જેમ નાળિયેરનો ગોળો, ઉપરનાં છાલાં, અંદરની કાચલી અને ગોળા ઉપરની રાતડથી ભિન્ન છે, તેમ ભગવાન આત્મા છાલાં સમાન શરીર, કર્મના રજકણરૂપ કાચલી, અને પુણ્ય-પાપના ભાવરૂપ રાતડથી ભિન્ન છે, અને પોતાની અનંત શક્તિઓથી અભિન્ન છે. અહાહા...! આવી પોતાની ચીજ છે તેની સન્મુખ થઈ અંતર-એકાગ્ર થવાથી સાધકદશારૂપ નિર્મળ રત્નત્રયની દશા પ્રગટ થાય છે તે ઉપાય છે. અહાહા...! આનંદકંદ પ્રભુ પોતે છે એના સન્મુખની દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા તે સાધકદશાનું પરિણમન છે, અને તે ઉપાય છે, અને આત્માની પૂર્ણ નિર્મળ દશાની પ્રાપ્તિ થવી તે મોક્ષદશા-ઉપેય છે. આ મોક્ષમાર્ગની દશા અને મોક્ષદશા-બન્ને રૂપે આત્મા જ પોતે પરિણમે છે, રાગ કે નિમિત્તને લઈને તે દશા થાય છે એમ છે નહિ.
અરે, લોકોને આનો અભ્યાસ નહિ ને આખો દિ’ બાયડી-છોકરાંનું કરવામાં ને પૈસા રળવામાં ગુંચાઈ રહે, પણ ભાઈ, કોની બાયડી, ને કોનાં છોકરાં? તત્સંબંધી રાગેય તારી ચીજ નથી પછી બાયડી-છોકરાં તારાં કયાંથી આવ્યાં? એ બધી તો અત્યંત ભિન્ન ચીજ બાપુ! એમાં તું સલવાઈ પડયો છો તે તારું મહાન અહિત છે. અહીં કહે છે-પ્રભુ! સાંભળ. તારું હિત કરનારોય તું, હિતનો ઉપાયે તું અને હિતરૂપ પૂર્ણ દશાય તું છો. અહાહા...! અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ ભગવાન પ્રભુ તું છો, પછી તારે બીજી ચીજથી શું પ્રયોજન છે? માટે ત્યાંથી ખસી એક વાર અંતર્મુખ થા, તને જ્ઞાન ને આનંદની અપૂર્વ દશા પ્રગટ થશે. આ ઉપાય છે, અને તે પ્રથમ ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. આ સિવાય બધું થોથાં છે.
અહાહા...! ભગવાન આત્મામાં એક અભાવ ગુણ છે. રાગના-વિભાવના અભાવ સ્વભાવે નિર્મળ પરિણમે એવો ભગવાન! તારો આ અભાવ સ્વભાવ છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્યનો આશ્રય કરે તેને શક્તિનું પરિણમન પ્રગટ થાય છે. આ ઉપાય છે. આમાં પરની અપેક્ષા-ગરજ રાખવી પડે એવો આત્મા પાંગળો નથી. માટે હે ભાઈ! પરની અપેક્ષા છોડી સ્વસન્મુખ થા, સ્વ-આશ્રય કર. સ્વ-આશ્રયે જ સાધકદશા, ને સ્વ-આશ્રયે જ સિદ્ધદશા પ્રગટ થાય છે.
જેમ તાવ દેતાં સોનાની ૧૨, ૧૩, ૧૪ વલા શુદ્ધતા થાય તે અપૂર્ણ શુદ્ધ દશા છે, અને પરમ પ્રકર્ષરૂપ ૧૬વલા થાય તે તેની પૂર્ણ શુદ્ધ દશા છે, તેમ સ્વ-આશ્રયે પરિણત આત્મા અલ્પ-અપૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધક દશા છે, પૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધ્ય દશા છે. સાધ્યદશા છે તે પરમ મોક્ષદશા, સિદ્ધદશા છે; ને સાધકદશા તે મોક્ષમાર્ગ છે. તેને સંવર-નિર્જરા કહો, સાધકભાવ કહો, કે ઉપાય કહો-બધું એક જ છે. સાધક-સાધ્યદશા બન્ને સ્વ-આશ્રયમાં જ સમાય છે. સ્વ-આશ્રય સિવાય બાકી બધું થોથાં જ છે. સમજાણું કાંઈ...?
અરેરે! સંસારમાં ભમતાં-ભમતાં અનંતકાળમાં એ અનંત વાર નગ્ન દિગંબર સાધુ થયો, નગ્ન રહ્યો, જંગલમાં વાસ કર્યો, મૌન રહ્યો ને વ્રત-સમિતિ પાળ્યાં, પણ સ્વ-આશ્રય કર્યો નહિ તો એમાં એણે શું કર્યું? સ્વ-આશ્રયે આત્મજ્ઞાન કર્યા વિના બધું જ થોથાં છે બાપુ! એટલે તો કહ્યું છે કે-
અહા! રાગના વિકલ્પથી છૂટી પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવી આત્મા છે તેમાં લીનતા કરવી તે સાધુદશા છે, ને તે જ ઉપાય છે. આ સિવાય તો બધું લોકરંજન છે, માર્ગ નથી.
શ્રીમદ્ના એક પત્રમાં આવે છે કે-જગતને રૂડું દેખાડવા અને જગતથી રાજી થવાનો એણે પ્રયત્ન કર્યો છે, પરંતુ પોતાનું રૂડું કેમ થાય એ પ્રયત્ન એણે કદીય કર્યો નથી. લોકો સારો કહે ને પ્રશંસા કરે તો હું મોટો, ને તો હું સમાજમાં કંઈક અધિક. પણ બાપુ! એમાં શું છે? એ તો બધું ધૂળ છે. અહા! બીજાથી મારામાં અધિકતા-વિશેષતા છે એ માન્યતા જ મૂઢપણું છે. લોકો અભિનંદનનું પૂંછડું આપે તોય એમાં શું છે? એમાં મગ્ન થવું-ફૂલાઈ જવું એ તો સાચે જ પૂંછડું નામ ઢોરની દશા છે.
અહીં તો પોતે જ પ્રભુ છે. તે પોતે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી પોતાને અભિનંદન કરે તે અભિનંદન છે. દુનિયા જાણે ન જાણે, પોતે પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપને અનુભવે તે અભિનંદન. કોઈ ન જાણે તેથી શું? આજ સુધી અનંતા સિદ્ધ થયા; અત્યારે તેમનાં નામ સુદ્ધાં કોઈ ન જાણે તેથી શું? નિજાનંદરસલીન તેઓ તો સદાય પોતાથી અભિનંદિત છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ