: ૪૦ : આત્મધર્મ માહ : ૨૦૦૦
૩. ભ્રમણાથી મૂર્છિત થઈ, સ્વસ્વરૂપનું ભૂલવું તે મદિરા પાન છે.
૪. કુબુદ્ધિના માર્ગે ચાલવું તે વેશ્યા સેવન છે.
પ. કઠોર પરિણામથી પ્રાણઘાત કરવો (ભાવમરણ કરવું) તે શિકાર છે.
૬. દેહ–રાગાદિમાં એકત્વ બુદ્ધિ [આત્મબુદ્ધિ] રાખવી તે પરનારીનો સંગ છે.
૭. અનુરાગ પૂર્વક પરપદાર્થોને ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવચોરી છે.
જે આત્મા શુદ્ધ સ્વરૂપને ઓળખે તે જ આ સાત વ્યસનોને ટાળી શકે અને તે જ સુખી થાય.
‘અહિંસા પરમો ધર્મ’ એ લોકમાં પ્રચલિત સૂત્ર છે. સામાન્ય લોકો ત્યાં અહિંસાનો અર્થ ‘પર જીવનું મરણ ન
કરવું’ એવો કરે છે. પણ તે અર્થ સ્થુલ છે, અહિંસાનો ખરો અર્થ નીચે પ્રમાણે થાય છે:–
૧:– આત્માના શુદ્ધોપયોગ રૂપ પરિણામને ઘાતવાવાળો ભાવ તે હિંસા છે, તેથી પોતાના આત્માનો શુદ્ધ
ઉપયોગ તે અહિંસા છે, તે અહિંસા એ પરમ ધર્મ છે. તત્ત્વ જ્ઞાનની દ્રષ્ટિથી અહિંસાનો બીજો અર્થ સંભવતો નથી.
[પુરુષાર્થ સિદ્ધિઉપાય ગાથા ૪૨]
૨:– ખરેખર, રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે.
એવું જૈન શાસનનું ટૂંકું રહસ્ય છે. (પુ. સિ. ઉ. ગાથા ૪૪)
જીવ સ્વાશ્રય અને પરાશ્રય એમ બે પ્રકારના ભાવો કરી શકે છે. સ્વાશ્રય ભાવ તે શુદ્ધ છે, અને તે જ ધર્મ છે.
પરાશ્રય (પરાધીન) ભાવ બે પ્રકારના છે (૧) શુભ (૨) અશુભ તે બન્ને સંસારનું કારણ છે. લોકોમાં પણ કહેવત
ઉપર પ્રમાણે કરે છે.
પરાશ્રય ભાવ તે હમેશાંં પરનું આલંબન માગે છે, જેમકે કોઈને મારવાનો વિચાર થયો, તો તે પર તરફ લક્ષ
આપ્યા વગર થાય નહીં, કોઈને સગવડ આપવાનો ભાવ પણ પર તરફના વલણ વગર થાય નહીં માટે તે બન્ને વિકારી
છે. હવે તેમાંથી જૈન ‘પાપ’ (અશુભભાવ) કરવાની બધા જીવોને મનાઈ કરે છે અને બધા પાપોમાંથી પોતાના
સ્વરૂપની ભ્રમણા તે મહાપાપ છે. તે ટાળ્યા સિવાય કોઈ જીવને ધર્મ થાય નહીં અને તેથી મિથ્યાત્વની ટૂંકી વ્યાખ્યા
નીચે કરવામાં આવે છે.
૧:– સ્વપર એકત્વનો અભિપ્રાય, એટલે કે આત્મા અને રાગ (પછી તે પુણ્યનો હોય કે પાપનો હોય) તથા દેહ
વગેરેની એકત્વ બુદ્ધિ. (સમયસાર પા. ૩૨૨)
૨:– જીવની જે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા મિથ્યાત્વ છે.
[સમયસાર પા. ૩૧૪]
૩:– પોતાના સ્વરૂપનો જુઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ છે. [સમયસાર પા. ૩૨૦]
જ્યારે જીવને મિથ્યાત્વ એટલે કે ભ્રમણા હોય છે ત્યારે તેને નિમિત્ત પણ કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્ર હોય છે. પણ
જેને તે નિમિત્ત સાચાં હોય તે સમ્યગ્દ્રષ્ટિ હોય જ છે–એમ જાણવાનું નથી. તેથી કુદેવ અને કુગુરુ કોણ કહેવાય તે
સમજવા માટે સુદેવ અને સુગુરુનું સ્વરૂપ શું છે? તે જાણવું જોઈએ. તેનું સ્વરૂપ જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ ‘નમસ્કાર મંત્ર’
છે તેમાં જણાવ્યું છે, તે:–
“નમો અરિહંતાણં; નમો સિધ્ધાણં; નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં; નમો લોએ સવ્વસાહૂણં;” છે. તેમાં
પહેલાં બે પદ સુદેવનું સ્વરૂપ સંપૂર્ણ વીતરાગતા બતાવે છે, અરિહંત સશરીરિ વીતરાગ છે અને સિદ્ધ અશરીરિ વીતરાગ
છે. છેલ્લા ત્રણ પદ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જેણે અંશે વીતરાગતા પ્રગટ કરી હોય અને પૂરેપૂરી થોડા વખતમાં પામવાને
લાયકાત મેળવી હોય–તે છે. પહેલાંંને ‘આપ્ત’ પણ કહેવામાં આવે છે. ‘જૈનધર્મ વીતરાગપ્રણિત છે’ તે આગળ કહેવાશે;
તેનું ‘રહસ્ય’ એક શબ્દમાં કહીએ તો તે ‘વીતરાગતા’ છે; માટે તે ગુણ પ્રગટ કર્યા હોય તે સુદેવ અને સુગુરુ થઈ શકે,
અને આપ્ત પુરુષે પ્રણિત કરેલાં શાસ્ત્રોને સુશાસ્ત્ર કહેવાય છે. જીવે પાત્રતા મેળવી આ વસ્તુ યથાર્થ સમજી લેવાની
જરૂર છે. તે ઉપરથી એમ પણ જણાશે કે જૈન ધર્મ ગુણપૂજા સ્વીકારે છે; વ્યક્તિપૂજા નહિ. ગુણ ગુણી વગર હોતો નથી
તેથી ગુણીની પૂજા તે જ જૈન શાસ્ત્રને માન્ય છે.
ધર્માત્માને પોતાના સ્વરૂપનું ભાન થયા પછી પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત ન થઈ હોય ત્યારે તે સ્વરૂપમાં
રહેવાનો પુરુષાર્થ કરે છે, પણ તે જ્યારે રહી શકે નહીં ત્યારે અશુભ ભાવ ટાળવા શુભ ભાવમાં આવે છે, પણ તે
શુભભાવને કદી ધર્મ માનતા નથી. (અપૂર્ણ)