શરીરમાં રોગ છે.
અહા? મારો આત્મા મારી પર્યાયોમાં જ વ્યાપક છે, બીજે નહિ, ને મારી પર્યાયોમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે. બીજો નહિ-એવો નિર્ણય કરે તેની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આવો નિશ્ચય થતાં તેને પરાશ્રયપણાની બુદ્ધિ મટી જાય છે, ને સ્વ-આશ્રયની ભાવના જાગ્રત થાય છે. હવે તે સ્વદ્રવ્યનું એકનું જ આલંબન કરીને શુદ્ધ પર્યાયોરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. પર્યાયે પર્યાયે તેને એકત્વસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ આલંબન વર્તે છે, ને શુદ્ધ આત્મદ્રવ્યના આલંબને પ્રગટ થતી પર્યાયો તેને નિર્મળ નિર્મળ જ થાય છે. અહા! ધર્મી પુરુષની બધી પર્યાયો એક શુદ્ધ આત્મદ્રવ્યને જ ઉપાદેય કરીને પરિણમે છે, તેની પર્યાયમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આદિ બીજું કાંઈ ઉપાદેય નથી.
તો મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર હોય છે ને? હા, મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર આચરણ હોય છે, પણ એ તો વિકલ્પ-રાગ છે; મુનિરાજને તે ઉપાદેય નથી, હેય છે. ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે-
યે હુ પર જાનૈ નાંહિ, ઇનમેં ઉમૈયા હૈ।
અજ્ઞાની જીવ દયા, દાન, વ્રત આદિ શુભભાવ પર છે એમ જાણતો નથી, તે એમાં જ ઉલ્લસિત થાય છે. હું કાંઈક (ધર્મ) કરું છું એમ તે માને છે. જ્યારે જ્ઞાની પુરુષ-
જુઓ આ ભગવાનની વાણીનો નિચોડ! શું? કે શુભાશુભની રીતિને ત્યાગી, હું પુણ્યપાપ ને ક્રિયાકાંડના રાગથી ભિન્ન શુદ્ધ એક ચિદાનંદમય ભગવાન આત્મા છું એમ જ્ઞાની અનુભવે છે, અરે, અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને ભિખારીની જેમ મારે પૈસા જોઈએ, ને બંગલા જોઈએ, ને આબરૂ જોઈએ-એમ તૃષ્ણાવંત થઈને શુભાશુભ આચરણ કર્યા કરે છે. પણ એથી શું? જ્ઞાનદર્પણમાં દ્રષ્ટાંત આપી કહ્યું છે કે-જટા વધારવાથી જો સિદ્ધિ થતી હોય તો વડને મોટી જટા હોય છે. “મૂંડનતેં ઉરની, નગન રહતે પશુ; કષ્ટ સહન કરતે તરુ”-વળી વાળ તો ઘેટાં પણ કપાવે છે, નગ્ન તો પશુ પણ ફરે છે અને વૃક્ષો ટાઢ-તાપ સહે છે. તથા ‘પઢનતે શુક’ -પોપટ મોઢેથી પાઠ કરે છે અને ‘ખગધ્યાન’ -બગલા પણ ધ્યાન કરે છે. પરંતુ તેથી શું થયું? તેઓ કોઈ ધર્મ પામતા નથી. એટલે કે એમાં આત્માને શું આવ્યું? કાંઈ જ નહિ. ભાઈ! અંદર ચૈતન્ય ચિંતામણિ એવો ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્મા છે તેના આશ્રયે નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવો એ જ પોતાના હિતરૂપ ધર્મ છે.
આત્માની આ એકત્વશક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, ને તેના પરિણમનરૂપ પર્યાય પ્રગટ થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. શક્તિ તો ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના શક્તિ છે એની પ્રતીતિ થતી નથી. શક્તિ સાથે ભળીને -એકમેક થઈને શુદ્ધતારૂપે પરિણમ્યા વિના શક્તિનો ને શક્તિવાન આત્માનો વાસ્તવિક સ્વીકાર થતો નથી. સત્તાનો સ્વીકાર કયારે થાય? કે સ્વાભિમુખ-સ્વસન્મુખ થઈને સત્દ્રવ્યના આશ્રયે પરિણમે ત્યારે; જ્યાં સત્તાનો સ્વીકાર થાય કે (સ્વીકારનારી) પર્યાય તેમાં એકમેક ભળી જાય છે, ને તે પર્યાય નિર્મળ નિર્મળ અપૂર્વ-અપૂર્વભાવે પ્રગટ થાય છે. આ ધર્મ છે, આ મોક્ષનો પંથ છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે અહીં એકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.