સમયસાર ગાથા ૭૯ ] [ ૧૪૯
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. એનું ભાન જેને થયું એવા જ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધા-શાંતિના જે પરિણામ થયા તે એનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. પરંતુ સાથે વ્યવહારનો જે રાગ છે તે એનું કાર્ય અને જ્ઞાન (આત્મા) એનો કર્તા એમ નથી. તથા વ્યવહારના-રાગના પરિણામ કર્તા અને જીવની સ્વપરપ્રકાશક જાણવાની જે પર્યાય તે કાળે થઈ એ તેનું કાર્ય-એમ પણ નથી. જાણવાના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા પોતે છે. આવા જે ધર્મીના જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ તેને રાગ કર્તા થઈને ઉત્પન્ન કરી શકતો નથી. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને ભાન થયું એવા ધર્મી જીવના પરિણમનમાં જે સ્વપરને જાણવા-દેખવાના પરિણામ થયા તેનો તે પોતે કર્તા છે, પણ તે કાળે જે વ્યવહારનો રાગ છે તે રાગ એનો કર્તા છે એમ નથી. બાપુ! આ તો અધ્યાત્મની અંતરની વાત છે. તે કાંઈ વાદવિવાદથી પાર પડે એવી ચીજ નથી.
હવે કહે છે-‘પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતો નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી.’
ઉત્પન્ન કરી શકતું નથી તે નિર્વર્ત્ય, પરિણમાવી શકતું નથી તે વિકાર્ય અને ગ્રહી શકતું નથી તે પ્રાપ્ય-એટલે કે જીવના જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામ તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. અહાહા...! ભગવાન આત્મા અનંત-અનંત-અનંત જ્ઞાન, આનંદ, શાંતિ આદિ શક્તિનો સાગર પ્રભુ છે. એની દ્રષ્ટિ અને આશ્રય થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-શાંતિના પરિણામ થયા તેને આત્મા ઉત્પન્ન કરે છે, તે આત્માનું પ્રાપ્ય છે, પણ તે, તે કાળે જે રાગની મંદતા છે તેનું પ્રાપ્ય નથી. અહા! એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની આદિમાં તે વખતની રાગની મંદતા છે એમ નથી, તેની આદિમાં તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. બાપુ! આ તો પોતે સમજીને અંદર (આત્મામાં) સમાઈ જવાની વાત છે. અંદર જ્ઞાનસ્વરૂપી ચિદાનંદ ભગવાન છે ત્યાં તું જા અને તને અતીન્દ્રિય આનંદની અપૂર્વ અલૌકિક દશા થશે એમ અહીં કહે છે.
જુઓ આ જિનવરનો-જિનેશ્વરદેવનો માર્ગ! ભાઈ! એ તારો જ માર્ગ છે. તુંજ નિશ્ચયથી જિન અને જિનવર છે. જિન અને જિનવરમાં કાંઈ ફરક નથી. ‘જિન અને જિનવરમાં કિંચિત્ ફેર ન જાણ’-એમ શાસ્ત્રમાં આવે છે અહા! આવું પોતાનું માહાત્મ્ય અને મોટપ જેને પર્યાયમાં બેઠી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે. એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની ઉત્પત્તિમાં રાગની કિંચિત્ અપેક્ષા નથી એમ અહીં કહ્યું છે. નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે. અહા! જુઓ તો ખરા! ચારેય બાજુથી એક જ વાત સિદ્ધ થાય છે. ભાઈ! આ સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એ