: ૭૦ : : આત્મધર્મ : ૧૭
આચાર્યદેવ આમંત્રણ આપે છે
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન)
બધા આવો, એકી સાથે આવો. શાંત રસમાં એકી સાથે અત્યંત નિમગ્ન થાવ, અત્યંત નિમગ્ન થાવ,
જરાય બાકી રાખશો નહીં
સમયસારનો પૂર્વરંગ ૩૮ ગાથાએ પૂરો થાય છે. આચાર્યદેવે ૩૮ ગાથામાં મોક્ષનો માર્ગ ખુલ્લો મૂક્યો
છે, અને હવે બધાને આમંત્રણ કરે છે. આચાર્યદેવ કહે છે કે આવું શાંત સ્વરૂપ સમજાવ્યું, તો તે સમજીને તેમાં
સમસ્ત લોક નિમગ્ન થાવ! એમ આમંત્રણ કરે છે તે વિષે હવે કળશ કહે છે:–
(માલિની)
मज्जंतु निर्भरममी सममेव लोका आलोक मुच्छलति शांतरसे समस्ताः।
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिंधुः।।
(સમયસાર કળશ–૩૨)
અર્થ:– આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને)
પોતે સર્વાંગ પ્રગટ થયો છે; તેથી હવે સમસ્ત લોક તેના શાંત રસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. કેવો છે
શાંતરસ! સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે.
અહીં આચાર્યદેવ આમંત્રણ કરે છે. કોને આમંત્રે છે? આખા જગતને સાગમટે નોતરે છે,
ભગવાનને ઘરે લગ્ન હોય પછી કોને નોતરાં ન હોય! બધાને હોય.
આ દેહરૂપી ખોળિયામાં પ્રભુ ચૈતન્ય સૂતો છે. શરીર અને રાગને પોતાના માની સૂતો છે. લૌકિક માતા
તો ઊંઘાડવાના હાલરડાં ગાય છે, પણ પ્રવચનમાતા જગાડવાના હાલરડાં ગાય છે, શરીરાદિના રજકણોમાં ગુપ્ત
થયેલો, પુણ્ય–પાપના ભાવમાં સંતાએલો ભગવાન આત્મા તેને પ્રવચન–માતા હાલરડાં દ્વારા જગાડે છે.
મોરલીના નાદે જેમ સર્પ ઝેરને ભૂલી જાય છે ને મોરલીના નાદમાં એકાગ્ર થાય છે, તેમ આચાર્ય દેવ કહે છે
કે આ અમારી સમયસારની વાણીરૂપ મોરલીના નાદે કોણ આત્મા ન ડોલે? કોણ ન જાગે? બધાય ડોલે, બધાય
જાગે. જેને ન બેસે તે તેના ઘરે રહ્યો, આચાર્યદેવે તો પોતાના ભાવથી સમસ્ત જગતને આમંત્રણ આપ્યું છે.
“જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા” કહ્યો છે, એટલે બધા આત્માને ભગવાન કહ્યા છે, જ્ઞાન સમુદ્ર ભગવાન,
સમુદ્રની જેમ પોતાના જ્ઞાનમાં ઊછાળા મારે છે. જ્ઞાન સમુદ્ર આત્મા ગમે તેટલા વર્ષોની વાત જાણે તો પણ
વજન થાય નહિ એવા જ્ઞાન સમુદ્રથી ભરપૂર આત્મા છે.
જેમ દરિયો પાણીથી છલોછલ ભર્યો હોય, તેમાં આડી ભીંત કે કાંઈ આવી જાય તો પાણી દેખાતું નથી
પરંતુ અહીં તો માત્ર ચાદર એટલે માત્ર પછેડી–લુગડું જ આડું લીધું છે કે જેને દૂર કરતાં વાર ન લાગે, માત્ર તે
લૂગડાંને પાણીમાં ડુબાડી દેવાથી છલોછલ પાણીથી ભરેલો દરિયો દેખાય છે તેમ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા
અંદર છલોછલ પાણીથી ભર્યો છે, વિભ્રમરૂપ આડી ચાદરને ખસેડીને એટલે ઊંધી માન્યતાની આડી ચાદર પડી
હતી, (ભ્રાંતિરૂપ માત્ર લુગડું જ આડું છે–એમ ક્ષણ પૂરતી પર્યાયની શી કીંમત?) તેને સમૂળગી પાણીમાં ડુબાડી
દીધી, એટલે ભ્રમણાની ખોટી પકડનો વ્યય કર્યો અને સર્વાંગ પ્રગટ થવારૂપ ઉત્પાદ થયો, સર્વાંગ એટલે અસંખ્ય
પ્રદેશે પ્રગટ થયો, અને જ્ઞાનસમુદ્ર ભગવાન પોતાના જ્ઞાન આદિ શાંત–રસમાં ઊછાળા મારે છે.
જેમ લોકોમાં એમ કહેવાય છે કે આ મીઠું મહેરામણ જેવું પાણી ભર્યું છે, તેમાં ન્હાવ એટલે સ્નાન કરો તેમ
આચાર્ય દેવ કહે છે કે આ મીઠો મહેરામણ જેવો જ્ઞાન સમુદ્ર ભર્યો છે તેમાં બધા જીવો આવો, ન્હાવ–સ્નાન કરો, શીતળ
થાવ, શાંતરસમાં નિમગ્ન થાવ; બધા જીવો આવો એમ કહ્યું છે તે પણ એક સાથે આવો એમ કહ્યું છે, પણ એક પછી
એક આવો તેમ કહ્યું નથી. આહાહા! આવો ભગવાન આત્મા છે! એમ ભગવાન આત્માનો અદ્ભુત સ્વભાવ દેખીને
આચાર્ય દેવનો ભાવ ઊછળી ગયો કે અહો! આવો આત્મા છે ને બધા જીવો એક સાથે કેમ આવતા નથી? બધા આવો,