અંતરાત્મા પ્રત્યે
અહો! શાંતમૂર્તિ અંતરાત્મા! તું તારાથી જ પ્રસન્ન રહે,
કોઈ અન્ય તને પ્રસન્ન રાખશે એવી વ્યર્થ આશા છોડી દે.
તું પોતે તને પૂર્ણ સ્વરૂપમાં નહિ લાવે તો અન્ય કોઈ તને
શું આપી દેવાના છે? જેઓને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષભાવ નથી
તેમની પાસેથી માગવું પણ શું? અને જેઓ પોતે જ રાગ અને દ્વેષ
ભાવથી રિબાઈ રહ્યા છે એવાઓ બિચારાં અન્યનું શું હિત કરશે?
માટે––
હે સહજ પૂર્ણ–આનંદી અંતરાત્મા! અપૂર્ણતા છોડ! જગત
પોતાથી પૂર્ણ છે, તું તારાથી પૂર્ણ સ્વરૂપમાં આવી જા. શીતળ,
શાંત, જ્ઞાન સ્વભાવથી તું ભરપૂર છો, તેમાં બાહ્યવૃત્તિથી મોજાંઓ
ઉપાડી ડોળપ લાવવાની ટેવ છોડ!
હે શુભ ભાવનાઓ! તમોએ અશુભની જગ્યા તો પૂરી
દીધી, પણ મારે તો હવે તમારી પણ જરૂર નથી. ‘હું મારા જ્ઞાયક
ભાવમાં સમાઈ જાઉં છું. તમારાથી પણ ભાવે નિવૃત્ત થાઉં છું,–છૂટો
પડું છું.
હે પૂર્વ કર્મોદયો! તમોએ પણ સત્તામાં રહેવાનું બંધ કર્યું
છે–અને–ઉદયમાં આવવાનું ચાલુ રાખ્યું છે તો એ પણ તમારો
ઉપકાર જ છે કે મને તત્કાળ છૂટો થઈ જવામાં સહાયભૂત બનો
છો; કારણ કે મારું સ્વરૂપ તમારાથી જુદું છે એમ મેં જાણી લીધું છે.
હે આત્મા! બાહ્ય જંગલ કે વનમાં પણ શાંતિ નથી, માટે
અંતરરૂપી જંગલમાં તારા સહજ જ્ઞાનાનંદરૂપ વનની અનુભવનીય
સુવાસ લઈ સ્વાધીન થઈ જા. બહારમાં સ્વાધીનતા ક્યાંય નહીં
મળે.
હે જીવ! સંસારમાં રહી ઈષ્ટ–અનિષ્ઠ સંયોગો પ્રત્યે તું
હરખ કે ખેદ ભાવ રાખે છે–તો–શું તારામાં અસંસાર–ભાવનાને
પ્રબળ કરી પરમઆનંદમય નથી બની શકતો!
જો બીજા ભાવે કાંઈ લાભ ન થતો હોય એમ જણાય તો
એક સ્વભાવથી જેટલો લાભ લેવાય તેટલો લે, તેમાં ક્યારેય
ખૂટવાપણું નહિ આવે, એમ દ્રઢ વિશ્વાસ રાખી સમય વીતાવ્યે જા.
આયુષ્ય આત્માનું નથી–કર્મનું છે, કર્મ આત્માના નથી–
પુદ્ગલના છે. તું સ્વદ્રવ્યમાં રહી જા–પર દ્રવ્ય સૌ પોતપોતાનું
સંભાળી લેશે. અચિંત્ય આત્મસ્વરૂપ સહજ સુગમતાએ પામી
ચૂકેલા સિધ્ધ ભગવંતો! તમને કોટી પ્રણામ!!! • • •
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ