સમયસાર ગાથા-૪૪ ] [ ૨૩ રૂપ નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તે આત્માનો સદ્વ્યવહાર છે. જે વિકલ્પ છે એ તો અસદ્ભૂત છે. એ આત્માનો વ્યવહાર કયાં છે? રાગાદિ વિકલ્પ તો મનુષ્યનો, ચારગતિમાં રખડવાનો, વ્યવહાર છે. આત્મા પરિપૂર્ણ આનંદસ્વરૂપ ચૈતન્યઘનસ્વભાવી ભગવાન છે. તેના આશ્રયે જે નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. આવો માર્ગ જેને અંતરમાં બેસે તેની દશા કોઈ અલૌકિક હોય છે.
અહીં કહે છે કે શુભભાવથી આત્માને લાભ થાય, ધર્મ થાય એમ શુભભાવને જીવ કહેનારા પરમાર્થવાદી નથી, કારણ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે.
તેમાં ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જે અર્હત્-પ્રવચન છે-તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે તે જીવ નથી એવું જે સર્વજ્ઞનું વચન છે તે આગમ છે.
કોઈ એમ માને કે-બીજા જીવની રક્ષા કરવા માટે કે બીજા જીવને ન હણવા માટે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી છે તો તે બરાબર નથી. ભગવાને તો આત્માની પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્યધ્વનિમાં તો એમ આવ્યું છે કે પર જીવને તું હણી શક્તો જ નથી કે પર જીવની તું રક્ષા પણ કરી શક્તો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે એ રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનાર પરિણામ છે. પર જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ કદીય લાભ ન કરે.
હવે આ નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-
સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી, કારણ કે, કાલિમા (કાળપ)થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે.