Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 817 of 4199

 

સમયસાર ગાથા ૭૨ ] [ ૪પ શુભભાવ અને મંદિર કાંઈ આત્માનું કાર્ય નથી. અહાહા...! ભગવાન આત્મા નિરાકુળ આનંદનો નાથ આનંદરસકંદ પ્રભુ છે, તેની પર્યાયમાં આનંદનું કાર્ય થાય એનો એ કર્તા છે અને જે આનંદ પ્રગટયો એ તેનું કાર્ય છે. પરંતુ વ્યવહારરત્નત્રયના જે શુભ-ભાવ થાય તેનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. શુભભાવરૂપી જે દુઃખ તેનું આત્મા કારણ કેમ હોય? (ન હોય). શુભભાવરૂપ જે દુઃખ છે તે કારણ અને આનંદની પર્યાય એનું કાર્ય કેમ હોઈ શકે? (ન હોઈ શકે). અહા! કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી ભગવાન આત્મા દુઃખનું અકારણ જ છે.

દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તેમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને કરે. તથા તે શક્તિવાન અખંડ દ્રવ્યને દ્રષ્ટિમાં લેનાર (જ્ઞાની) સ્વભાવપરિણમનનો કર્તા છે, પણ વિભાવનો નહિ.

ત્યારે કોઈ વળી એમ કહે છે કે રાગ ઉત્પન્ન થાય છે એમાં બે કારણ જોઈએ-જેમ માતા-પિતા બેથી પુત્રની ઉત્પત્તિ થાય છે તેમ. હા, જયસેનાચાર્યની ટીકામાં આવું કથન આવે છે, પણ ત્યાં કયી અપેક્ષાથી કહ્યું છે તે સમજવું જોઈએ. ખરેખર રાગનો કર્તા આત્મા નથી, પણ પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહ્યો છે. ત્યાં નિશ્ચય રાખીને વાત છે, તથા પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવીને કહ્યું કે એ (નિમિત્ત) કર્તા છે. આ પ્રમાણે કાર્યના બે કારણો સિદ્ધ કર્યા છે-એક ઉપચરિત અથવા નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ઉપાદાન કારણ છે તે યથાર્થ છે અને ઉપચરિત કારણ અયથાર્થ છે. રાગનો જે વિકલ્પ ઉઠે છે તેનું નિશ્ચયથી આત્મા કારણ નથી. પણ પર્યાયમાં થાય છે તેથી તેને કારણ ગણ્યું છે. ખરેખર તો રાગનું કારણ રાગની પર્યાય પોતે જ છે. રાગ આત્માના દ્રવ્ય-ગુણનું કારણ નથી, તથા દ્રવ્ય-ગુણ રાગનું કારણ નથી.

શુભરાગનો ભાવ જ્ઞાનીને આવે, મુનિરાજને પણ આવે છે, પરંતુ તેઓ એના કર્તા થતા નથી. ભાગચંદજીની સ્તુતિમાં આવે છે કે મુનિવરોને અશુભભાવનો તો વિનાશ થઈ ગયો છે અને શુભભાવથી તેઓ ઉદાસ છે. અહો! ધન્ય તે મુનિવરો ભાવલિંગી દિગંબર સંતો જંગલવાસી વીતરાગભાવમાં ઝૂલનારા કેવલીના કેડાયતો! અહા! તેમને અશુભ-ભાવની તો ગંધેય નથી અને જે શુભોપયોગ હોય છે તેનાથી તેઓ ઉદાસ છે. અહા! શું તેમનાં વચનો! ઉપદેશ આપતા હોય ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃતનાં ઝરણાં ઝરતાં હોય! પરંતુ અહીં કહે છે કે એ વચનામૃતનું કારણ (મુનિવરનો) આત્મા નહિ. આત્મા કોઈનું કારણ નથી તેમ જ કોઈનું કાર્ય પણ નથી. અહાહા! દર્શનબુદ્ધિની કાંઈ બલિહારી છે! ચારિત્ર દોષ ભલે હોય, ઉદયવશ રાગમાં ભલે જોડાય, પરંતુ દર્શનશુદ્ધિની નિર્મળતામાં રાગનું હું કારણ નહિ અને રાગ મારું કાર્ય નહિ-એમ ધર્મી જીવ માને છે. દર્શનશુદ્ધિના બળે હું તો જાણનાર-જાણનાર- જાણનાર જ્ઞાતા-દ્રષ્ટા છું એવી દ્રષ્ટિ