દ્રષ્ટાંતની જરૂર નથી. પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે. લોકમાં જેટલા આત્માઓ છે, તેમને આ એક જ ઉપાય
જોવામાં આવે છે કે, –– ‘દુઃખ ન થાય–સુખ જ થાય’ તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે, તેટલા એક એ જ
પ્રયોજન અર્થે કરે છે બીજું કાંઈ પ્રયોજન નથી. તેઓ જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય
કરે છે. તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. વળી સંકોચ–વિસ્તારઆદિ અવસ્થા
પણ આત્માને થાય છે. અનેક પરદ્રવ્યનો પણ સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખ દુઃખ થતું ન જાણે તેને દૂર
કરવાનો વા હોવાનો કંઈ પણ ઉપાય કોઈ કરતું નથી. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો
બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે, પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો
આ શું કરે? તેને ભોગવે, પણ સ્વવશ પણે તો કિંચિત્ પણ દુઃખને સહન કરી શકતો નથી. તથા સંકોચ–વિસ્તાર
આદિ અવસ્થા જેવી થાય તેવી થાય, તેને સ્વવશપણે પણ ભોગવે છે. ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો
એવો જ સ્વભાવ છે એમ સમજવું જુઓ! દુઃખી થાય ત્યારે સુવા ઈચ્છે છે જો કે સુવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય
છે, પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઈચ્છે છે. વા મરવા ઈચ્છે છે. હવે મરવામાં પોતાનો નાશ માને
છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઈચ્છે છે. માટે એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો
એ જ તેનું કર્તવ્ય છે. હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણકે–આકુળતા લક્ષણ સહિત દુઃખ છે, તેનો જે અભાવ
થવો એ જ નિરાકુળતા લક્ષણ સહિત સુખ છે. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કે, બાહ્ય કોઈ પણ સામગ્રીનો
સંયોગ મળતાં જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે. તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી
આકુળતા થાય છે તે રાગાદિક કષાયભાવ થતાં થાય છે, કારણકે રાગાદિભાવો વડે આ જીવ તો સર્વ દ્રવ્યોને
અન્ય પ્રકારે પરિણમાવવા ઈચ્છે છે. અને તે સર્વ દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે. ત્યારે આને આકુળતા થાય છે.
હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય અથવા પોતાની ઈચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે.
હવે સર્વ દ્રવ્યો તો આના આધિન નથી પણ કોઈ વેળા કોઈ દ્રવ્ય આની ઈચ્છા હોય તેમ જ પરિણમે તો પણ
આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઈચ્છાનુસાર જ થાય અન્યથા ન થાય, ત્યારે જ આ
નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શકતું નથી, કારણકે–કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી, પણ
પોતાના રાગાદિભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે; અને તે કાર્ય બની શકે એમ છે. કારણકે રાગાદિભાવો
આત્માના સ્વભાવ ભાવ તો છે નહિ. પણ ઔપાધિક ભાવ છે. પરનિમિત્તથી થયા છે, અને એ નિમિત્ત
મોહકર્મનો ઉદય છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો પણ નાશ થતાં
દુઃખ દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહ કર્મનો નાશ જ હિતકારી છે.
સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદિરૂપ થઈ પ્રવર્તે છે. ત્યાં આકુળતા થાય છે.