કામભોગનીકથા તો સૌને સુલભ (સુખે પ્રાપ્ત) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (-ઢંકાઈ રહ્યું છે) તે - પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી (-પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થઃ– આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) -એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહી, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્વ થવું એ સુલભ નથી, કેમ કે અનંતકાળથી કર્યું નથી; માટે અસુલભછે એટલે કે દુર્લભ છે એમ હવે ગાથામાં કહે છે. અરે! માણસને ન સમજાય એ મનમાંથી કાઢી નાખવું જોઈએ, કારણકે આત્મા-એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી, સમજે એવી લાયકાતવાળો છે. માટે બુદ્ધિ થોડી, અને અમે ન સમજી શકીએ એ વાત કાઢી નાખવી આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી, પરંતુ યથાર્થ રુચિનું કામ છે.
પ્રવચન નંબર ૧૦–૧૨, તારીખ ૮–૧૨–૭પ થી ૧૦–૧૨–૭પ
સર્વ લોકને કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. જયસેન આચાર્યદેવે કામ, ભોગ અને બંધ એમ ત્રણેની કથા સાંભળવામાં આવી ગઈ છે એમ લીધું છે. કામ એટલે ઈચ્છા અને ભોગ એટલે ઈચ્છાનું ભોગવવું તે; એવા કામભોગની કથા એટલે કે એવા ભાવ સંબંધી બંધની કથા તો અનંતવાર સાંભળવામાં આવી ગઈ છે. અહા! અનંતવાર સાંભળી છે.