Purusharth Siddhi Upay (Gujarati). Publisher's Note.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 198

 

શ્રી પુરુષાર્થ સિદ્ધયુપાયદર્શક સંતોને નમસ્કાર!

–ઃ પ્રકાશકીય નિવેદનઃ–

અતિ પ્રશસ્ત અધ્યાત્મવિદ્યાકુશળ તથા જિનાગમમર્મજ્ઞ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ અપર નામ ‘જિનપ્રવચનરહસ્ય–કોષ’ ની રચના કરી છે. તેના પર આચાર્યકલ્પ પં. શ્રી ટોડરમલજીકૃત ભાષા–ટીકા મૂળ ઢૂંઢારીમાં છે. તેનો ગુજરાતી ભાષામાં આ અનુવાદ બીજી આવૃત્તિમાં પ્રસિદ્ધ કરીને મુમુક્ષુઓને આપતાં અત્યાનંદ અનુભવાય છે.

પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રચેલ દેશભાષામય ટીકા અપૂર્ણ રહી ગયેલ છે. ત્યારબાદ પં.શ્રી દૌલતરામજીએ વિ. સં. ૧૮૨૭માં તે પૂર્ણ કરેલ છે.

આ ગ્રંથ વીર સં. ૨૪પ૬માં શ્રી દુલીચંદજી પરવાર, માલિક જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ, પણ તેમાં અનેક અશુદ્ધિઓ રહી જવા પામેલ; તેથી અત્યંત સાવધાની અને શ્રમપૂર્વક તેને શુદ્ધ કરીને આ ગુજરાતી ભાષાંતર તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથ ઉપરોક્ત પ્રકાશકની સંમતિ લઈને છપાવ્યો છે અને સંમતિ આપવા બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

સર્વજ્ઞ વીતરાગ કથિત વસ્તુસ્વભાવદર્શક જૈનધર્મનું માહાત્મ્ય, અહિંસાદિ વ્રતોનું સ્વરૂપ, ગૃહસ્થોચિત નીતિમય વ્યવહારધર્મ અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વક યથાપદવી ચારિત્રમય જૈનત્વ શું છે તેનું અત્યંત સુગમ શૈલીથી વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આત્મહિત માટે પુરુષાર્થનો ધારાવાહી સ્ત્રોત જેઓ નિરંતર વહાવી રહ્યા છે એવા આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી પાસેથી પ્રેરણા પામીને સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે આ અનુવાદ તૈયાર કરી આપ્યો છે.

બ્ર. શ્રી વ્રજલાલભાઈ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. હોવા ઉપરાંત રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલબ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી સજ્જન છે. વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે.