તો પોતાની જ યોગ્યતાથી છે, કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર કર્મનું નિમિત્ત હોતાં થાય છે તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિને જે કિંચિત્ રાગ થાય છે તે પોતાની યોગ્યતાથી કમજોરીવશ થાય છે, પણ સ્વભાવદ્રષ્ટિવંત જ્ઞાની તેના કર્તા નથી, કેમકે વિકારને કરે નહિ એવો આત્માનો અકર્તા સ્વભાવ છે. અહાહા...! રાગ થાય તે જ્ઞાયકથી ભિન્ન પરિણામ છે; અને જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામ છે તે પરિણામોના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે.
ત્યારે કોઈ વળી કહે છે-આપણને આતમા-ફાતમા કાંઈ સમજાય નહિ, આપણે તો પુણ્ય કર્યા કરવાં ને સ્વર્ગાદિનાં સુખ ભોગવવાં બસ.
અરે ભાઈ! અંદર તું સુખનિધાન જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ ભગવાન છો તેનો ઈન્કાર કરીને પુણ્યના ફળની હોંશ- મીઠાશ કરી રહ્યો છો, પણ તેમાં તો અનંત સંસારરૂપી વૃક્ષના મિથ્યાત્વરૂપ મૂળિયાં પડયાં છે. અહીં કહે છે-પુણ્ય પરિણામ ભગવાન જ્ઞાયકથી ભિન્ન છે, અને તેના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. હવે પોતાના આવા સ્વભાવને ઓળખ્યા વિના પુણ્ય ને પુણ્યકર્મની હોંશ તું કર્યા કરે છે. પણ અનાદિ સંસારમાં પુણ્ય અને પુણ્યકર્મનો કાળ અત્યંત અલ્પ હોય છે; મિથ્યાદશામાં અનંત અનંત કાળ તો જીવનો પાપ અને પાપના ફળરૂપ દુઃખમાં જ વ્યતીત થાય છે. સમજાય છે કાંઈ...?
એક અજાણ્યા ગૃહસ્થ થોડા વખત પહેલાં આવેલા. તે કહે-“હું તીર્થંકર છું, ચાર ઘાતિકર્મનો મને ક્ષય થયો છે, ચાર અઘાતિકર્મ બાકી છે.” પછી થોડી વાર પછી તે કહે-“મારી પાસે પૈસા નથી, મારા માટે સગવડ કરી આપો.” જુઓ, આ વિપરીતતા! તેને કહ્યું-ભાઈ! આ તો તદ્ન વિપરીત દ્રષ્ટિ છે, કેમકે વસ્ત્ર સહિત મુનિપણું હોઈ શકે નહિ, પછી કેવળજ્ઞાન થઈ જાય, અને ચાર ઘાતિકર્મનો ક્ષય થઈ જાય એ તો સંભવે જ કયાંથી? હવે આવું ને આવું-ઘણું બધું વિપરીત-માનનારા જગતમાં ઘણા પડયા છે!
અહાહા...! આત્મા અનંત શક્તિનો પિંડ, અનંત ગુણરત્નોથી ભરેલો ભગવાન રત્નાકર છે. તેનો અંતરસન્મુખ થઈ અનુભવ થતાં સાથે અતીન્દ્રિય આનંદની લહર ઉઠે છે; આનું નામ સમ્યગ્દર્શન છે. જુઓ, ‘चारित्तं खलु धम्मो’- ચારિત્ર ખરેખર ધર્મ છે, અને ‘दंसण मूलो धम्मो’ -ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. એટલે શું? કે સમ્યગ્દર્શન છે તે ચારિત્રનું મૂળ છે; સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિના કોઈ બહારમાં વ્રત, તપ કરો તો કરો, પણ એ કાંઈ નથી, થોથાં છે; અર્થાત્ ભગવાને તેને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે.