ધર્મ એ તો આત્મ-અનુભવની ચીજ છે, ભાઈ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચે, લાખોનાં મંદિરો બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કરી શકતો નથી. હા, આત્મા આ કરી શકે કે -પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે, અને એ જ નિશ્ચયધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જૂઠ્ઠી છે. અરે! આવું સાંભળવા પણ ન મળે તે અંદર અનુભવ ક્યારે કરે? ધર્મ બહુ દુર્લભ ચીજ છે, ભાઈ! ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા તેથી એ તો સુલભ છે, પણ રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે.
હવે કહે છે- જો ક્યાંયઅક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમૂદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.
અમે તો સ્વાનુભવની વાત બતાવીએ છીએ. તેમાં કોઈ વ્યાકરણના શબ્દાદિમાં ભૂલ થઈ જાય અને તું વ્યાકરણનો નિષ્ણાત હો, અને તારા લક્ષમાં આવી જાય કે આ ભૂલ છે તો તું ત્યાં રોકાઈશ નહીં. શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાન અને પંડિતાઈ સાથે અનુભવને કાંઈ સંબંધ નથી. શાસ્ત્રની પંડિતાઈ જુદી ચીજ છે અને સ્વસંવેદનજ્ઞાન જુદી ચીજ છે. આ ભૂલ છે, ભૂલ છે એમ પંડિતાઈના ગર્વથી અટકી જઈશ તો તારું બૂરું થશે. અહીં તો ભગવાન આત્મા અનાદિકાળથી જે પુણ્ય-પાપનું જ વેદન કરે છે તે મિથ્યાત્વભાવ છે તેના સ્થાને સ્વસંવેદન કરી સ્વરૂપનો અનુભવ કરવો તેની મુખ્યતા અને પ્રધાનતા છે. બનારસીદાસે સમયસાર નાટકમાં કહ્યું છે-
અહા! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી.
અહો! આચાર્ય અમૃતચંદ્રે ટીકામાં અમૃત રેલાવ્યાં છે. આવી અનુભવ-અમૃતની અદ્ભુત વાત સાંભળે નહીં, સ્વાધ્યાય કરે નહીં, અને ધર્મ થશે એમ માની બાહ્ય