Atmadharma magazine - Ank 017
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: ફાગણ : ૨૦૦૧ : ૭૧ :
એકી સાથે આવો, શાંતરસમાં એકી સાથે અત્યંત નિમગ્ન થાવ, અત્યંત નિમગ્ન થાવ, જરાય બાકી રાખશો નહીં, એમ
આચાર્યદેવની બહુ ભાવના ઊછળી ગઈ છે. (અંતરંગમાં પોતાને પૂર્ણ થઈ જવાની ભાવનાનું જોર પડ્યું છે.)
એકલું ‘નિમગ્ન’ કહ્યું નથી પણ ‘અત્યંત નિમગ્ન થાવ’ તેમ કહ્યું છે. વળી કહે છે કે કેવો છે શાંત રસ?
આખા લોકમાં ઊછળી રહ્યો છે, ચૌદ બ્રહ્માંડના જીવોમાં શાંતરસ ઊછળી રહ્યો છે, બધા પ્રભુ છે, અહો! તેમાં
બધા લીન થાવ, એમ આચાર્યદેવ આમંત્રણ કરે છે અથવા બીજો અર્થ એમ છે કે કેવળજ્ઞાન થતાં સમસ્ત
લોકાલોક જાણે છે ત્યાં સમસ્ત લોકા–લોક પર્યંત શાંતરસ ઊછળી રહ્યો છે.
હવે ભાવાર્થનો વિસ્તાર થાય છે; માત્ર લુગડું આડું ભ્રાંતિનું હતું તેથી સ્વભાવ દેખાતો નહોતો, ભીંત જેવી
કઠણ ચીજ આડી હોય તો તોડતા વાર લાગે, પણ આતો લૂગડા જેવી ભ્રાંતિ ક્ષણમાં ટાળી શકાય છે. વિભ્રમથી
પોતાનું સ્વરૂપ જણાતું નહોતું, સ્ત્રી, કુટુંબ તો ક્યાંય રહ્યા–પણ શરીર મન, વાણી તે પણ ક્યાંય રહ્યા, –તે તો ભિન્ન
જ છે, પરંતુ અંદર થતી શુભાશુભ લાગણી તે પણ ભિન્ન છે, તે બધામાં એકત્વબુદ્ધિ હતી તેને દૂર કરીને સમૂળગી
ડુબાડીને આ જ્ઞાન–દરિયામાં–વીતરાગી વિજ્ઞાનમાં બધા એક સાથે નિમગ્ન થાવ! એમ આચાર્યદેવે ઢંઢેરો પીટ્યો છે–
સાગમટે નોતરાં આપ્યાં છે, સાગમટે નોતરામાં કોણ ન પહોંચે? બધા પહોંચે. જેને વિરોધ હોય, દ્વેષ હોય તે ન
પહોંચે. માંદો કહે અમે ન પહોંચી શકીએ તો શું કરીએ? (તેને કહે છે કે) અરે માંદા! તારી નમાલાપણાની વાત મૂક
એક કોર! આ સાગમટે નોતરામાં એકવાર ચાલ તો ખરો, દાળ–ભાત ખાજે પણ ચાલ તો ખરો!
કેટલાક શ્રાવકો સાધર્મીને જમાડે છે, તેમાં કેટલાકને એવા ભાવ હોય છે કે કોઈ પણ સાધર્મી રહી જવો
ન જોઈએ, કારણ કે આટલા બધામાંથી કોઈ જીવ એવો રૂડો હોય, ભવિષ્યનો તીર્થંકર થનાર હોય, કોઈ કેવળી
થનાર હોય, કોઈ અલ્પકાળમાં મુક્ત થાય એવો હોય, તો એવા સાધર્મીને પેટે મારો કોળિયો જાય તો મારો ધન્ય
અવતાર! કોણ ભવિષ્યે તીર્થંકર થનાર છે, કોણ અલ્પકાળમાં મુક્ત જનાર છે તેની ભલે ખબર ન હોય પણ
જમાડનારનો ભાવ એવો છે કે અલ્પકાળમાં મુક્ત જનાર કોઈ જીવ રહી જવો ન જોઈએ, જમાડનારના ભાવ
આત્મભાવના પૂર્વક જો યથાર્થ હોય તો તેનો અર્થ એવો છે; પોતાને અલ્પકાળમાં મુક્તિ લેવાના ભાવ છે–એવી
રુચિ છે. એમ આચાર્યદેવ કહે છે કે મારું નોતરું સાગમટે છે, સાગમટે આમંત્રણ આપ્યા છે કે આ શાંતરસના
સ્વાદ વગર કોઈ જીવો રહી જવા ન જોઈએ, એવા આમંત્રણ દેતાં ખરી રીતે આચાર્યદેવને પોતાને જ ભગવાન
આત્માના શાંતરસમાં ડુબી જવાની તીવ્ર ભાવના ઉપડી છે. સમયસારજીની એક એક ગાથામાં આચાર્યદેવે
અદ્ભૂત રચના કરી છે. અલૌકિક અપૂર્વ ભાવો ભર્યા છે, શું કહેવાય! જેને સમજાય તેને ખબર પડે.
કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે બધા જ્ઞેયો એક સાથે જ્ઞાનમાં આવીને ઝળકે છે. તેને સર્વ લોક દેખો, એમ પણ
અહીં પ્રેરણા કરી છે. અહો! પૂર્ણ સ્વભાવની વાત આચાર્યદેવે પૂર્ણ રૂપે જ કરી; એક પરમાણુ માત્ર મારું નથી એમ
કહીને પૂરી વાત કહી દીધી. ‘એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા’ એવા ભાનના જોરમાં પૂર્ણતા થઈ જાય છે.
જેમ કોઈ માણસને રાજા વગેરે કોઈને મળવા જવું હોય તો નાળિયેર વગેરે સારૂં ભેટણું લઈને જાય છે
એમ ત્રિલોકીનાથ ભગવાન આત્માને ભેટવા જવું હોય તો તેને ભેટણું પ્રાપ્ત કરવું પડશે, તે વિના ભગવાન
આત્મા પ્રગટ થાશે નહીં; તે સમયપ્રાભૃત એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પરિણતિરૂપ ભેટણા વગર
આત્મારૂપી રાજા કોઈ રીતે પ્રસન્ન થાય તેમ નથી.
તત્ત્વ શું છે તેનું એકવાર કુતૂહલ તો કર! આ બધી આબરૂનું કીર્તિનું, પૈસાનું, કુટુંબનું મારાપણું માનીને પડ્ય
માંડી છે તેને ભૂલીને અંદર આત્મામાં પડી તાગ લાવ. જેમ કુવામાં કોશિયો મારી તાગ લાગે છે તેમ તાગ લાગ. દુનિયાને
ભૂલીને મરીને પણ અંતર તત્ત્વ શું છે એમ અંદર જોવા માટે એકવાર પડ તો ખરો! ‘મરીને’ એટલે ગમે તેટલી પ્રતિકૂળતા
વેઠીને પણ કુતૂહલ કર, અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્‌યો પણ હવે એકવાર આત્માને અર્થે દેહ ગાળ તો ભવ રહે નહિ;
દુનિયાને ભૂલ, દુનિયાની પરવા છોડીને આત્માના રસમાં મસ્ત થઈ જા, પુરુષાર્થ કરી અંતર પડદાને તોડી નાંખ.
ભગવાન આચાર્યદેવ કરુણા કરે છે કે તું અનાદિ અનંત છો, એટલે કે નાશ ન થા તેવો તું છો, અવિનાશી
તારો ગુણ છે. અંદર અનંત ગુણથી ભરેલો છો, નિર્દોષ વીતરાગ સ્વરૂપે છો, એક ક્ષણમાં કેવળજ્ઞાન અને
પરમાત્મ દશા પ્રગટ કરે તેવો તું છો તેને ભૂલીને અરે! આ પરમાં ક્યાં રોકાણો? આ સદોષ તારું સ્વરૂપ નથી,
તેમાં વીર્યહીન થઈને કેમ અટક્યો છે?
તારા સ્વરૂપનું ભાન કર!