કહ્યું છે. એ આરોપિત ઉપચારનું કથન છે. દેવ-ગુરુ-શાસ્ત્રને સમકિતનું કારણ-સાધન કહ્યું હોય તેય ઉપચારમાત્ર નિમિત્તનું કથન જાણવું. અંદર નિજાત્માનું સાધન જેને વર્તે છે એવા ધર્મીના વ્યવહાર રત્નત્રયને ને દેવ-ગુરુ-શાસ્ત્રને સહચર વા નિમિત્ત જાણી ઉપચારથી સાધન કહેવામાં આવે છે. બાકી કરણ-સાધનગુણ વડે પોતાનો આત્મા જ પોતાના સમકિત આદિ નિર્મળ ભાવોનું વાસ્તવિક સાધન છે. નિર્મળ પરિણત નિજ શુદ્ધાત્મા જ પરમાર્થ સાધન છે, બાહ્ય નિમિત્તો ને ભેદરૂપ વ્યવહાર કોઈ સત્યાર્થ સાધન નથી, જ્યાં સાધન કહ્યાં હોય ત્યાં ઉપચારમાત્રથી કહ્યાં છે એમ સમજવું, અને મૂળ અંતરંગ સાધનના અભાવમાં તેને ઉપચાર પણ લાગુ પડતો નથી એમ યથાર્થ જાણવું. અહા! આવો વીતરાગનો મારગ, ભાખ્યો શ્રી ભગવાન!
આ સમયસાર શાસ્ત્રમાં ગાથા ૩પ૬ થી ૩૬પ ની ટીકામાં આચાર્યદેવે પ્રશ્ન મૂકયો છે કે-‘અહીં સ્વ- સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?’ તેના ઉત્તરરૂપે કહ્યું કે-‘કાંઈ સાધ્ય નથી.’ હવે અંદરના ગુણ-ગુણીરૂપ ભેદના સૂક્ષ્મ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી તો પછી વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયનો સ્થૂળ રાગ સાધન કયાંથી થાય? ભાઈ, સ્વભાવનું આલંબન જ સાધકતમ સાધન છે, આ સિવાય વ્યવહારથી કે નિમિત્તથી કાંઈ જ સાધ્ય નથી.
અહાહા...! અનંત વાર એનો જૈન કુળમાં જન્મ થયો. સાક્ષાત્ ત્રણલોકના નાથ અરિહંતદેવના સમોસરણમાં પણ અનંત વાર ગયો, ને ભગવાનની દિવ્ય વાણી પણ સાંભળી. વળી વનવાસ જઈ, દિગંબર નગ્ન મુનિ-દ્રવ્યલિંગી થઈને દુર્દ્ધર વ્રત, તપ આદર્યાં; પંચમહાવ્રત પાળ્યાં-અહાહા...! ‘વહ સાધન બાર અનંત કિયો’-અનંત વાર એણે આવાં સાધન ગ્રહ્યાં, પણ બધું જ ફોગટ ગયું. કારણ? કારણ કે આ બાહ્ય સાધન નિયમરૂપ સાધન નથી. સાધનશક્તિમય નિજ ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમકિત આદિ સાધ્યનું સાધન છે. માટે તે એકની જ દ્રષ્ટિ કર, તે એકનું જ આલંબન કર. તારું સાધ્ય અને સાધન તારામાં જ-એક શુદ્ધાત્મામાં જ સમાય છે. સમજાણું કાંઈ...!
જિંદગી એળે જાય છે ભાઈ! અરે! એને સાચી વાત કદી સાંભળવા મળી નથી. અહીં કહે છે-ભવના અભાવના કારણરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયો તેનું કારણ શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયભૂત સાધનશક્તિ છે. ધર્મીને વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે છે અવશ્ય, પણ તે સાધન નથી. વાસ્તવમાં એ તો હેય તત્ત્વ છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. ઉપાદેય તત્ત્વ નિજ શુદ્ધાત્મા છે. અહાહા...! સાધન ગુણનો ધરનારો ગુણી, પંચમ પારિણામિકભાવ-એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ ભાવ છે, અહાહા...! એવો નિત્યાનંદનો નાથ પ્રભુ નિજ શુદ્ધાત્મા છે; તેનો આશ્રય કરવાથી, તેની સાધનશક્તિ પરિણમતાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ભાવોનું ભવન થાય છે. પ્રભુ! તારા ધર્મનું જે વીતરાગી કાર્ય તેનું સાધન વ્યવહારનો રાગ નથી, કેમકે તેને તે પહોંચતો નથી; વીતરાગી કાર્યને રાગ પહોંચતો નથી, સ્પર્શતો નથી, અનંતગુણમહિમાવાન શુદ્ધ આત્મદ્રવ્ય જ તારા સિદ્ધરૂપ ભાવોનું સાધન છે; કેમકે તે ભાવોમાં આત્મા તન્મય છે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વરે આત્માને કેવો દેખ્યો? કહે છે-
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ.
અહાહા...! સર્વ જગતને દેખનાર પ્રભુ! આપ જ્ઞાયક છો. આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ, પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. પરવસ્તુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મને ભગવાન! આપે અજીવપણે દેખ્યાં છે; હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિને આપે પાપરૂપે દેખ્યાં છે; ને દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ ભાવને આપે પુણ્ય તરીકે દેખ્યાં છે. નિજ હોવાપણું તો પ્રભુ, આપ શુદ્ધ દેખો છો. લ્યો, વ્રત, તપ આદિ પુણ્યભાવોને આત્માના હોવાપણે ભગવાન દેખતા નથી, પછી તે સાધન છે એ વાત કયાં રહી?
અરે, આખી જિંદગી પૈસા આદિ ધૂળમાં સુખ માનીને વીતાવે છે. પરમાત્મા કહે છે-જે કોઈ પર ચીજને માગે-વાંછે છે તે મોટો ભિખારી છે. પોતાની ચીજ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંતશક્તિ સંપન્ન અંદર વિરાજે છે તેની સમીપ જઈ સુખ મેળવતો નથી, ને બહારની ચીજમાં-દેહમાં, ધનમાં, સ્ત્રી આદિમાં-સુખ માટે ઝાવાં નાખે છે તો મહા દરિદ્રી-ભિખારી છે.
પણ એ અબજોપતિ છે ને? અબજોપતિ હોય તોય એ ધૂળનો ધણી ધૂળપતિ છે, ને તીવ્ર તૃષ્ણાથી માગ માગ કરનારો મોટો માગણ- ભિખારી છે; વળી તે મૂર્ખ પણ છે, કેમકે ભાઈ, એ ધૂળમાં જરીયે સુખ નથી, બલકે એની તૃષ્ણામાં આકુળતાનો ભંડાર છે, દુઃખનો