Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 822 of 4199

 

પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ કર્યું છે. મંદ રાગની લાખ ક્રિયાઓ કરે, પણ એ ધર્મ નથી. રાગથી નિવર્તેલું જ્ઞાન ધર્મ છે; આવો માર્ગ છે.

રાગની મંદતાની ક્રિયા તે ક્રિયા અને પરલક્ષી આત્માનું જ્ઞાન-એમ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ કોઈ કહે છે તો તે વાત યથાર્થ નથી; અહીં તેનું ખંડન કર્યું છે. રાગથી ભિન્ન પડેલું સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાન અને જ્ઞાન-સ્વરૂપમાં ઠરવું-રમવું તે ક્રિયા. આ પ્રમાણે ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ યથાર્થ છે. કળશટીકામાં કળશ ૨૬૭માં આવે છે કે જ્ઞાન અને ક્રિયાનયને પરસ્પર તીવ્ર મૈત્રી છે. એટલે કે ‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે.’-‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે.’ આને ત્યાં પરસ્પર અત્યંત મૈત્રી કહી છે. એને જે પાત્ર થયો છે તે જીવ સમકિતી છે, (ધર્મિષ્ઠ છે) રાગની મંદતાની ક્રિયા થાય તે ધર્મ નથી, પણ રાગ-પરિણામ મટાડીને જે નિર્મળ પરિણામ પ્રગટ થાય તે ધર્મની ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે.

‘વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.’ એકલું ધારણારૂપ જાણપણું કરીને માને કે મને જ્ઞાન થઈ ગયું, પણ અંદર જ્ઞાનમાં એકાકાર ન થાય તો તે જ્ઞાન જ નથી. તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું. એકલો જ્ઞાનનો ઉઘાડ છે પણ આત્મામાં એકાગ્ર થયો જ નથી તો તે જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. ક્ષયોપશમનો અંશ છે તે વસ્તુ નથી. શ્રીમદ્જીએ પણ કહ્યું છે ને-

“કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો,
કરુણા ઉપજે જોઈ.”

એકને ક્રિયાજડ કહ્યા, બીજાને શુષ્કજ્ઞાની. બંનેનો નિષેધ કરીને કહે છે કે એની દશા જોઈને અમને કરુણા થઈ આવે છે.

રાગથી નિવર્તતું નથી અને સ્વભાવમાં પ્રવર્તતું નથી એ જ્ઞાન જ નથી. ક્ષયોપશમ જ્ઞાનને કોઈ સમ્યગ્જ્ઞાન માને એનો અહીં નિષેધ કર્યો છે.

અહીં એકાન્ત ક્રિયાનય અને એકાન્ત જ્ઞાનનય એ બન્ને મિથ્યામતનું ખંડન કર્યું છે. રાગની મંદતાની ક્રિયામાં ધર્મ માને તે ક્રિયાજડ છે. અને જાણવામાત્રથી ભેદજ્ઞાન માને તે શુષ્કજ્ઞાની છે. બીજી રીતે કહીએ તો-વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવું માને એ એકાન્ત ક્રિયાનયનું અહીં ખંડન કર્યું છે. તથા પરલક્ષી જાણપણામાત્રથી જ્ઞાન થાય એવું માને તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું છે.

અહાહા! વસ્તુ જ્ઞાન અને આનંદનું ઢીમ છે. રાગથી ભિન્ન પડી તેમાં એકત્વપણે પરિણમેલું જ્ઞાન જ્ઞાન છે અને એમાં રમણતા કરવી તે ક્રિયા છે, અને તે મોક્ષમાર્ગ છે.