૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. પ્રભુ! અંદર અનંત અનંત નિર્મળ ગુણનો ખજાનો ભર્યો છે તેની સન્મુખ ઢળતાં રાગનું સ્વામીપણું સહજ છૂટી જાય છે અને એ ધર્મ છે. ભગવાન ગણધરદેવ પણ જે રાગનું પરિણમન છે તેને જાણે પણ તેના સ્વામીપણે કદીય પરિણમે નહિ. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને વ્યવહારના વિકલ્પ આવે ખરા, પણ તે કર્તવ્ય છે એમ તેના સ્વામીપણે તે પરિણમતા નથી.
૪૭ શક્તિઓમાં એક સ્વભાવમાત્ર સ્વસ્વામિત્વમયી સંબંધશક્તિ છેલ્લી કહેલી છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય જે શુદ્ધ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવી આત્મામાં સ્વસ્વામિત્વ સંબંધશક્તિ છે. તે શક્તિનું નિર્મળ પરિણમન થતું તે ધર્મ છે.
લોકમાં તો હું પત્નીનો પતિ, ગૃહપતિ, લક્ષ્મીપતિ, ક્રોડપતિ, ઇત્યાદિ પોતાને જડના પતિ માને છે, પણ એ મૂઢતા છે. કોના પતિ તારે થવું છે, ભાઈ? ધર્મી કહે છે કે જડનો સ્વામી તો હું નહિ પણ જે રાગ થાય છે તેનો સ્વામી પણ હું નહિ. એ રાગનો સ્વામી પણ પુદ્ગલ છે. અહીં હું એક છું, શુદ્ધ છું એમ પહેલાં અસ્તિથી કહ્યું અને રાગનું સ્વામીપણું મને નથી એમ નિર્મમ છું કહીને નાસ્તિપણું બતાવ્યું.
અહીં કહ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે માટે પુદ્ગલને લઈને વિકાર થાય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુદ્ગલને લઈને વિકાર થયો છે એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પણ વિકાર થયો છે નિમિત્તના લક્ષે એ નિશ્ચિત. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુદ્ગલ એનો સ્વામી છે એમ કહ્યું છે. આમ જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ.
પુણ્યના શુભભાવ થાય એ વર્તમાન દુઃખરૂપ છે. વળી એના ફળમાં સંયોગ મળશે અને એના (સંયોગ) પર લક્ષ જતાં પણ રાગ એટલે દુઃખ જ થશે માટે ભવિષ્યમાં થવાવાળા દુઃખના પણ એ કારણરૂપ છે. આ વાત આગળ ગાથા ૭૪ માં આવશે. અરે! પુણ્યના ફળમાં અર્હંતાદિનો સંયોગ મળશે અને એ સંયોગ પર લક્ષ જતાં રાગ જ થશે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે કે-પ્રભુ! અમે તારા માટે પરદ્રવ્ય છીએ, અને પરદ્રવ્ય ઉપર લક્ષ જતાં રાગ જ થશે, ધર્મ નહિ થાય. મોક્ષપાહુડની ૧૬મી ગાથામાં કહ્યું છે કે-‘परदव्वाओ दुग्गइ’ પરદ્રવ્ય ઉપર લક્ષ જાય તે દુર્ગતિ છે, ચૈતન્યની ગતિ નહિ. ભાઈ! રાગની પરિણતિ થાય એ ચૈતન્યની પરિણતિ નહિ. અહાહા...! જેના ફળમાં કેવળજ્ઞાન અને સાદિ-અનંત અનંત સમાધિસુખ પ્રગટે તેવી દશાને પ્રાપ્ત ધર્મી જીવ એમ કહે છે કે રાગ થાય તેના સ્વામીપણે સદાય હું પરિણમતો નથી. જે સ્વરૂપમાં નથી અને સ્વરૂપના આશ્રયે થયેલી નિર્મળ સ્વપરિણતિમાંય નથી તે રાગનું મને સ્વામીપણું નથી. દ્રવ્ય- ગુણ તો ત્રિકાળ નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે.