૮૪
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨.
આ રીતે આ સમયપ્રાભૃતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગસ્થળ કહ્યું.
અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારાં નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટ્ય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત — એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદ્રષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ-અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, — આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જોનાર જીવ-અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ-અજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત