સ્યાદ્વાદન્યાયને નહિ ઓળંગતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જિનદેવનો માર્ગ-શુદ્ધ રત્નત્રયનો માર્ગ સ્યાદ્વાદ ન્યાયથી સિદ્ધ છે અને તેથી તે સ્યાદ્વાદન્યાયરૂપ છે. અહા! આવા જિનદેવના માર્ગને- મોક્ષમાર્ગને નહિ ઓળંગતા થકા સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ પરમ અમૃતમય એવા મોક્ષપદને પામે છે. જુઓ આ અનેકાન્ત-દ્રષ્ટિનું ફળ! જિનમાર્ગ ને પરમ મોક્ષપદની પ્રાપ્તિ એ અનેકાન્ત-દ્રષ્ટિનું ફળ છે.
બંધ અધિકારમાં આવે છે કે જ્ઞાનસ્વરૂપી આત્મા રાગને-વ્યવહારને-બંધભાવને કરે તે એના સ્વરૂપમાં નથી, નિશ્ચયને રચે (સ્વસ્વભાવભાવે પરિણમે) અને વ્યવહારને-રાગને ન રચે-એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે, અને તે સ્યાદ્વાદન્યાયથી સિદ્ધ છે. સમજાય છે કાંઈ...?
પરિશિષ્ટની શરુઆતમાં બે વાત કરી હતીઃ (૧) સ્યાદ્વાદ (અર્થાત્ વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ) કહીશું, ને (૨) ઉપાય-ઉપેય કહીશું. સ્યાદ્વાદમાં શક્તિઓનું વર્ણન કર્યું. હવે ઉપાય-ઉપેય-માર્ગ ને માર્ગનું ફળ એ વિશે થોડું કહેશે.
(આ રીતે સ્યાદ્વાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહે છે.) ‘હવે આનો (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો) ઉપાય-ઉપેયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બન્ને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે)ઃ
આમ વસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચય-સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય- ઉપેયભાવ સાધે છે.
(ભાવાર્થઃ– આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપ-અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપેયપણું સાધે છે.)
આ રીતે બન્નેમાં (-ઉપાયમાં તેમ જ ઉપેયમાં-) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી; માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું-) નિષ્કંપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની) મૂર્તિઓ છે તેઓ-સાધકભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.