સમયસાર ગાથા ૭૧] [ ૨પ છે. રાગનું થવું, રાગપણે પરિણમવું તે આત્મા નહિ. આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. માટે નિર્મળ જ્ઞાન-આનંદપણે પરિણમવું તે આત્મા છે. જેવો આત્માનો સ્વભાવ છે તે-રૂપે તેના પરિણમનની દશા થાય તે આત્મા છે. જેવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તેવું (શુદ્ધ ચૈતન્યમય) પરિણમન થવું તે કર્તાનું કર્મ છે એમ અહીં વાત છે.
દયા, દાન, વ્રત આદિ શુભરાગના વિકારી પરિણામ તે મારું કર્મ અને હું તેનો કર્તા- એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો કહે છે કે જ્ઞાનસ્વભાવના લક્ષે જે નિર્મળ જ્ઞાનરૂપે પરિણમન થયું તે મારું કર્મ છે, રાગ થાય તે મારું કર્મ નહિ. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. પરંતુ લોકોએ બહારથી ક્રિયાકાંડને જ ધર્મ માન્યો છે. ઘણાને એમ થાય કે આ તો વ્યવહારનો લોપ થાય છે, પરંતુ અહીં તો સ્પષ્ટ કહે છે કે રાગભાવ એ તારા સ્વરૂપમાં નથી અને તેને તું તારું કાર્ય માને એ અજ્ઞાન છે.
જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપના વિકારી ભાવરૂપે થવું એ વિકાર છે, આત્મા નથી. શુભરાગરૂપે પરિણમવું એ સ્વભાવ પ્રત્યેના વિરોધવાળો ભાવ ક્રોધ છે. એવા ક્રોધપણે થયો તે આત્મા નથી, અનાત્મા છે. જગતની વાતોથી ઘણો ફેર છે. જગત માને કે ન માને વાત તો આ જ સત્ય છે. જગત તો અનાદિથી ઊંધે રસ્તે છે.
‘વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી.’
શું કહ્યું? જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનરૂપે પરિણમે તે વખતે વિકારપણે પણ પરિણમે એમ નથી. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વભાવ પ્રતિ ઢળીને ચૈતન્યની રુચિપૂર્વક જેને અંતર-પરિણમન થયું તેને રાગાદિ-ક્રોધાદિની રુચિ નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શક્તી નથી. ધર્મી જીવ જ્ઞાનસ્વભાવના પ્રેમપણે પરિણમે તે વખતે રાગના પ્રેમપણે પણ પરિણમે એમ બીલકુલ હોઈ શકે નહિ.
સ્વભાવપણે પરિણમન થવું તે જ્ઞાનીનું કર્મ અને રાગપણે પરિણમન થવું તે અજ્ઞાનીનું કર્મ છે. પરનું કરવું એ વાત તો છે જ નહિ. પરનું કાર્ય તો કોઈ કરી શક્તો જ નથી. આવું ધર્મનું તત્ત્વ ઘણું સૂક્ષ્મ છે. ભાઈ! જેને વિકલ્પનો દ્વંદ્વ છૂટી, સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. અહાહા....! મુનિદશામાં તો ત્રણ કષાયનો અભાવ થઈ અંદર અતીન્દ્રિય આનંદની લહેર ઊઠતી હોય છે, અને બહારમાં સહજ નગ્ન દશા હોય છે. અંદર કષાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન-એવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે, બાપુ!