તું પોતે જ છો. માટે દીન થઈને બહારમાં ફાંફાં કાં મારે? અંતર્દ્રષ્ટિના બળે તારાં અંતરનાં ચૈતન્યનિધાન ખોલી દે; તારી દીનતા ટળીને પરમાનંદની પ્રાપ્તિ થશે.
અહા! કારકો અનુસાર જે ભાવ છે તદ્અનુસાર સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. તેના અનુસાર ચારિત્ર હોય છે, પંચમહાવ્રતના આશ્રયે ચારિત્ર હોય છે એમ નથી. લોકો કહે છે-આ તો નિશ્ચય, નિશ્ચયની વાત છે. હા, આ નિશ્ચય છે, પણ નિશ્ચય એટલે જ સત્ય.
વ્યવહારી લોકો માને છે કે-સામાયિક કરો, વ્રત કરો, સવાર સાંજ પ્રતિક્રમણ કરો એટલે બસ થઈ ગયો ધર્મ. અરે ભાઈ, એ બધી શી ચીજ છે તેની તને ખબર નથી. એ તો બધો વિકલ્પ-રાગ છે બાપુ! તેનું પરિણમન ષટ્કારકથી ધર્મીની પર્યાયમાં હોય છે, પણ તેનાથી રહિત પરિણમવું એવા સ્વભાવનો તેમને આશ્રય છે. ધર્મી તેનો (રાગના પરિણમનનો) સ્વામી નથી. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે તેનાથી રહિત ધર્મીનું નિર્મળ નિર્મળ પરિણમન હોય છે, અને ધર્મી તે રાગના સ્વામીપણાથી રહિત છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને દ્રવ્યના આશ્રયે થયેલું શુદ્ધ પરિણમન તે પોતાનું સ્વ, અને ધર્મી તેનો સ્વામી છે, પણ રાગનો સ્વામી ધર્મી નથી; વ્યવહારરત્નત્રયનો સ્વામી ધર્મી નથી. આ પરમ સત્ય છે ભાઈ! ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. અહાહા...! જેને દ્રવ્યનો આશ્રય વર્તે છે તેને નિર્મળ કારકો અનુસાર નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિનું પરિણમન થયું છે, તે રાગ સહિત પરિણમન જે થાય તેનો સ્વામી નથી. સમજાણું કાંઈ...?
ચાર ઘાતિકર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન થાય છે એમ તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે એ તો નિમિત્તથી કથન છે. બાકી અહીં કહે છે-ભાઈ, નિર્મળ કારકો અનુસાર થવારૂપ તારામાં નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ છે, જેથી તું પોતે જ સ્વ-આશ્રયે નિર્મળ નિર્મળ ભાવરૂપ પરિણમતો થકો કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય છે. બાહ્ય કારકોની તને શું ગરજ છે? કર્મનો અભાવ તો રજકણની દશા છે, તેમાં ચૈતન્યદ્રવ્યને શું છે? અહા! કર્મના અભાવથી નહિ, વ્યવહાર રત્નત્રયથી નહિ, ને કેવળજ્ઞાન થવા પહેલાં મોક્ષમાર્ગની દશા છે તેનાથી પણ નહિ, પણ ત્રિકાળી શુદ્ધ કારકો અનુસાર સ્વ આશ્રયે કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
અનંતગુણભંડાર પ્રભુ આત્મા છે. તેના પ્રત્યેક ગુણમાં ક્રિયાશક્તિનું રૂપ છે. તેથી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતાં દ્રવ્ય સાથે દરેક ગુણની પર્યાય સ્વતઃ સ્વયં નિર્મળ પરિણમી જાય છે. કર્મનો અભાવ થવાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નહિ, ને પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો અભાવ થયો માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ પણ નહિ. હવે આવી વાત બિચારા લોકોને કયાં સાંભળવા મળે? એમ ને એમ તેઓ જિંદગી વ્યતીત કરે છે. શું થાય? માર્ગ તો આવો સ્પષ્ટ છે ભાઈ! તેને સમજીને તારું કલ્યાણ કર.
આ પ્રમાણે અહીં ક્રિયાશક્તિનું વર્ણન પૂરું થયું.
‘પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ.’ જુઓ, આ સત્યનો પોકાર! અંદરથી સત્ ઊભું (પ્રગટ) થાય છે તેને, કહે છે, અસત્ વિકારના શરણની કોઈ જરૂર નથી. શું કીધું? વ્યવહાર રત્નત્રયની નિર્મળ પરિણતિની પ્રાપ્તિમાં કોઈ જરૂર-ગરજ નથી. કેમકે પોતામાં આત્મદ્રવ્યમાં જ કારકો અનુસાર થવારૂપ નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ હોતાં દ્રવ્યના આશ્રયે સ્વયં જ નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ છે. તેનાથી અંદર ભાવ-ચારિત્ર પ્રાપ્ત થાય છે એમ કદી ય નથી. આમ અજ્ઞાનીની દરેક વાતમાં મોટો ફેર છે.
અહીં કહે છે-‘પ્રાપ્ત કરાતો એવો સિદ્ધરૂપ ભાવ...’ -સિદ્ધરૂપ ભાવ એટલે શું? સિદ્ધરૂપ ભાવ એટલે આત્માના કર્મરૂપ એવો પ્રાપ્ત-પ્રગટ નિર્મળ ભાવ-પર્યાય. અહાહા...! આત્મા પોતે તે કર્મરૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. અહીં સિદ્ધ પર્યાયની વાત નથી, પણ સિદ્ધ એટલે નિર્મળ પર્યાયરૂપ જે ભાવ પ્રગટ થાય તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો જે ભાવ તે સિદ્ધરૂપ ભાવ છે. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય, સમ્યગ્જ્ઞાનની પર્યાય,