Atmadharma magazine - Ank 006
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૦૫ :
કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યઘન દશા પ્રાપ્ત કરીને સર્વજ્ઞ તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યા, તે પરમ પવિત્ર
દશાનો સુધાસ્યંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવ વિકસિત જ્ઞાનપર્યાય
દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રોના
અભ્યાસી વિદ્વાનો પણ ગુરુદેવની વાણી સાંભળી ઉલ્લાસ આવી જતાં કહે છે; ‘ગુરુદેવ! અપૂર્વ આપના
વચનામૃત છે; તેનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું
જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ ને સમ્યક્ત્વનું
સ્વરૂપ, નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ કે વ્રતનિયમતપનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય–સાધનનું સ્વરૂપ,
દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક–સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું
સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ–જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ
ભાવો દ્રષ્ટિગોચર થાય છે. અમે શાસ્ત્રમાંથી કાઢેલા અર્થો તદ્ન ઢીલા, જડ–ચેતનના ભેળસેળવાળા, શુભને
શુદ્ધમાં ખતવનારા, સંસાર ભાવને પોષનારા, વિપરીત અને ન્યાયવિરુદ્ધ હતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ
અર્થો ટંકણખાર જેવા–શુદ્ધ સૂવર્ણ જેવા, જડ–ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા,
મોક્ષભાવને જ પોષનારા, સમ્યક્ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દે શબ્દે વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે.
અમે વાક્યે વાક્યે વીતરાગદેવની વિરાધના કરતા હતા. અમારું એક વાક્ય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન
નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે–એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદ્ગુરુનું મહાત્મ્ય
તે હવે અમને સમજાય છે. શાસ્ત્રોનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગ દેવે સદ્ગુરુને સોંપી છે. સદ્ગુરુનો ઉપદેશ
પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ થવો અત્યંત કઠિન છે.’
પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કૃતિ ભરેલી
છે. તેઓશ્રી કહેવાની વાતને એવી સ્પષ્ટતાથી, વિવિધતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દોનો
ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્યને પણ તે સહેલાઈથી સમજાય છે. અત્યંત ગહન
વિષયને પણ અત્યંત સુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની
વ્યાખ્યાનશૈલી એટલી રસમય છે કે જેમ સર્પ મોરલી પાછળ મુગ્ધ બને છે તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે;
સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું
પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય
છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. અધ્યાત્મની જીવંત મૂર્તિ ગુરુદેવના દેહના અણુએ
અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે. તે અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા, નેત્રો, વાણી, હૃદય બધાં એકતાર થઈ
અધ્યાત્મની રેલંછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદયો એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે.
ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્‌યા પછી અન્ય
વ્યાખ્યાતાઓના વ્યાખ્યાનમાં રસ પડતો નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તો સ્પષ્ટ લાગે છે કે ‘આ
પુરુષ કોઈ જુદી જાતનો છે, જગતથી એ કાંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દ્રઢતા
ને જોર છે. આવું ક્યાંય સાંભળ્‌યું નથી. ’ મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવો પોતપોતાની પાત્રતા
અનુસાર લાભ મેળવી જાય છે. કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે. કોઈ કોઈને સત્સમજણના અંકુર ફુટે છે અને
કોઈ વિરલ જીવોની તો દશા જ પલટાઈ જાય છે.
અહો! આવું અલૌકિક પવિત્ર અંતર્પરિણમન કેવળજ્ઞાનનો અંશ, અને આવો પ્રબળ પ્રભાવનાઉદય
તીર્થંકરત્વનો અંશ, એ બેનો સુયોગ આ કળિકાળમાં જોઈને રોમાંચ થાય છે. મુમુક્ષુઓનાં મહાપુણ્ય હજુ તપે છે.
અહો! એ પરમ પ્રભાવક અધ્યાત્મમૂર્તિની વાણીની તો શી વાત, તેનાં દર્શન પણ મહાપુણ્યના થોક
ઊછળે ત્યારે પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મયોગીની સમીપમાં સંસારના આધિ–વ્યાધિ–ઉપાધિ ફરકી શકતાં નથી.
સંસારતપ્ત પ્રાણીઓ ત્યાં પરમ વિશ્રાંતિ પામે છે અને સંસારનાં દુઃખો માત્ર કલ્પનાથી જ ઊભાં કરેલાં તેમને
ભાસવા માંડે છે. જે