વિશેષ નિર્મળ પર્યાયના ભાવ-ઉત્પાદપૂર્વક થશે; વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈને તેને અપૂર્વ અપૂર્વ નિર્મળ પર્યાયનો ભાવ-ઉત્પાદ થશે. આવી વાત!
આસ્રવ અધિકારમાં મૂળ તો શુદ્ધનયને નય કહ્યો છે. વ્યવહાર નયને નય ગણ્યો જ નથી. ત્યાં કહ્યું છે-જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે તેઓ કર્મ બાંધે છે. પણ અહીં તો છોડવાની વાત જ નથી. અહીં તો અપ્રતિહત ભાવની વાત છે. અત્યારે ભલે ક્ષયોપશમ સમકિત હોય, પણ પછી તે ક્ષાયિક થવાનું છે. અત્યારે ભલે ક્ષયોપશમ જ્ઞાન હોય, પણ પછી વધીને તે કેવળજ્ઞાન થવાનું છે; સાધક દશા મટીને સિદ્ધદશા થવાની છે; જે ભાવ વર્તમાનમાં નથી, અભાવરૂપ છે, તે અભાવનો ભાવ થઈ જશે. અહો! થોડા શબ્દે આ તો ગજબની વાત કરી છે. શું થાય? લોકો સ્વાધ્યાય કરતા નથી, આગમનો શું અભિપ્રાય છે તે પોતાની દ્રષ્ટિમાં લેતા નથી!
પરમાત્મ પ્રકાશમાં આવે છે કે-દિવ્ય ધ્વનિથી કાંઈ જ્ઞાન થતું નથી, ને મુનિનાં કહેલાં સાચાં શાસ્ત્રોથી પણ કાંઈ જ્ઞાન થતું નથી. પર્યાયમાં જે અલ્પ જ્ઞાન છે તે અભાવ થઈને, વર્તમાન જે અભાવ છે તે વિશેષ જ્ઞાનનો ભાવ થાય છે એવું આત્માની અભાવ-ભાવશક્તિનું સામર્થ્ય છે.
સર્વ ગુણાંશ તે સમકિત. ચોથા ગુણસ્થાને દ્રવ્યમાં જે અનંત ગુણ છે તેનો સમકિતની સાથે જ અંશ વ્યક્ત થાય છે. તે આ અભાવ-ભાવશક્તિનો મહિમા છે. જેમ એક ગુણમાં તેમ બધામાં લેવું કે વર્તમાન પર્યાયમાં જે અલ્પતા છે તે છૂટીને વિશેષતા થશે; સાધકભાવ છૂટીને પૂરણ સિદ્ધદશા પ્રગટશે. ખૂબ ગંભીર વાત છે. અહો! યથાર્થ તત્ત્વધારા-અમૃતધારા જેમનાથી પ્રવર્તે છે તે સંતોની બલિહારી છે. દિગંબર સંતો સિવાય આવી ધારા કયાંય નથી.
આ પ્રમાણે અહીં અભાવ-ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ.’ અહાહા...! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય? ભાઈ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયકભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે તેની દ્રષ્ટિ કરી, રુચિ કરવી, તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે; આનું નામ ધર્મ છે. જો કે શુભભાવ હજુ છૂટી જતો નથી, શુદ્ધોપયોગ પૂર્ણ પ્રગટ થયે તે છૂટશે, પણ શુભની રુચિ અવશ્ય છૂટી જાય છે. ભાઈ! શુભરાગની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે.
વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી; ધર્મીને પણ બહારમાં તે હોય છે, પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. પ્રથમ શુભભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભભાવની રુચિ છૂટી શુદ્ધોપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે, આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યારે આંતર-સ્થિરતા થઈ શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશઃશુભભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ, શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ.
અશુભભાવ તો હેય છે જ, અને શુદ્ધોપયોગ છૂટીને શુભભાવ થાય એ ય કોઈ ચીજ નથી. શુભ છૂટી અશુભ થાય તે તો અહીં વાત જ નથી. અહીં તો શુભભાવની રુચિ છોડી શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિ કરવી, તેની રમણતા કરવી, તેમાં ઠરવારૂપ સ્થિરતા કરવી એવી નિર્મળ પરિણતિ તે ધર્મ છે. માટે પ્રથમ શુભની રુચિ છોડવાની વાત છે, શુભનો આશ્રય છોડવાની વાત છે. ત્રિકાળી શુદ્ધ નિજ ચૈતન્યવસ્તુ એક આશ્રય કરવા લાયક છે, તે તરફ ઝૂકવાથી શુભરાગનો આશ્રય છૂટી જાય છે.
અહા! જ્ઞાની-ધર્મી પુરુષને, જ્યાં સુધી પૂર્ણ વીતરાગની દશા થઈ નથી ત્યાં સુધી, અંદર શુદ્ધની દ્રષ્ટિ ને અનુભવ હોવા છતાં, શુભભાવ આવે છે, પણ તેમાં તેને હેયબુદ્ધિ છે, તેનું તેને સ્વામિત્વ નથી. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી