Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 454 of 4199

 

ગાથા ૩પ ] [ ૧૭૩ વસ્ત્ર માગ્યું. પૂછપરછ કરતાં ખબર પડી કે હમણાં જ કોઈ ભાઈ એ વસ્ત્ર ભૂલથી લઈ ગયા છે. ત્યારે તે બીજો પુરુષ સીધો જ પેલા પુરુષના ઘેર જઈ, તેને તે વસ્ત્ર ઓઢીને સૂતેલો જોઈ તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને ઉઘાડો કરે છે, કહે છે કે-‘ભાઈ! તું શીઘ્ર જાગ, સાવધાન થા. આ વસ્ત્રનું ચિહ્ન જો. આ વસ્ત્ર મારું છે તે ભૂલથી બદલાઈને તારી પાસે આવ્યું છે. તો એ મારું વસ્ત્ર મને આપી દે.’ આમ એક-બે વાર નહિ પણ વારંવાર કહેલા તે વાકયને સાંભળતો તે પુરુષ સાવધાન થઈને વસ્ત્રનાં સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘આ વસ્ત્ર મારું નથી, મારા વસ્ત્રના છેડે તો મેં મારું નામ સીવી રાખ્યું છે તે અહીં નથી તેથી જરૂર આ વસ્ત્ર પારકું જ છે’-એમ જાણીને જ્ઞાની થયો થકો એટલે સંસારનો ડાહ્યો થયો થકો તે વસ્ત્રને જલદી ત્યાગે છે, છોડી દે છે. ભલે વસ્ત્ર હજુ દૂર થયું ન હોય, પણ જ્યાં પર તરીકે જાણ્યું ત્યાં તરત જ પોતાપણાની બુદ્ધિ છૂટી જાય છે, અને જે ભ્રમ હતો કે આ વસ્ત્ર મારું છે એમ ભ્રમ ભાંગી જાય છે.

તેવી રીતે-આ જ્ઞાતા ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાનથી ભરેલો દરિયો છે. એ અનંત જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ભગવાન જ્ઞાતા છે. તે જાણનાર- જાણનાર-જાણનાર છે. છતાં તે જેને જાણે છે તે પરચીજોને-આ સ્ત્રી, કુટુંબ વગેરે તો ઠીક પણ અંદરમાં કર્મના સંગે-વશે થતા પુણ્ય-પાપના વિકારી ભાવો જે પરદ્રવ્યના ભાવો છે તેને, બીજાના વસ્ત્રની જેમ, પોતાના માની ગ્રહણ કરે છે. પોતે તો જાણનાર સ્વરૂપે છે, છતાં પણ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના માને છે. જ્ઞાન અને આનંદ જે સ્વદ્રવ્યનો ભાવ છે તેને કદીય જોયો નથી તેથી દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી પરિણામ મારા પોતાના છે એમ માને છે.

જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશના નૂરના તેજનું પૂર છે. તેના અંતરમાં જ્ઞાન અને આનંદ ભરેલા છે. આવો જ્ઞાતા ભગવાન પોતાને ભૂલી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના માની અનાદિથી જન્મ-મરણની ઘટમાળમાં ફર્યા કરે છે. અનાદિથી અજ્ઞાની સ્વદ્રવ્યના સ્વરૂપને છોડી દઈ પુણ્ય-પાપના વિકલ્પો જે પરદ્રવ્યના ભાવો છે તેમને ભ્રમથી પોતાના માની ગ્રહણ કરે છે. પોતાનો સ્વભાવ તો જાણવું-દેખવું છે. પણ સ્વભાવનું ભાન નહિ હોવાથી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના જાણી ગ્રહણ કરે છે. જુઓ, અહીં ‘ભ્રમથી’ કહ્યું છે, ‘કર્મથી’ કહ્યું નથી. અહાહા! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન બ્રહ્મને ભ્રમ થયો છે તેથી પોતાને છોડીને પરદ્રવ્યના ભાવો-દયા, દાન, ભક્તિ આદિ પુણ્યભાવો અને હિંસા, જૂઠ, ચોરી, આદિ પાપભાવોને ગ્રહણ કરે છે અને પોતાના માની અજ્ઞાની થઈ રહ્યો છે. બિચારો શું કરે? તેને ઉપદેશ પણ એવો જ સાંભળવા મળે છે કે- પુણ્ય કરો, પુણ્ય કરવાથી ધર્મ થાય છે. પરંતુ આ યથાર્થ ઉપદેશ નથી.

ભાઈ! પુણ્યભાવ જે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા, જાત્રા, વગેરેના ભાવ છે