: ૮૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
ત્રિહુજગવંદન ત્રિસલાનંદન ભગવાન શ્રી મહાવીર સ્વામીનું
જીવન ચરત્ર
• લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી •
તીર્થંકરનો જન્મ ક્યારે થાય?
કર્મભૂમિમાં આત્માનું સ્વરૂપ સમજવાને પાત્ર ઘણા જીવો હોય છે ત્યારે એક જીવ પોતાનો ઉન્નતિક્રમ
સાધતો સાધતો તે ભવે પોતાના ગુણો પૂરા કરનાર તથા પુણ્યમાં પણ પૂરો એવો, મનુષ્યપણે જન્મે છે. તે જીવ
કેવળજ્ઞાન પામે ત્યાર પછી પાત્ર જીવો આત્માના સ્વરૂપનો તેમનો ઉપદેશ (તેમનો ઉપદેશ ઈચ્છાપૂર્વક હોતો
નથી) સાંભળી, સ્વરૂપની ભ્રમણા ટાળી ધર્મ પામે છે અને વિકારના મહાસમુદ્રને તેઓ તરી જાય છે. તેમજ
તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી ધર્મ પામવાને લાયક જીવો હોય છે, ત્યાં સુધી એના ઉપદેશ અને આગમના
અભ્યાસ વડે ધર્મ પામે છે અને ત્યાં સુધી દરેક તીર્થંકરનું શાસન ચાલે છે. તે કારણે તેવા કેવળજ્ઞાની પુરુષને
તીર્થંકર કહેવામાં આવે છે. વર્તમાન ચોવીશીમાં ભરત ભૂમિમાં તેવા જીવો ચોવીશ થયા છે, તેમાં
શ્રીવર્ધમાનસ્વામી છેલ્લા થયા છે.
મહાવિદેહ અને આ ક્ષેત્રનો ફેર
કર્મભૂમિમાં મહાવિદેહ ક્ષેત્રમાં આત્માનું સ્વરૂપ સમજવાને પાત્ર જીવો હંમેશા હોય છે. અને તેથી ત્યાં તીર્થંકરો
પણ હંમેશાં હોય છે. ભરત અને ઈરવતમાં તેવા લાયક જીવો કેટલીક વખતે હોય છે અને કેટલીક વખતે હોતા નથી.
કાળ ક્રમમાં જ્યારે તેવા લાયક જીવો આ ક્ષેત્રે હોય છે ત્યારે તીર્થંકર જન્મે છે, અને જીવો ધર્મ પામે છે.
તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી પણ તેમનો ઉપદેશ સમજીને ધર્મ પામનારા જીવ જ્યાંસુધી હોય ત્યાં સુધી તે
તીર્થંકરનું શાસન ચાલે છે. કેટલોક વખત ધર્મવિચ્છેદ પણ અહીં થઈ જાય છે. તેવા આંતરા ચોથા કાળમાં તીર્થંકર
ભગવાનશ્રી સુવિધિનાથથી શરૂ કરીને સાતતીર્થોમાં આવેલાં હતાં.
ચાલતા કાળમાં ધર્મશાસન
પંચમકાળમાં ધર્મવિચ્છેદ નથી, ધર્મ તે પાંચમા આરાના છેડાસુધી એટલે કે ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે
અને તેમાંથી હાલ ૨૫૦૦ વર્ષ જ ગયાં છે. ચોથાના ધર્મવિચ્છેદ કાળની અપેક્ષાએ આ કાળ સારો છે. ધર્મ આ
આરાના છેડાસુધી રહેશે તેથી તેવા લાયક જીવો હાલ આ જગતમાં છે અને હવે પછી પણ થશે એ સ્પષ્ટ છે.
ધર્મના સ્વરૂપને નહીં સમજનારાઓ, ધર્મના નાયકો અને અગ્રેસરો થઈ બેસે ત્યારે જિજ્ઞાસુ પાત્રજીવોને
ધર્મ પામવાની અડચણો ઘણી છે. (આ વખતનું વર્ણન છેવટ આપવામાં આવ્યું છે) તે અપેક્ષાએ આ કાળને
હલકો કહેવામાં આવે છે, છતાં આ કાળમાં ધર્મ પામનારા જીવો અત્યારે છે અને ભવિષ્યમાં પામશે માટે જીવોએ
નિરુત્સાહી થવા કારણ નથી. એ પ્રકારે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનું શાસન આ ક્ષેત્રે હાલ પ્રવર્તે છે.
ભગવાન મહાવીરના માતા પિતા, જન્મસ્થાન અને મિતિ.
ભગવાન મહાવીરનો જન્મ વિક્રમસંવત્ પૂર્વે ૫૪૩ ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ ના રોજ વૈશાળી દેશમાં કુંડલપુર
મધ્યે રાજા સિદ્ધાર્થને ઘેર થયો હતો. તેમની માતાનું નામ ત્રિસલાદેવી હતું. ભગવાન મહાવીરના પૂજ્ય પિતા
ઈક્ષ્વાકુ યા નાથ વંશના મુકુટમણી સમાન ગણાતા હતા. ભગવાનના માતા ત્રિસલાદેવી લિચ્છવી ક્ષત્રીઓના
નેતા રાજા ચેટકનાં પુત્રી હતા.
ભગવાને તીર્થંકર નામકર્મનો બંધ
ભગવાન મહાવીર આગલા ત્રીજા ભવમાં છત્રાકાર નગરના નંદરાજા હતા. તેઓ સમ્યગ્દ્રષ્ટિ હતા અને
નિઃશંકાદિસહિત સમ્યક્ત્વના આઠ આચાર તેઓએ પ્રગટ કર્યા હતા; અને શ્રાવકના સાચા બાર વૃત અંગીકાર
કર્યા હતા. ત્યાર પછી મહામુનિ પ્રૌષ્ઠિલના ઉપદેશથી યથાર્થ સાધુપણું અંગીકાર કર્યું હતું; તે નંદ મુનીશ્વરે
ભાવસહિત સોળ ભાવના ભાવતાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું.
પછી અચ્યુત સ્વર્ગનાં ઈન્દ્ર
આયુષ્ય પૂરું થતાં તેઓ અચ્યુત સ્વર્ગનાં ઈન્દ્ર તરીકે જન્મ્યા.