લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધપુરુષો લીન થઈ
જાય છે. તે ગુણની ગાંઠ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે),
મુક્તિનો સુગમ પંથ છે અને તેનો (અપાર) યશ વર્ણવતાં ઇન્દ્ર પણ
આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના
પક્ષવાળા) જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના
(અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. સમયસારનાટક
(અર્થાત્ શ્રી સમયસાર-પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે નાટકની
ઉપમા આપી છે તે) શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ)
સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયનાં કપાટ ખૂલી
જાય છે.