: ૪ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ
(આત્મધર્મના પર્યુષણ અંક ૧૦–૧૧ માં આવેલા ‘ક્રમબદ્ધ પર્યાય’ લેખનું સવિશેષ સ્પષ્ટીકરણ)
પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવના શ્રી સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર
ગાથા ૩૦૮ થી ૩૧૧ ના વ્યાખ્યાનમાંથી
(માગશર સુદ ૩ સંવત્ ૨૦૦૦)
જે કાંઈ કાર્ય થાય તે કર્તાને આશ્રયે હોય, અને કર્તા તે કાર્યને આશ્રયે હોય, કાર્યને અવલંબીને કર્તા
હોય, પણ કાર્ય ક્યાંક થાય, અને કર્તા ક્યાંક રહી જાય એમ ન બને. જડની અવસ્થાને આશ્રયે જડ અને
આત્માની અવસ્થાને આશ્રયે આત્મા હોય, કર્તા જુદો રહી જાય અને અવસ્થા જુદી રહી જાય તેમ ન બને. કર્તા
અને કાર્ય ચૈતન્યના ચૈતન્યમાં, અને જડના જડમાં, સ્વતંત્ર છે કોઈ પરદ્રવ્ય કોઈ પરદ્રવ્યની હાલત ફેરવવા
સમર્થ નથી.
જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું જીવ જ છે અજીવ નથી. ભગવાન આત્મામાં
ક્રમબદ્ધ એક સમય પછી બીજા સમયની પર્યાય અને બીજા સમય પછી ત્રીજા સમયની પર્યાય એમ ક્રમેક્રમે
ઉત્પન્ન થાય છે, એક સમયમાં બધી ત્રણેકાળની પર્યાય આવી જતી નથી. આત્મા અનાદિ અનંત છે તેમાં
અનાદિકાળની જેટલી અવસ્થા થાય છે તે એક પછી એક થાય છે, વસ્તુમાંથી ક્રમબદ્ધપણું છૂટતું નથી. આત્મામાં
જ્ઞાનાદિ અનંતગુણો છે તેમાં એક ગુણની એક સમયમાં એક અવસ્થા હોય છે, અનંતાગુણોની થઈને એક
સમયમાં અનંતી અવસ્થા હોય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વ, આદિ આત્મામાં અનંતગુણો છે,
દરેક ગુણ સમય સમયમાં બદલે છે; ગુણ બદલે નહીં તેમ બને નહીં માટે દરેક ગુણો સમય સમયે ક્રમબદ્ધ બદલે
છે. પણ ગુણોની ત્રણેકાળની બધી અવસ્થા એક સાથે આવી જતી નથી.
અનંતગુણનો પિંડ તે વસ્તુ છે. વસ્તુમાં જે અવસ્થા થાય છે તે એક પછી એક થાય છે, ક્રમબદ્ધ થાય છે,
ક્રમસર થાય છે, ક્રમવાર થાય છે.
આત્મામાં જે અવસ્થા થાય છે તેમાં આત્મા પોતે ક્રમસર પરિણમતો થકો પોતે જ છે, બીજી કોઈ ચીજ
પરિણમતી નથી. કર્તા આત્મા અને એની અવસ્થા તે એનું કાર્ય, તે કાર્ય આત્મામાં ક્રમસર થાય છે, જોડેવાળો
બીજો માણસ કરે શું? બીજો બીજાની અવસ્થાને કરે તો વસ્તુ પરાધીન થઈ જાય. જોડે તીર્થંકર ઊભા હોય તો
પણ શું કરે? પોતાની રુચિ પોતા વડે જો સ્વભાવમાં ગઈ તો સ્વભાવની ક્રમબદ્ધ અવસ્થા થાય છે, અને પોતાની
રુચિ જો પરમાં ગઈ તો વિકારની ક્રમબદ્ધ અવસ્થા થાય છે તેમાં બીજો શું કરે?
પોતે પોતાની અવસ્થાથી ઉપજતો થકો પોતે જ છે બીજો કોઈ નથી. કર્મ કારણ અને આત્મા કાર્ય છે
એમ નથી, પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે.
જડમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. જેમ માટીમાંથી ઘડો થવાની પર્યાય જે થાય છે તે ક્રમબદ્ધ થાય છે,
તેમાં કુંભાર કાંઈ કરી શકતો નથી. માટે અજીવનો કર્તા જીવ નથી, પણ અજીવ પોતાની અવસ્થાથી એક પછી
એક ઉપજતું થકું અજીવ જ છે.
પોતાની ક્રમસર અવસ્થા થાય છે એવી જેને પ્રતિતી થઈ તેને પર મારું કરી દે છે એવો ભાવ ટળી જાય
છે. એમાં અનંતા જીવ અને અનંતા જડ મારું કરી દે છે એવી પરાધિનતાની દ્રષ્ટિ ટળી જાય છે. આ મહા સૂક્ષ્મ
વાત છે. આ કર્તા–કર્મનો મહા સિદ્ધાંત છે.
વસ્તુમાં પર્યાય એક પછી એક ક્રમસર થાય છે તેનો કર્તા બીજો કોઈ નથી પોતે જ છે. બંધ ટાણે મુક્તિ
ન હોય અને મુક્તિ ટાણે બંધ ન હોય, તે પર્યાય એક પછી એક હોય, પરંતુ બન્ને સાથે ન હોય. વસ્તુ તો કાયમ
એકરૂપ છે તેમાં એક પછી એક એવો ક્રમ પડતો નથી. માટે વસ્તુ તે અક્રમ છે; અને પર્યાય તે ક્રમરૂપ છે.