૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
શકે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. બીજાનું જીવન તે પરદ્રવ્યની ક્રિયા છે. તે પોતાના આયુની સ્થિતિથી જીવે છે, આયુના ક્ષયથી મરે છે. માટે બીજો બીજાને જીવાડે, વા બીજાની દયા પાળે એમ છે જ નહિ. તેવી રીતે આત્મા ભાષા-સત્ય કે જૂઠ બોલી શકે એમ છે જ નહિ. આત્મા પોતાની પર્યાયને કરે, પણ તે પરની પર્યાયને કેમ કરી શકે? સૂક્ષ્મ વાત, ભાઇ! આત્મા જાણે, પણ ભાષાને કરે એમ છે જ નહિ. ભાષામાં સ્વપરને કહેવાની સ્વતઃ તાકાત છે અને આત્મામાં સ્વપરને જાણવાની સ્વતઃ તાકાત છે.
ભાષામાં સ્વપરનું કથન કરવાની શક્તિ સ્વતઃ પોતાથી છે, આત્માના કારણે નહિ. અરે ભાઈ! આ ઉપદેશ સાંભળવામાં વચનની ક્રિયા ભિન્ન છે અને અંદર આત્માની જ્ઞાનની ક્રિયા ભિન્ન છે. બોધપાહુડની ૬૧મી ગાથામાં આવે છે કે-“શબ્દના વિકારથી ઉત્પન્ન અક્ષરરૂપ પરિણમેલ ભાષાસૂત્રોમાં જિનદેવે કહ્યું, તે શ્રવણમાં અક્ષરરૂપ આવ્યું અને જે રીતે જિનદેવે કહ્યું તે રીતે પરંપરાથી ભદ્રબાહુ નામના પાંચમા શ્રુતકેવલીએ જાણ્યું...”
અરે ભાઈ! ભાષાની પર્યાયને ભગવાન પણ કરી શકતા નથી. દિવ્યધ્વનિ છૂટે છે એ તો શબ્દનો વિકાર છે. તેના કાળે તે વાણી છૂટે છે, કેવળીને લઈને વાણી છૂટતી નથી; કેમકે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન ભિન્ન છે. ભાષાની ક્રિયા-શબ્દનો વિકાર ભિન્ન છે અને જ્ઞાનની ક્રિયા-આત્માની પરિણતિ ભિન્ન છે. માટે જ્ઞાનની પરિણતિથી શબ્દના વિકારરૂપ ભાષાની પરિણતિ થઈ એ વાત ત્રણકાળમાં નથી. ભાષા કોણ બોલે? શું આત્મા બોલે? અરે! બોલે તે બીજો, આત્મા નહિ. કુંદકુંદાચાર્યદેવે કહ્યું ને કે -ભાષા શબ્દના વિકારથી બની છે. અમારાથી નહિ, કેવળીથી નહિ, સંતોથી નહિ. તેને નિમિત્તની અપેક્ષા નથી. શ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસારની ટીકા પૂરી કરતાં છેલ્લે કહ્યું ને કે-આ શાસ્ત્ર મેં બનાવ્યું છે એવા મોહથી જનો ન નાચો; અને એનાથી (શબ્દોથી) તમને જ્ઞાન થાય છે એમ મોહથી ન નાચો. આ તો અબાધિત સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બે (દ્રવ્યોની) ક્રિયા કરી શકે જ નહિ; અન્યથા બધું એક થઈ જાય-જે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. જે બહુ-ક્રિયાવાદી છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી. ભાષાની ક્રિયાને આત્મા કરતો નથી. તેમ જડકર્મનો ઉદય પોતાની પર્યાયને કરે જીવના રાગને પણ કરે એમ બનતું નથી. અરે! બે તત્ત્વ ભિન્ન ભિન્ન છે, તેની પર્યાય પણ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતાની ક્રિયા કરવા સમર્થ છે અને પર માટે તે પાંગળું છે.
અજીવ અધિકારમાં કળશ ૪૩માં કહ્યું છે કે -આ અવિવેકના નાટકમાં પુદ્ગલ નાચે છે તો નાચો, હું તો આત્મા જ્ઞાયકસ્વરૂપ છું. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય જાણગસ્વભાવના નૂરનું પૂર છે. તે ભાષાને કેમ કરે? શરીરને તે કેમ ચલાવે?