શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિવેદન
અધ્યાત્મનિધિના સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો એ મહાન ઉપકાર છે કે તેઓશ્રીના પાવન પ્રતાપે આ યુગમાં
આબાળગોપાળ સર્વ જિજ્ઞાસુઓમાં અધ્યાત્મતત્ત્વના શ્રવણની તેમ જ અભ્યાસની
રુચિ જાગ્રત થઈ છે.
શ્રુતાવતાર ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રુતરત્નો શ્રી સમયસાર,
પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૃતનું અધ્યાત્મઅમૃત,
અનેક વાર તેમનાં ઉપર પ્રવચનો આપીને, અધ્યાત્મશ્રુતલબ્ધિવંત પૂજ્ય ગુરુદેવે
મુમુક્ષુ સમાજને પાયું છે. તેમના જ પુનિત પ્રતાપે ને કલ્યાણી પ્રેરણાથી, મૂળ
ગાથાઓના ભાવો સમજવામાં તેમ જ યાદ રાખવામાં સરળ પડે તે માટે,
પરમાગમોનો ગુજરાતી પદ્યાનુવાદ આદરણીય પંડિત શ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહ દ્વારા થયો છે.
આ મધુર, સરળ, સુગમ ને ભાવવાહી હરિગીત-પદ્યાનુવાદોની તથા
તદુપરાન્ત સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ ને યોગસારના ગુજરાતી દોહરા અને ઉપાદાન-
નિમિત્તના (હિંદી) દોહા તથા છ ઢાળાની સોનગઢમાં દર મહિને સમુદાયરૂપે
અનુક્રમે સ્વાધ્યાય કરવાની પ્રથા પરમપૂજ્ય ગુરુદેવશ્રીની તેમ જ પ્રશમમૂર્તિ પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનની ઉપસ્થિતિરૂપ મંગલ છાયામાં પ્રવર્તતી હતી તે હજુ પણ
પૂર્વવત્ નિયમિત પ્રવર્તમાન છે.
ઉક્ત પ્રયોજન માટે સંસ્થા દ્વારા તે બધાંનો સંગ્રહ કરીને ‘શાસ્ત્ર-સ્વાધ્યાય’
ગ્રંથ પ્રકાશિત થયો છે, જેની પાંચ આવૃત્તિઓ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે; તેની
આ છઠ્ઠી આવૃત્તિ પ્રકાશિત થાય છે.
આ ‘શાસ્ત્ર-સ્વાધ્યાય’નો ઊંડો સ્વાધ્યાય કરી — તેમાં દર્શાવેલ અધ્યાત્મ-
ભાવોનું સમ્યક્ અવગાહન કરી — ભવ્ય આત્માઓ પોતાના અંતરમાં તેનું
યથાયોગ્ય પરિણમન પ્રગટ કરો — એ ભાવના.
નિવેદક —
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-
શ્રી સીમંધર જિનાલય
હીરક-જયંતી મહોત્સવ
તા. ૨૦-૨-૨૦૧૫