જ્ઞાન સમ્યક્ ક્યારે થયું?
પુ. શ્રી સદ્ગુરુદેવે તા. ૨૪ – ૨ – ૪ ની રાત્રે કહેલા અપુર્વ ન્યાયો
આત્મા વસ્તુ છે. તેમાં અનંત ગુણો છે; તેમાં દર્શનનો વિષય અભેદ–નિર્વિકલ્પ છે. જ્ઞાન વિશેષ અર્થાત્
સ્વ–પરને જાણનારૂં છે. શાસ્ત્રમાં જ્યારે જ્ઞાનની મુખ્યતાથી અધિકાર ચાલતો હોય ત્યારે ભેદથી કથન આવે. દર્શન
અભેદ છે એટલે કે દર્શન પોતાને (દર્શનગુણને) કે પરને જાણતું નથી. દર્શનનો વિષય અખંડ દ્રવ્ય છે. એક
સમયમાં બધા ગુણોનો પિંડ જે દ્રવ્ય છે તે દર્શનનો વિષય છે, એક સમયના દર્શનના વિષયમાં આખું દ્રવ્ય છે.
જ્ઞાનની પર્યાયમાં દર્શનને અને દર્શનના વિષયને (અભેદ દ્રવ્યને) જાણતાં તેમાં (જ્ઞાનની પર્યાયમાં)
આખું દ્રવ્ય અને બધા સંયોગો જણાય છે. જ્ઞાન અનંત ગુણોને અને પોતાને જાણે છે તેથી જ્ઞાનનું સ્વ–પર
પ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનને નક્કી કરતાં તેની એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય અને દ્રવ્યના દર્શન વગેરે
અનંત–ગુણો આવી જાય છે–જણાય છે.
જ્ઞાનના એક સમયમાં પર્યાય અને પૂર્ણ દ્રવ્ય આવી જાય છે; જેવું કેવળજ્ઞાનમાં જણાય તેવું જ જ્ઞાનની
એક સમયની પર્યાયમાં જણાય છે. જ્ઞાનની લોક–અલોકને જાણવાની શક્તિને પણ એક સમયની જ્ઞાનની પર્યાયે
નક્કી કરી છે.
એક જ્ઞાનની પર્યાયમાં વસ્તુપણે તો કૃતકૃત્ય છું [પુરુષાર્થની નબળાઈના કારણે પર્યાયમાં ક્રમ પડે તે
વાત ગૌણ છે.] એમ નક્કી કરતું જ્ઞાન તે સ્વ–પર પ્રકાશક છે.
દર્શનના સ્વભાવને નક્કી કરતું જ્ઞાન તે સાચું જ્ઞાન છે. જ્યાં દર્શન પ્રધાનતાથી વર્ણન ચાલતું હોય ત્યાં તે
પણ જ્ઞાનનો જ વિષય છે, કારણકે દર્શન પોતે પોતાથી જણાતું નથી, પણ દર્શનને જાણનારું જ્ઞાન છે.
દર્શનનો વિષય નક્કી કરે તે જ્ઞાન સમ્યક્ છે; દર્શનનો વિષય અખંડ છે; તે નિમિત્ત, પર્યાય કે ભેદને
સ્વીકારતું નથી. અને જો જ્ઞાનમાં નિમિત્તને ન માને તો જ્ઞાનની ભૂલ થાય છે; છતાં પણ જ્ઞાન તો દર્શનને જાણે
છે અને દર્શનમાં નિમિત્ત પર્યાય કે ભેદનો નકાર છે એમ પણ જાણે છે. આ રીતે બધા ગુણોથી વસ્તુને નક્કી કરે
તે જ્ઞાન સમ્યક્ છે.
આત્માનું લક્ષણ ચેતના; ચેતનામાં બે ભેદ–૧–દર્શન અને ૨–જ્ઞાન. (તેને ગ્રહણ કરવું એકાગ્ર થવું– તે
ચારિત્ર છે.)
દર્શનના વિષયે અભેદ વસ્તુ લક્ષમાં લીધી છે. અને જ્ઞાને દર્શનના આખા વિષયને નક્કી કર્યો છે, જ્ઞાને
દર્શન ગુણને નક્કી કરતાં તેમાં દર્શનના વિષયને પણ નક્કી કર્યો છે.
‘આ રીતે જ્ઞાને દર્શનને જાણ્યું અને દર્શનના વિષયમાં આખું દ્રવ્ય આવ્યું છે તેથી જ્ઞાનમાં બધું આવી
જાય છે. ’
પર્યાય કે નિમિત્ત તે જ્ઞાનમાં પણ ગૌણ થાય છે. પર્યાય ખીલવાની છે કે ખીલી છે એવા ભેદને જ્ઞાન જાણે
છે, દર્શન તો માત્ર ‘નિર્વિકલ્પ અસ્તિ’ છે.
દર્શન જે ઉપયોગ રૂપ ગુણ છે તેનો સામાન્ય વિષય છે. તેને [દર્શનને] પણ જ્ઞાને નક્કી કર્યું છે, અને
તેના અભેદ વિષયને પણ જ્ઞાને નક્કી કર્યું છે. જ્ઞાન સવિકલ્પ છે.–એટલે કાંઈ રાગ વાળું નથી, પણ તેનું સ્વ–
પરને જાણવાનું સામર્થ્ય છે. જ્ઞાનમાં દર્શનને નક્કી કરતાં દર્શનનો અભેદ વિષય પણ નક્કી થઈ જાય છે.
દર્શનના વિષયમાં તો શુદ્ધ પર્યાય થવી તે છે જ નહીં અને જ્ઞાનના વિષયમાં પણ પર્યાય ગૌણ છે.
આત્મામાં જે અનંત ગુણો છે, તે બધાને જાણનાર તો જ્ઞાન જ છે. બીજા બધા તો અસ્તિરૂપે જ છે. જ્ઞાને જે
જાણ્યું તેમાં આખી વસ્તુ એકજ ક્ષણમાં આવી જાય છે. વર્તમાન ઊણી પર્યાય છે તેને પણ જ્ઞાન જાણે છે અને
જ્ઞાનની એક સમયની પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને પણ જાણે છે; આ રીતે જ્ઞાન દ્રવ્ય–પર્યાય બન્નેને જેમ છે તેમ જાણે છે.
જે સમયે જ્ઞાન સમ્યક્રૂપે પરિણમ્યું ત્યારે પણ નિમિત્ત અને રાગનું જ્ઞાન કરવાનું તેનું સામર્થ્ય છે.
(અનુસંધાન પાન ૧૦૮–છેલ્લું)