૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર આ શાસ્ત્રો રચાયાં છે, તે શાસ્ત્રોમાંનું આ ‘સમયસાર’ એક શાસ્ત્ર છે. આચાર્યદેવે ભવ્યજીવોને આ ‘સમયસાર’ રૂપ ભેટણું આપ્યું છે. ભગવાનને ભેટવું હોય તો આ ‘સમયસાર’ને સમજ. અહો! દિગંબર સંતોએ તો જગતને હથેળીમાં આત્મા બતાવ્યો છે. જેની યોગ્યતા હશે તે પ્રાપ્ત કરશે.
ચોથો બોલઃ– ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે; જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્ય ત્રિકાળ છે. તેથી ક્ષણિક વ્યક્તિમાત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે. તાત્પર્ય એમ છે કે પર્યાય એક સમયમાત્ર સત્ હોવાથી તે દ્રષ્ટિ કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય નથી. માટે અનંતકાળમાં જેનું લક્ષ કર્યું નથી એવા એક શુદ્ધ ત્રિકાળી અવ્યક્ત આત્મસ્વભાવનું લક્ષ કર. (અનાદિના) અલક્ષ્યને લક્ષમાં લે.
ભાઈ! ઇન્દ્રિયો મોળી ન પડે અને રોગ ઘેરો ન ઘાલે તે પહેલાં ચિન્માત્ર શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી લેવા જેવી છે. આ તો જેનો પુરુષાર્થ નબળો છે તેને આવી શિખામણ આપી છે. અન્યથા સાતમા નરકની અસહ્ય પીડા ભોગવતો નારકી પણ ઉગ્ર પુરુષાર્થ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વૃદ્ધાવસ્થા આદિ ગમે તેવા પ્રસંગમાં પણ આત્મા પોતાનો પુરુષાર્થ ઉપાડી શકે છે, કારણ કે પરદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાયને ભગવાન આત્મા અડતો પણ નથી. શરીરની ગમે તેવી વેદના હોય તે વેદનાને આત્મા સ્પર્શતો નથી. તેથી તો કહે છે કે ક્ષણિક વ્યક્તિને (પર્યાયને) તું અવ્યક્ત (આત્મા) તરફ લઈ જા; તને આત્મા મળશે, આત્માનો ભેટો થશે અને આનંદ આવશે, સુખ થશે.
પાંચમો બોલઃ– વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બન્ને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો, સ્પર્શતો નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના ૨૦માં બોલમાં એમ લીધું છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. (ત્યાં વિવક્ષા જુદી છે). એ વાત અહીં નથી બતાવવી. અહીં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી એમ બતાવવું છે.
વ્યક્ત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય અને અવ્યક્ત એટલે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એ બન્નેનું ભેગું મિશ્રપણે એકસાથે પર્યાયમાં જ્ઞાન થાય છે પણ જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી એમ કહે છે. અહાહા! આ વ્યક્ત પર્યાયમાં અવ્યક્તનાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં છતાં તે અવ્યક્ત, અવ્યક્તનાં જેમાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં તે પર્યાયને સ્પર્શતો નથી. અવ્યક્ત વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી. એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે, આવો ઝીણો માર્ગ! (ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજવો જોઈએ).