‘સમયસાર’ તો જગત્ચક્ષુ છે. તેની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘આત્મખ્યાતિ’ ટીકા આત્માની વિશિષ્ટ પ્રકારે પ્રસિદ્ધિ કરે છે. તેમાં આવેલ કળશો શુદ્ધામૃતથી ભરેલા છે. તે કળશો ઉપર જૈનધર્મના મર્મી પંડિતપ્રવર શ્રી રાજમલજીએ મૂળ ઢૂંઢારી ભાષમાં ટીકા કરી છે. તેનો આધુનિક હિંદીમાં અનુવાદ પં. શ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રીએ કરેલ છે. તેની ૩૩૦૦ પ્રત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે બહુ અલ્પ સમયમાં ખપી જતાં, તેની બીજી આવૃત્તિરૂપે ૩૩૦૦ પ્રત છપાવવામાં આવી છે. તે ગ્રંથ કેટલો મહત્ત્વનો છે અને જિજ્ઞાસુઓને તે કેટલો પ્રિય છે તેનું માપ આ ઉપરથી નીકળી શકે છે.
મૂળ ઢૂંઢારી તથા તેના હિન્દી અનુવાદ ઉપરથી આ ગુજરાતી અનુવાદ પ્રથમ વાર જ પ્રકાશિત કરતાં હૃદય અત્યાનંદ અનુભવે છે.
સમયસારરૂપ ચૈતન્યરત્નાકરનું ઊંડું અવગાહન કરીને, આત્માનુભવી સંત પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જે અધ્યાત્મનિધાન વર્તમાનકાળે જગત સમક્ષ પ્રગટ કરેલ છે તે અનેક ભવ્ય જીવોને આત્મકલ્યાણની અનોખી પ્રેરણા આપે છે; તે તેમનો મહા ઉપકાર છે. તેથી તેમનાં પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ.
લગભગ છવ્વીશ વર્ષથી પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં નિરંતર વસી તેમની મહામૂલી સેવાનો અનુપમ લહાવો લેવાનું મહાન સદ્ભાગ્ય જેમને સાંપડ્યું છે તે બ્ર. શ્રી ચંદુભાઇએ આ ગુજરાતી અનુવાદ તૈયાર કરી આપ્યો છે.
શ્રી ચંદુભાઇ કુમારબ્રહ્મચારી છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાવન ચરણોમાં સમર્પણ કર્યું છે. તેમની એ અર્પણતા અનુકરણીય છે. તેઓ જૈન શાસ્ત્રોના ચારે અનુયોગના સારા અભ્યાસી છે. તેમની સ્મરણશક્તિ તીવ્ર છે અને તેથી પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા થતાં તેઓ કોઈ પણ શાસ્ત્રનો આધાર તુરત જ કાઢી આપે છે. તેઓ નમ્ર, વિનયી, ભક્તિવંત, સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર, નિરભિમાની, મૃદુભાષી, વૈરાગ્યવંત, અધ્યાત્મરસિક સજ્જન છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિ અર્થે અત્યંત ચીવટપૂર્વક, ઉલ્લસિત પરિણામે, તદ્ન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની ૠણી છે અને તેમને ધન્યવાદ આપવા સાથ આભાર પ્રદર્શિત કરે છે.
આ આખાયે અનુવાદને સૂક્ષ્મતાથી તપાસી આપવામાં, યોગ્ય સલાહ-સૂચનપૂર્વક તેનું યથોચિત સંશોધન કરી આપવામાં સર્વતોમુખી સહાય સદ્ધર્મવત્સલ પં. ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે આપી છે; તેથી તેમનો અંતરથી આભાર માનવામાં આવે છે.