ATMADHARMA Regd. No. B. 4787
• પ્રશ્નોત્તર •
પ્રશ્ન:– સંસારી જીવોને પુણ્ય ભલું–આત્માને સહાયક–લાભદાયક કેમ લાગે છે?
ઉત્તર:– આસ્રવનું શું સ્વરૂપ છે અને તેનું લક્ષણ શું છે તે અનાદિથી આત્માએ જાણ્યું નથી તેથી.
પ્રશ્ન:– ક્રોધાદિભાવ મારું કાર્ય (–કર્મ) છે, એમ કોણ માને છે?
ઉત્તર:– સંસારી અજ્ઞાની જીવ માને છે કે હું કર્તા અને ક્રોધાદિ ભાવ મારું કાર્ય.
પ્રશ્ન:– ક્રોધાદિભાવ મારું કાર્ય એમ અજ્ઞાની જીવ માને છે, એમ શા ઉપરથી કહો છો?
ઉત્તર:– અજ્ઞાની જીવો માને છે કે, ઘરમાં જરા સર્પફુંફાડો (કડકાઈ) રાખીએ તો સ્ત્રી, પુત્ર, નોકરાદિ સરખાં
ચાલે. નહીં તો ગણકારે નહીં.
પ્રશ્ન:– તે માન્યતા ખોટી કેમ કહો છો; અમે એમ કરીએ છીએ ત્યારે એ બધાં સરખાં ચાલે છે એવો અમને
અનુભવ છે, અને તમે તેને ખોટું કહો તે કેમ મનાય?
ઉત્તર:– એ સર્પફુંફાડાને તમે વીતરાગતા કહો છો કે કષાય કહો છો?
પ્રશ્નકાર કહે છે–તેને વીતરાગતા કહી શકાય નહીં, તેને તો કષાય જ કહેવો જોઈએ.
ઉત્તરચાલુ–એ સર્પ ફુંફાડો પાપ છે, અને પાપનું ફળ બહારનો લાભ મળે એમ માનવું તે મહાદોષ
છે. જો પાપથી બહારની સગવડ કે લાભ મળતો હોય તો સર્વથી સર્વાત્કૃષ્ટ પાપીને બહારની સર્વોત્કૃષ્ટ
સગવડતા હોવી જોઈએ. પાપનું ફળ સગવડ મળે એમ બને જ નહીં.
પ્રશ્ન:– ત્યારે અમારી માન્યતામાં શું ભૂલ છે?
ઉત્તર:– સંસારની સગવડતા તે પૂર્વના પુણ્યનું ફળ છે. સંસારની સરખી વ્યવસ્થા પૂર્વના પુણ્યનું ફળ છે.
મિથ્યાદ્રષ્ટિનું પુણ્ય જ પાપાનુબંધી પુણ્ય હોય છે, તેથી તેને સંસારની પણ સરખી વ્યવસ્થા હોય જ નહીં.
પૂર્વે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું, અને અજ્ઞાન ભાવ ટાળ્યો નહીં તેથી તે પુણ્યનું ફળ ભોગવતી વખતે તેને
ક્રોધ વગેરે પાપ કરવાના ભાવ આવે છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સંસારની સગવડ–અગવડ તે
વર્તમાન ધર્મ કરવામાં લાભદાયક કે નુકશાનકારક નથી. બહારના સંજોગો તો પોતપોતાના કારણે
નિયમસર બને છે; અજ્ઞાની પોતે માને છે કે, મેં મારી હુશિયારીથી તે બહારની વસ્તુને સરખી રાખી.
એ રીતે ક્રોધાદિ કાર્ય મારું છે, એમ અજ્ઞાની માને છે એ સિદ્ધ થયું.
પ્રશ્ન:– ‘ક્રોધાદિ ભાવ’ માં ક્રોધ તમે કોને કહો છો?
ઉત્તર:– આત્માનું સ્વરૂપ સમજવાની અરુચિ તે ક્રોધ છે.
પ્રશ્ન:– ક્રોધાદિમાં ‘ક્રોધ’ નો અર્થ કહ્યો. હવે ‘આદિ’ માં શેનો સમાવેશ થાય છે?
ઉત્તર:– ‘ક્રોધાદિ’ શબ્દનો અર્થ મિથ્યાત્વ (મોહ) અને રાગ દ્વેષ થાય છે, એટલે આદિ શબ્દમાં મિથ્યાત્વ અને
રાગનો સમાસ થાય છે.
પ્રશ્ન:– જે જીવ ક્રોધાદિભાવ મારું કાર્ય (કર્તવ્ય, કર્મ) માને તે જીવને શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– (૧) અજ્ઞાની (૨) પર્યાય બુદ્ધિ (૩) દીર્ઘ સંસારી (૪) મિથ્યાદ્રષ્ટિ.
પ્રશ્ન:– જે આત્માના ચૈતન્ય સ્વરૂપને અને ક્રોધાદિ ભાવને ભિન્ન ભિન્ન લક્ષણથી પિછાન કરી યથાર્થ જાણે તેને
શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– (૧) જ્ઞાની (૨) અલ્પ સંસારી (૩) સમ્યગ્દ્રષ્ટિ (૪) આત્મજ્ઞાની.
પ્રશ્ન:– What is the cause of continuous cycle of existence? (સંસારમાં ચાલુ ભવભ્રમણના ચક્રનું કારણ શું?
ઉત્તર:– It is wrong belief and errorfeeding passions which are the cause of continuous cycle of
existences. ભવચક્રના ભ્રમણનું કારણ ખોટી માન્યતા અને ભૂલપોષક કષાય છે. (ભૂલપોષક કષાયને
શાસ્ત્રની પરિભાષામાં અનંતાનુબંધી કષાય કહે છે.)
– : નિવેદન: –
જે ગ્રાહકોએ રૂા. પ લવાજમ ભરેલું છે તેમને બે વર્ષ સુધી એટલે ૩૬ માં અંક સુધી માસિક મોકલવામાં આવશે. અથવા બીજા
એક ગ્રાહકનું નામ મોકલી આપી રૂા. ૨ાા એ ગ્રાહક પાસેથી વસુલ લઈ લેવા અને તે બન્ને વસ્તુઓ અનુકૂળ ન હોય તો બાકી
રહેલ રૂા. ૨ાા પોસ્ટકાર્ડ લખી પાછા મંગાવી લેવા કૃપા કરશો.
જમુ રવાણી
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૧૮–૧૦–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા (કાઠિ)