Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4192 of 4199

 

કળશ-૨૭૭ઃ ૨૭૩

ત્યાં અજ્ઞાનસમૂહનો નાશ થઈને તે વિજ્ઞાનઘનસ્વભાવમાં મલી ગયું. મિથ્યાજ્ઞાનનો વ્યય થઈને સમ્યગ્જ્ઞાનનું પરિણમન થઈ ગયું. રાગની ક્રિયા ને તેનું ફળ હવે રહ્યું નહિ. સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી હોય, બહાર અનેક વૈભવમાં ઊભો હોય તોય અંદર જ્ઞાનમાં એ બધું (પોતાનું) કાંઈ જ નથી. જ્યાં લગી પુરુષાર્થ ઓછો છે ત્યાંસુધી અવિરતિ-ભાવ છે, પણ તે અવિરતિ-ભાવ જ્ઞાનભાવને અડતો જ નથી. જ્ઞાનીનો તો જ્ઞાતાદ્રષ્ટા ભાવ જ છે, ને અનંતકાળ જ્ઞાતાદ્રષ્ટા- ભાવ જ રહેશે; કેવળજ્ઞાન થતાં જ્ઞાતાદ્રષ્ટા જ રહેશે. સમજાણું કાંઈ...?

* કળશ ૨૭૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું. અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું,...’

જુઓ, પુણ્ય-પાપના વિકલ્પ એ સંયોગી ચીજ છે. વિભાવ છે ને! એ પોતાના સ્વભાવની ચીજ નથી. આ વિભાવના સંગના ભાવથી, કહે છે, અનાદિકાળથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું; અજ્ઞાન કોઈ જુદી વસ્તુ નહોતી. અહાહા...! જેમ સુતરની દોરીમાં ગાંઠ પડે છે એ કાંઇ સુતરથી ભિન્ન ચીજ નથી, તેમ અજ્ઞાન કાંઈ જુદી ચીજ નથી, એય જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું જ અજ્ઞાનમય પરિણમન છે. અહા! જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે રાગના એકત્વથી બંધાયેલી તે અજ્ઞાનમય પરિણમનરૂપ આત્માની ગાંઠ છે, આમ તે આત્માથી જુદી ચીજ નથી.

ભગવાન આત્માએ રાગનો સંગ કર્યો તેથી તેના જ્ઞાનની આવી અજ્ઞાનમય દશા થઈ છે. આવે છે ને કે-

‘અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.’

અગ્નિએ લોહ-લોઢાનો સંગ કર્યો તો એના પર ઘણના ઘા પડે છે; તેમ અસંગ ચૈતન્યજ્યોત પ્રભુ આત્માએ રાગનો સંગ કર્યો તો એના જ્ઞાનનું અજ્ઞાનમય પરિણમન થયું છે. અજ્ઞાનરૂપ અવસ્થા (પર્યાય અપેક્ષા) આત્માથી કોઈ ભિન્ન ચીજ નથી. અજ્ઞાન કહો કે સંસાર કહો, એ આત્માની પર્યાયથી ભિન્ન ચીજ નથી. આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર કે કર્મ એ જીવનો સંસાર નથી, સંસરણ (રાગના સંગમાં રહેવું) તે સંસાર છે, અને જીવે તે સંસાર પોતાના અજ્ઞાનરૂપ અપરાધથી ઊભો કર્યો છે. કેટલાક કહે છે તેમ સ્ત્રી-કુટુંબ આદિ છોડી દીધાં તો સંસાર છૂટી ગયો એમ નહિ, અજ્ઞાનભાવ-રાગના સંગનો ભાવ-છોડવાથી સંસાર છૂટે છે, અર્થાત્ જ્ઞાનભાવથી જ સંસાર છૂટે છે. સમજાણું કાંઈ...? અહો! દિગંબર સંતોએ તો ન્યાલ કરી દીધા છે. જેને જેને આ વાત અંતરમાં બેઠી તે ન્યાલ થઈ ગયા છે.

અહા! અનાદિથી પોતાના અજ્ઞાનભાવથી જીવ ચોરાસીના અવતારમાં રખડે છે, કર્મને કારણે રખડે છે એમ નથી. ભૂલ પોતે કરે, ને નાખે કર્મ માથે તે કાંઈ ભૂલ મટાડવાની રીત નથી. વાસ્તવમાં આત્મા પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે વિકાર કરે છે, એમાં કર્મની અપેક્ષા નથી. જો કર્મના કારણે વિકાર થાય તો આત્માનું સ્વાધીનપણું રહે નહિ; કર્મ ટળે તો વિકાર ટળે, પણ સંસારીને કર્મ કયારે ન હોય? વાસ્તવમાં દ્રવ્યદ્રષ્ટિ વિના, અજ્ઞાનથી આત્મા સ્વયમેવ વિકારના ષટ્કારકરૂપે પરિણમે છે, એમાં કર્મની કોઈ અપેક્ષા નથી. ભાઈ, પહેલાં સાચો નિર્ણય તો કર કે ભૂલ પોતાથી થઈ છે, કર્મથી નહિ. સાચી સમજણ કરે તો ભૂલ ટાળવાનો અવકાશ છે. બાકી કર્મ વિકાર કરાવે તો કર્મ છોડે ત્યારે છૂટકારો થાય, પોતાને આધીન તો કાંઈ રહ્યું નહિ, પણ એવી વસ્તુ નથી.

અહીં કહે છે-તે (અજ્ઞાન) જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. અહાહા...! હું જાણગસ્વભાવી વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહિ. ભલે પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પણ સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી, જ્ઞાન-જ્ઞાન- સમ્યગ્જ્ઞાન થયું. સમજાણું કાંઈ...? મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન-બન્ને સાથે રહી શકતાં નથી, તેથી અંતર્દ્રષ્ટિ થતાં સમ્યગ્જ્ઞાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. આવી વાત છે.

અહાહા...! ભગવાન આત્મા પોતાની ચીજની જ્યાં અંદરમાં સંભાળ લેવા ગયો ત્યાં એને અજ્ઞાન ટળી ગયું, ને સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનેત્ર જે બંધ હતાં તે ખુલી ગયાં, કબાટ જે બંધ હતાં તે ખુલી ગયાં.

અહા! જિજ્ઞાસુ કે જેને આ વાત ધારણામાં છે, પણ અંતર્દ્રષ્ટિ થઈ નથી તેને હજુ કબાટ બંધ છે. જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ કે તરત જ અજ્ઞાનનો નાશ થઈ કબાટ ખુલી જાય છે, અને ત્યારે હું શાંતરસનો-ચૈતન્યરસનો- આનંદરસનો પિંડ છું એવો અનુભવ થાય છે.