સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૮૭ કરાવવા, રાગ પોતાથી (રાગથી) થયો છે એવું નિશ્ચયનું જ્ઞાન રાખીને, રાગ નિમિત્તથી થયો છે એવું નિમિત્તનું જ્ઞાન ભેળવવામાં આવે છે. નિશ્ચયને ઉડાવીને નિમિત્તનું જ્ઞાન ભેળવ્યું છે એમ નથી. તથા અહીં તો એ બન્નેને (પ્રમાણ તથા વ્યવહારને) ઉડાડયા છે. ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે, એ ચૈતન્યસૂર્યનો ઝબકારો ચૈતન્યમય જ હોય. એમાં શું રાગનો અંધકાર હોય? એ રાગનો અંધકાર તો અચેતન પુદ્ગલનું જ કાર્ય છે. આવો ભગવાનનો માર્ગ છે ભાઈ! ખૂબ ધીર અને શૂરવીરનું કામ છે. કહ્યું છે ને કે-
પ્રશ્નઃ– જો એક પુદ્ગલથી જ રાગાદિ થાય છે તો નિમિત્તથી પરમાં ન થાય એ કયાં ગયું?
ઉત્તરઃ– ભાઈ! તું અપેક્ષા સમજ્યો જ નથી. નિમિત્તથી પરમાં ન થાય એ તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ અહીં તો આખી પર્યાયદ્રષ્ટિ જ ઉઠાવી લેવાની વાત છે. અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરાવવાની વાત છે.
અહો ધર્મી જીવો! વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભેદોને એક પુદ્ગલની જ રચના જાણો, પણ તે ચૈતન્યચમત્કાર ભગવાન આત્માની રચના નથી જ નથી. આત્મા રચે તો શું રચે? એ તો નિર્મળ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની રચના કરે એવો જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન છે. દ્રવ્યસ્વભાવમાં જે હોય તેની રચના કરે ને? જે ન હોય તેની રચના કેમ કરે? દ્રવ્યસ્વભાવમાં રાગાદિ નથી, માટે રાગાદિની રચના આત્મા ન કરે. તેથી રાગાદિ તો એક પુદ્ગલની જ રચના છે એમ જાણો.
નિમિત્તવાદીઓ એમ કહે છે કે કાર્ય નિમિત્તથી થાય છે. ઉપાદાનવાદીઓ એમ કહે છે કે કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તનું ત્યાં કાંઈ કામ નથી. ‘ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકો દાવ.’ નિમિત્તનો કયારેય દાવ આવતો નથી. પણ આ કળશમાં તો નિમિત્તનો દાવ આવ્યો ને! ભાઈ! કઈ અપેક્ષાએ કહ્યું છે તે યથાર્થ સમજવું જોઈએ. પર્યાયમાં તો નિમિત્તનો દાવ આવતો જ નથી. રાગની જે પર્યાય થાય છે તે તો પોતે પોતાથી જ થાય છે. નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી થાય છે એમ છે જ નહિ. પરંતુ અહીં તો વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે ને? ત્રિકાળી સ્વભાવ તો વિકાર અને ભેદની રચના કરે એવો નથી. તથા ભેદ અને રાગની ઉત્પત્તિ પુદ્ગલના સંગે (આશ્રયે) ઉત્પન્ન થાય છે. માટે રાગ અને ભેદનું કારણ પુદ્ગલદ્રવ્ય જ છે એમ જાણો-એમ કહ્યું છે. અરે! ભગવાન ત્રણલોકના નાથ પ્રભુ કેવળીના વિરહ પડયા! કેવળજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન કે અવધિજ્ઞાન રહ્યું નહિ! અને આ વાંધા-વિવાદ ઊભા થયા! જેમ લક્ષ્મી ઘટે, પિતા ગુજરી જાય એટલે પુત્રો અંદરોઅંદર તકરાર કરે, એમ તત્ત્વની વાતમાં તકરારો પડી!