૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ થયા પહેલાં અજ્ઞાનભાવે જીવ રાગનો ર્ક્તા છે તોપણ જ્યારે ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તે રાગાદિ આત્માની ચીજમાં નથી. આવી વાત આકરી પડે પણ તેથી તે કાંઈ બીજી રીતે પલટાવી નખાય? અંદર ઝળહળજ્યોતિરૂપ ચૈતન્યભગવાન છે તેને જાણવાનો અભ્યાસ કરવો જોઈએ.
બાપુ! અંદર જે આ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે એ જ આત્મા છે, હોં. આ જાણનાર-જાણનાર જે જ્ઞાયકમાત્ર વસ્તુ છે એ આત્મા છે. ભાઈ! એ શરીરાદિવાળો નથી, હોં. આ શરીરાદિ છે એ તો ધૂળ-માટી-પુદ્ગલ છે. અરે, આ શુભાશુભ રાગ અને ગુણસ્થાન આદિ ભેદ પણ રૂપી પુદ્ગલમય છે એમ કહે છે. અહાહા! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે કહેલી આ વાત અહીં સંતો પ્રસિદ્ધ કરે છે. કહે છે કે-આત્મા પ્રસિદ્ધ કયારે થાય? કે જ્યારે એ રૂપી, અચેતન એવા રંગ-રાગ-ભેદના ભાવોથી ભિન્ન પડીને અભેદની દ્રષ્ટિ કરે ત્યારે આત્મા પ્રસિદ્ધ થાય. નહીંતર તો રંગ-રાગ-ભેદની એટલે રૂપી પુદ્ગલની પ્રસિદ્ધિ છે, કેમકે તેઓ રૂપી છે. ટીકામાં કહે છે કે-રૂપીત્વથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય છે માટે રંગ-રાગ-ભેદના ભાવો પુદ્ગલદ્રવ્ય જ છે.
પ્રશ્નઃ– શું આ એકાંત નથી?
ઉત્તરઃ– હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે. આવું સમ્યક્ એકાંત હોય ત્યારે પર્યાયમાં રાગ અને અલ્પજ્ઞતા છે એનું પણ યથાર્થ જ્ઞાન હોય છે. અને એનું નામ અનેકાન્ત છે. ભાઈ! વીતરાગનો માર્ગ ઝીણો લાગે તોપણ વસ્તુ તો એમ જ છે.
શુદ્ધ ચૈતન્યપ્રકાશસ્વરૂપ વસ્તુમાં રાગ અને ભેદને કયાં અવકાશ છે? રૂપી વર્ણની તો શું વાત કરવી, રાગ અને ભેદના ભાવો પણ પરમાં-પુદ્ગલમાં જાય છે. આ રંગ-રાગ-ભેદના ભાવો પુદ્ગલના છે, મારા ચૈતન્યસ્વભાવમાં નથી એમ જ્યાં નિજ જ્ઞાયકભાવની દ્રષ્ટિ થઈ ત્યાં ભવનો અંત આવી ગયો, જન્મ-મરણના ચોરાસીના ફેરા મટી ગયા. વર્ણાદિને જ્યાં સુધી પોતાના માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું અને ત્યાં સુધી અનંત અનંત ભવમાં રખડવાની એનામાં શક્તિ હતી. પણ જ્યાં અચેતન પુદ્ગલમય એવા રંગ-રાગ અને ભેદના ભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અભેદ એક આત્માની દ્રષ્ટિ થાય ત્યાં સંસારનો અભાવ થઈ જાય છે. આવી અમૂલ્ય ચીજ સમ્યગ્દર્શન છે. અહાહા! અંદર વસ્તુના સ્વરૂપમાં રંગ-રાગ-ભેદનો ત્યાગ અને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ છે એની જેને ખબર નથી અને બહારથી ત્યાગ કરીને, ક્રિયાકાંડ કરીને કોઈ પોતાને ત્યાગી માને પણ એ બધું સરવાળે શૂન્ય છે, એની કાંઈ કિંમત નથી.
પ્રશ્નઃ– એ પુરુષાર્થ તો કરે છે?
ઉત્તરઃ– ભાઈ, અંતર અભેદસ્વરૂપમાં રહેવું એ જ પુરુષાર્થ છે. અભેદ વસ્તુ જે દ્રષ્ટિમાં આવી છે તેમાં જ વિશેષ લીન થવું એ ચારિત્ર છે. પણ સમ્યગ્દર્શન અને એનો