Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 220 of 225
PDF/HTML Page 233 of 238

 

૨૨૦ શ્રી પ્રવચન રત્નો-૧ જ્ઞાનની જાણનક્રિયાના અર્થમાં જોઈએ તો સર્વજીવોને સર્વકાળે અને સર્વક્ષેત્રે જ્ઞાનમાં તો પોતાનું જ્ઞાન જ જણાયા કરે છે એટલે કે જ્ઞાયક જ અભેદનયે જાણવામાં આવી રહ્યો છે.

વળી પ્રતિભાસ શબ્દ શાબ્દિક અર્થની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થમાં વપરાય છે. પ્રતિભાસનો એક અર્થ “જાણે કે આમ ન હોય એવું લાગે છે” એવારૂપે થાય છે. અજ્ઞાનીને વાસ્તવિકતા ન હોય તો પણ તેવું પ્રતિભાસવું એ ભ્રમણાના અર્થમાં થતો પ્રતિભાસનો ઉપયોગ છે. અને જ્ઞાનની જાણનક્રિયા સાથે સંબંધિત પ્રતિભાસ શબ્દનો અર્થ સ્વચ્છત્વના પરિણમનરૂપ પ્રકાશકપણું, પ્રતિબિંબિતપણું, ઝળકવાપણું, અવભાસન થાય છે અને આ અર્થ જે સ્વપર પ્રકાશકતાને યથાર્થ સમજવા માટે યથાર્થ છે.

જ્ઞાની અજ્ઞાની બધામાં જ્ઞાનનું સ્વચ્છત્વ હોવાથી સ્વપરનો પ્રતિભાસ તો વર્ત્યા જ કરે છે. અજ્ઞાની એકાંત પર પ્રતિભાસનો સ્વીકાર કરી પરમાં એકત્વ સ્થાપતો હોવાથી તેના જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે તેથી તે અપ્રતિબુદ્ધ રહી જાય છે અને તેજ જીવ સ્વના પ્રતિભાસનો સ્વીકાર કરી એકત્વપૂર્વક સ્વજ્ઞાયકમય પરિણમન કરે છે તે પ્રતિબુદ્ધ થઈને અનુભૂતિ પ્રગટ કરી લે છે. આ વાત જ શ્રીમદ્ રાજચંદ્રજીના નીચેના કથનમાંથી ફલિત થાય છે-

“અનાદિકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તે જ જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ કરનાર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન જયવંત વર્તો, જયવંત વર્તો” .

આમાં જ્ઞાન તો માત્ર જાણક સ્વભાવી જ હોવાથી ભવના હેતુરૂપ કેમ થાય? પરંતુ સ્વચ્છત્વના પરિણમનને કારણે પરનો પ્રતિભાસ થતાં પરસાથે એકતાબુદ્ધિરૂપ વર્તવું થાય છે તે શ્રદ્ધા અને ચારિત્રના દોષિત પરિણામો સાથે ભેદજ્ઞાનના અભાવને લઈને જ્ઞાન એકત્વપૂર્વક વર્તે છે તેથી તેની ભવના હેતુરૂપ કહેવામાં આવેલ છે. આ હકીકતનો ખુલાસો શ્રી સમયસારજી શાસ્ત્રની ગાથા ૮૭ માં ભાવાર્થકાર સમકિતી પંડિત શ્રી જયચંદજીએ સ્પષ્ટ રીતે કરેલ છે તે યથાર્થપણે સમજીને સ્વીકૃત કરવા યોગ્ય છે.

પ્રતિભાસના સ્વચ્છત્વના પરિણમન સ્વરૂપ આ પ્રકારના ઉપયોગના સંદર્ભો જિનવાણી તથા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી સંકલિત કરીને અહીં પ્રકાશિત કરવામાં આવેલ છે.

* * *