૨૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ રહેલું છે. જેવી રીતે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વગુણનું રૂપ છે. જુઓ, જ્ઞાન છે એ પણે પોતાથી છે. જ્ઞાન છે એમ કહેતાં જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જ્ઞાનગુણ અને અસ્તિત્વ ગુણ ભિન્ન છે, પણ જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એવી રીતે એક એક ગુણમાં અનંતગુણનું રૂપ છે. આવો ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-જેનું સદાય સિદ્ધ સમાન પદ છે એવા પોતાના સચ્ચિદાનંદ પરમેશ્વરને ભૂલી ગયો હતો તે જ્યાં આત્માનું ભાન થયું ત્યાં વિકાર અને પરને ભુલી ગયો. પહેલાં આત્મા ભૂલી ગયો હતો, હવે આત્મામાં નજર કરતાં જે પુણ્ય-પાપને અને પરને પોતાના માન્યા હતા તેને ભૂલી ગયો. હવે તેણે જાણી લીધું કે પોતાની શાંતિ અને આનંદનો લાભ રાગ અને પરમાંથી નહિ પણ પોતાના પરમેશ્વર આત્મામાંથી મળે છે.
‘પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો’-અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત રેડયાં છે. તેઓશ્રી એક હજાર વર્ષ પહેલાં ભરતક્ષેત્રમાં બિરાજમાન હતા. તેઓ ટીકામાં કહે છે કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો તેને જાણીને તેનું શ્રદ્ધાન કર્યું. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વને-પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માને જ્ઞેય બનાવીને એને જાણ્યો. અહાહા! પોતાના પરમેશ્વરને સ્વસંવેદનમાં જાણીને એમ શ્રદ્ધાન કર્યું કે હું એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા પૂર્ણાનંદનો નાથ છું. જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે? તેથી જાણીને, શ્રદ્ધાન કરીને તેનું આચરણ કર્યું અર્થાત્ તેમાં રમણતા કરી.
ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે. તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તેમાં રમણતા કરવી તે તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઈ ચારિત્ર પ્રાપ્ત થઈ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી ઠરવું એનું નામ ચારિત્ર છે અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણું સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણકાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભલે પંચમહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાદ્રષ્ટિ છે. પંચમહાવ્રતનો વિકલ્પ એ તો રાગ છે. રાગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય? આત્માના આનંદમાં રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે.
ભગવાન આત્મામાં રમે તેને આત્મારામ કહીએ. પહેલાં રાગ મારો અને પરજ્ઞેય મારા એમ પરભાવોમાં અનેકરૂપ થઈ રમતો હતો તે હવે પોતાના પરમેશ્વર આત્માને