પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રવચન મહાસાગરમાંથી વીણી કાઢેલાં
મહાસાગરનાં મોતી.
૧. જે જીવ પર પદાર્થોમાં મમત્વ કરતો નથી, તે જ સંસાર બંધનથી છૂટી શકે છે.
૨. પુણ્ય–પાપના વિકારી ભાવો અને તેના ફળ સ્વરૂપ સંયોગી નાશવાન પદાર્થોની પ્રાપ્તિ–તેનો જેને
આદર છે તેને આત્માના નિત્ય અવિકારી સ્વભાવનો આદર નથી.
૩. પરવસ્તુનું ક્ષેત્રાંતર ભાવાંતર કે અવસ્થાંતર કોઈને આધીન ત્રણકાળમાં નથી.
૪. પર પદાર્થ તરફ લક્ષ તે રાગ છે.
પ. નિરાકુળ સુખ આત્મામાં છે, સંયોગોમાં સુખ નથી છતાં અજ્ઞાની જીવ તેમાં સુખ માની રહ્યો છે.
પરના આશ્રયની પરાધીનતા તે દુઃખ છે.
૬. પાંચ ઈન્દ્રિયોના વિષયો તરફ ઠીક–અઠીકના ભાવે રાગમાં જે અટકવું થાય છે તે જ પરમાર્થે
ભાવબંધન છે.
૭. જેમ ચક્રવર્તી શકોરૂં લઈ ભીખ માગે, પરની ઓશિયાળ કરે, આશ્રય શોધે તે તેને શોભે નહિ તેમ
આત્માના ઉત્કૃષ્ટ સ્વભાવને ભૂલીને જે જીવ પરની આશા કરે છે, પરની મદદ ઈચ્છે છે તે તેને શોભારૂપ નથી.
૮. આત્મા અરૂપી જાણનાર સ્વરૂપે છે તેને કોઈ પરનું કરનારો માનવો તે દેહદ્રષ્ટિનું અજ્ઞાન છે.
૯. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, એવી માન્યતા મિથ્યાત્વ છે.
૧૦. મોક્ષનું કારણ વીતરાગતા, વીતરાગતાનું કારણ અરાગી ચારિત્ર, ચારિત્રનું કારણ સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે.
૧૧. જીવ પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય.
૧૨. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢભાવ સમ્યક્ત્વ છે.
૧૩. પરિણામ જ સંસાર અને પરિણામ જ મોક્ષ છે માટે સમયે સમયે પરિણામ તપાસ.
૧૪. વિસ્મય કરનારનો (આત્માનો) વિસ્મય ન આવે ત્યાં સુધી પરનો વિસ્મય ટળે નહિ.
૧પ. આત્મા ત્રિકાળ પરિપૂર્ણ છે એવો ખ્યાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પરમાં એકત્વ બુદ્ધિ ટળતી નથી.
૧૬. અનંત પ્રતિકૂળતા હોવા છતાં અનંત એકાગ્રતા થઈ શકે છે.
૧૭. ચાર અઘાતિ કર્મો સંયોગ આપે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આત્મામાં ઉણપ આપે છે
અને મોહનીય આત્મામાં વિરુદ્ધતા આપે છે. એ આઠેય કર્મસ્વરૂપ હું નથી, હું તો માત્ર જ્ઞાયક છું.
૧૮. રાગ છોડું એવો ભાવ પણ શુભ છે, પણ ત્રિકાળી શુધ્ધ આત્મસ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતાં રાગાદિ છુટી
જાય છે, એ નિર્જરા છે.
૧૯. નિશ્ચયનો વિષય ત્રિકાળી સ્વભાવ છે. વ્યવહારનો વિષય વર્તમાન શુભાશુભ વિકારી ભાવ છે.
જિનવરનો કહેલો વ્યવહાર પણ પરિપૂર્ણ છે ને તે પરિપૂર્ણપણે અભવી કરે છે, પણ તેની દ્રષ્ટિ પરાવલંબી છે,
ત્રિકાળી સ્વાવલંબી સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી. શુભ ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તે પુણ્ય બાંધે પણ આત્માનો
સ્વભાવ બીલકુલ ઉઘડતો નથી. (અનુ. પાન ૧૪૨)
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
પ્રશ્ન
જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?
ઉત્તર
જિનમાર્ગમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’
એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ
નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું
ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ
છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. (મોક્ષમાર્ગ પ્રકાશક–પાનું ૨પ૬)