શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું?
સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો
ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો —
દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય,
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને
શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના
લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના
સાચા બોધનો — અભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ
કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની
સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર — મુગટમણિ જે
શુદ્ધદ્રવ્ય-સામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે
જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય — જે સ્વાનુભૂતિનો
આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું
આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છે — તેનો દિવ્ય
મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે
નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ
અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે.
— પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી