Atmadharma magazine - Ank 006
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 29

background image
: ૧૦૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
વૃત્તિઓ મહાપ્રયત્ને પણ દબાતી નથી તે ગુરુદેવના સાન્નિધ્યમાં વિના પ્રયત્ને શમી જાય છે એ ઘણા ઘણા
મુમુક્ષુઓનો અનુભવ છે. આત્માનું નિવૃત્તિમય સ્વરૂપ, મોક્ષનું સુખ વગેરે ભાવોની જે શ્રધ્ધા અનેક દલીલોથી
થતી નથી તે ગુરુદેવનાં દર્શન માત્રથી થઈ જાય છે, ગુરુદેવનાં જ્ઞાન ને ચારિત્ર મુમુક્ષુ પર મહા કલ્યાણકારી
અસર કરે છે. ખરેખર કાઠિયાવાડને આંગણે શીતળ છાંયવાળું, વાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ ફળ્‌યું છે.
કાઠિયાવાડનાં મહાભાગ્ય ખીલ્યાં છે.
હવે, સોનગઢમાં પરિવર્તન કર્યા પછીના, મહારાજશ્રીના જીવનવૃત્તાંત સાથે સંબંધ રાખતા કેટલાક પ્રસંગો
કાળાનુક્રમે સંક્ષેપમાં જોઈ જઈએ,
સોનગઢથી બાર માઈલ દૂર આવેલા શ્રીશત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઘણા વખતથી મહારાજશ્રીની
ભાવના હતી. તે સં. ૧૯૯૫ ના પોષ વદ તેરશે પૂર્ણ થઈ. લગભગ ૨૦૦ ભક્તો સહિત મહારાજશ્રીએ તે
તીર્થરાજની યાત્રા અતિ ઉત્સાહ ને ભક્તિપૂર્વક કરી.
રાજકોટના શ્રાવકોના બહુ આગ્રહને લીધે સં. ૧૯૯૫ માં મહારાજશ્રીનું રાજકોટ પધારવું થયું. ત્યાં દશેક
માસની સ્થિતિ દરમ્યાન મહારાજશ્રીએ સમયસાર, આત્મસિદ્ધિ અને પદ્મનંદિપંચવિંશતિ પર અપૂર્વ પ્રવચનો
કર્યાં. ગુરુદેવનાં આગળ વધેલા જ્ઞાનપર્યાયોમાંથી નીકળેલા જડ–ચેતનની વહેંચણીના, નિશ્ચય–વ્યવહારની
સંધિના તેમ જ બીજા અનેક અપૂર્વ ન્યાયો સાંભળી રાજકોટના હજારો લોકો પાવન થયા અને અનેક સુપાત્ર
જીવોએ પાત્રતા અનુસાર આત્મલાભ મેળવ્યો. દશ માસ સુધી ‘આનંદકુંજ’માં (મહારાજશ્રી ઊતર્યા હતા તે
સ્થાનમાં) નિશદિન આધ્યાત્મિક આનંદનું વાતાવરણ ગુંજી રહ્યું.
રાજકોટથી સોનગઢ પાછા ફરતાં મહારાજશ્રી ગિરિરાજ ગિરનારતીર્થની યાત્રા કરવા પધાર્યા અને એ
પવિત્ર નેમગિરિ ઉપર લગભગ ૩૦૦ ભક્તો સાથે ત્રણ દિવસ રહ્યા. ત્યાં એ સમવસરણના દેરાસરજીમાં તથા
દિગંબર દેરાસરજીમાં ઉછળેલી ભક્તિ, એ સહસ્ત્રામ્રવનમાં જામી ગયેલી સ્તવનભક્તિની ધૂન અને એ
સમશ્રેણીની પાંચમી ટુંકે પૂ. ગુરુદેવશ્રી ‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે!’ વગેરે પદો પરમ
અધ્યાત્મરસમાં તરબોળ બની ગવરાવતા હતા તે વખતે પ્રસરી ગયેલું શાંત આધ્યાત્મિક વાતાવરણ–એ બધાંનાં
ધન્ય સ્મરણો તો જીવનભર ભક્તોના સ્મરણપટ પર કોતરાઈ રહેશે.
રાજકોટ જતાં તથા ત્યાંથી પાછા ફરતાં પરમ પૂજ્ય ગુરુદેવ રસ્તામાં આવતાં અનેક ગામોમાં
વીતરાગપ્રણીત સદ્ધર્મનો ડંકો વગાડતા ગયા અને અનેક સત્પાત્રોના કર્ણપટ ખોલતા ગયા. ગામે ગામ લોકોની
ભક્તિ ગુરુદેવ પ્રત્યે ઊછળી પડતી હતી અને લાઠી, અમરેલી વગેરે મોટા ગામોમાં અત્યંત ભવ્ય સ્વાગત થતું
હતું. ગુરુદેવનો પ્રભાવનાઉદય જોઈ, જે કાળે તીર્થંકરદેવ વિચરતા હશે તે ધર્મકાળમાં ધર્મનું, ભક્તિનું, અધ્યાત્મનું
કેવું વાતાવરણ ફેલાઈ રહેતું હશે તેનો તાદશ ચિતાર કલ્પનાચક્ષુ સમક્ષ ખડો થતો.
સં. ૧૯૯૬ ના વૈશાખ માસમાં ગુરુદેવના પુનિત પગલાં ફરી સોનગઢમાં થયાં.
ત્યાર પછી તુરત જ શેઠ કાળીદાસ રાઘવજી જસાણીના ભક્તિવંત સુપુત્રોએ શ્રી સ્વાધ્યાય મંદિર પાસે
શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બંધાવવા માંડ્યું, જેમાં શ્રી સીમંધર ભગવાનના અતિ ભાવવાહી પ્રતિમાજી
ઉપરાંત શ્રી શાન્તિનાથ આદિ અન્ય ભગવંતોનાં ભાવવાહી પ્રતિમાજીની પ્રતિષ્ઠા પંચકલ્યાણકવિધિપૂર્વક સં.
૧૯૯૭ ના ફાગણ સુદ બીજના માંગલિક દિને થઈ. પ્રતિષ્ઠામહોત્સવમાં બહારગામના લગભગ ૧૫૦૦
માણસોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠાના આઠે દિવસ પરમ પૂજ્ય ગુરુદેવના મુખમાંથી ભક્તિરસભીની અલૌકિક
વાણી છૂટતી હતી. લોકોને પણ ઘણો ઉત્સાહ હતો. પ્રતિષ્ઠાદિન પહેલાંં થોડા દિવસે શ્રી સીમંધર ભગવાનના
પ્રથમ દર્શને પરમ પૂજ્ય ગુરુદેવની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે
ગુરુદેવને ભક્તિરસની ખુમારી ચડી ગઈ અને આખો દેહ ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચેષ્ટ
ભાસવા લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને
એમ બે ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું અદ્ભુત દ્રશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી
શકાતું નહોતું; તેમનાં નેત્રોમાં અશ્રુ ઉભરાયાં અને ચિત્તમાં ભક્તિ ઊભરાઈ. ગુરુદેવે પોતાના પવિત્ર હાથે