Atmadharma magazine - Ank 006
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 29

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ,
એ ધન્યદિનને આજે ૫૪ વર્ષ પૂરાં થયાં કે જે દિને
અમ અનાથોના નાથનો જન્મ થયો. આજે આપ પપ માં
વર્ષમાં પ્રવેશ કરો છો. આજના સુપ્રભાતે અમ સૌ શિષ્ય
જનોની અમારા એ તરણ તારણને ભાવપૂર્વકની ત્રિકાળ
વંદના હો.
આપશ્રીનો અમારા ઉપર અનહદ ઉપકાર છે, ઘોર
અંધકારમાંથી આપ અમોને સૂર્ય સમા ઉજ્વળ અને ચંદ્ર સમા
શીતળ પ્રકાશમાં લાવ્યા છો. ધર્મબુદ્ધિએ આપના પરિચયમાં
આવેલા અનેક મુમુક્ષુ જીવોના આપ ઉદ્ધારક નિવડયા છો.
કૃપાળુદેવ! જગતમાં બૂડતાં સત્યને ઉપર લાવી
વિશ્વધર્મ અને તેનું સ્વરૂપ શું છે તે આપે સ્પષ્ટપણે બાળક
પણ સમજી શકે તેવી ઘરગથ્થુ, સરળ અને મધુરી ભાષામાં
બતાવી જગત પાસે ધર્યું છે.
દુઃખ, દુઃખ અને દુઃખના પોકારો કરતી, સુખને માટે જ્યાં ત્યાં આથડતી માનવ જાતને આપ
શાશ્વત સુખનો રાજમાર્ગ બતાવી રહ્યા છો, કદી ન સાંભળેલી, ન ગળે ઉતરેલી એવી અપૂર્વ વાણી
આપ સંભળાવી રહ્યા છો.
પ્રભુ! અનંત જ્ઞાનીઓએ જગતના જીવોને મરતા બચાવવા માટે આપેલી સંજીવનીની આપ
લ્હાણી કરી રહ્યા છો. પરંતુ ખામી છે અમારા પુરુષાર્થની કે અમો એ અમૃતને પુરેપૂરૂં ઝીલી નથી
શકતાં. છતાં ગુરુદેવ! આપ કરુણા ભીના હૃદયે અમ બાળ જીવોને એ જ્ઞાન સરિતા દર્શાવી રહ્યા છો
તે માટે અમો સદૈવ આપના ઋણી છીએ.
આજના આ સુભાગી દિને આજ સુધીમાં આપની કંઈ એ અશાતના થઈ હોય તો ક્ષમા
યાચીએ છીએ અને જુગ જુગ જીવી એ સનાતન જૈન ધર્મની પ્રભાવના કરો એમ પ્રાર્થીએ છીએ.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ વિહાર કરતાં (રાજકોટ પરા) લાખાણી
ભુવનમાં આપેલો ઉપદેશ
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. અનાદિ અનંત શુધ્ધ વસ્તુ છે. માત્ર વર્તમાન વર્તતી ક્ષણીક
અવસ્થામાં રાગદ્વેષ છે તે ત્રિકાળ સ્વભાવમાં નથી; વસ્તુ નિરપેક્ષ છે. પર્યાયમાં પરની અપેક્ષાએ
થતા રાગ દ્વેષ તે સ્વરૂપમાં નથી; આત્મા અને દરેક વસ્તુ સ્વતંત્ર–પરથી નાસ્તિરૂપ અને સ્વથી
અસ્તિરૂપ છે; આ રીતે વસ્તુને જાણ્યા વિના–શ્રધ્ધા કર્યા વિના–કદી પણ સ્વતંત્ર સુખદશા કોઈને
પ્રગટી નથી, પ્રગટતી નથી અને પ્રગટશે નહિ. આ અનંત સિધ્ધ ભગવંતોએ (સર્વજ્ઞ ભગવાનોએ)
અને ત્રણે કાળના જ્ઞાનીઓએ કહેલી વાત તે જગતને માન્યે જ છૂટકો છે.
આત્મા વસ્તુ સ્વતંત્ર છે. ‘સ્વથી અસ્તિ’ તે સ્વભાવે– નિશ્ચય છે. ‘પરથી નાસ્તિ’ તે
વ્યવહાર છે કેમકે તેમાં પરની અપેક્ષા આવે છે. ફાગણ વદ ૩
• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
વષ ૧ અક ૬ : વશખ ૨૦
આત્મધર્મ