: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૧ :
સમ્યક્મતિજ્ઞાન છે.] એક પુદ્ગલ પરમાણુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું તો જગતમાં જેટલા પુદ્ગલો છે તે
બધાનું સ્વરૂપ પણ તે જ પ્રમાણે જણાઈ ગયું છે; તે જ રીતે બધા જીવોનું સ્વરૂપ સરખું જ છે એ પણ જણાઈ
ગયું છે–માટે કેવળજ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે.
તા. ૨૧–૭–૪૪ ના વ્યાખ્યાનમાંથી
મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણ્યા વિના “ આ મતિજ્ઞાન
કેવળજ્ઞાનનો અંશ છે ” એમ લાવ્યા ક્યાંથી? કેવળજ્ઞાનને જોયા વિના “ આ અંશ કેવળજ્ઞાનનો છે ” એમ
નક્કી શી રીતે કર્યું? કેવળજ્ઞાનને જાણ્યા વિના તે નક્કી થઈ શકે નહીં, તેથી જ્યાંં અંશ–અવયવ (મતિજ્ઞાન)
પ્રત્યક્ષ છે ત્યાં અંશી–અવયવી [–કેવળજ્ઞાન] પ્રત્યક્ષ જ છે.
લોકો પણ વસ્તુનો અંશ જોવા છતાં આખી વસ્તુને પ્રત્યક્ષ જોઈ એમ કહે છે. જેમ કોઈ બંદર ઉપર મોટો
દરિયો ઊછળતો જુએ, પુનમની ભરતીનાં મોજાં ઉછળતા જુએ, ત્યારે બીજો કોઈ તેને પૂછે કે ભાઈ! કેટલો
દરિયો જોયો? ત્યારે તરત જ કહે છે કે મેં તો આખે આખો દરિયો જોયો ત્યારે પૂછનાર કહે કે–દરિયાનાં મોટા
માછલાંં–મગરમચ્છ વગેરે બધું નજરે જોયું? તો કહે કે–“મને તો એવો વિકલ્પ પણ નહોતો ઉઠયો, આખો જ
નજરે જોયો એમાં શંકા જ નહોતી ઊઠી, આખા અને અંશ વચ્ચેનો ભેદ જ નથી.” એમ અંશ જોવા છતાં પણ
આખાને જોયું એમાં શંકા કરતો નથી. ત્યાં એ નિઃશંકતા ક્યાંથી આવી? તેમ ચૈતન્ય આત્મા આખો અનંત
ગુણોથી ભરચક પડ્યો છે, તેનો એક અંશ પ્રત્યક્ષ જોયો ત્યાં પૂર્ણ વસ્તુની શંકા જ નથી. પરને જોયું તેમાં આખા
અને ઊણાનો ભેદ જ પાડતો નથી તો સ્વ દ્રવ્યમાં આખી વસ્તુનો એક અંશ ઊઘડયો ત્યાં પરિપૂર્ણ અને અંશ
એવા ભેદ જ કોણ જાણે છે! અખંડ–પરિપુર્ણ જ છે તેમાં શંકા જ નથી ને! ત્રણલોકનો નાથ ચૈતન્ય ગંજ
આનંદનો સાગર છું, તેની પ્રતીત થઈ તેમાં વળી અંશ ઊઘડયો કે આખો તેના ભેદ જ ક્યાં છે? અવસ્થા દ્વારા
એક જ સામાન્યનું લક્ષ છે.
અહોહો! જયધવલા! જયધવલા ગજબ કરી છે. જ્યાં હાથમાં આવ્યું અને આ વિષય નજરે પડ્યો ત્યાં
થયું કે–અહાહા! ઓછી વસ્તુ જોઈ (દેખી) એવું છે જ ક્યાં? પુર્ણનો જ સ્વીકાર છે. બહારની વસ્તુમાં પણ અંશ
જુએ છતાં આખાનો સ્વીકાર કરી લ્યે છે. એક લાખ રૂપિયાની લોનનો કાગળિયો હાથમાં આવે, ત્યાં તો માત્ર
એક કાગળનો કટકો જ પ્રત્યક્ષ જુએ છતાં કહે કે “આ લોનમાંથી લાખ રૂપિયા મળશે, જ્યારે જોઈએ ત્યારે આ
લોનના લાખ રૂપિયાની સરકાર ના ન પાડે,” એમ રૂપિયા લાવ્યા પહેલાંં જ નક્કી કરે છે; તેમ આત્મામાં પણ
અંશ પ્રત્યક્ષ છે ત્યાં આખી વસ્તુ પ્રત્યક્ષ જ છે, તેમાં ઊણા અધૂરાનું લક્ષ કરતો નથી. અભેદ દ્રષ્ટિના જ્ઞાનના
પ્રત્યક્ષના જોરે નિર્મળ દશા સહજ થાય છે.
અહો! કેવળીનાં મુખનાં રહસ્યનો પોકાર આ જયધવલામાં કર્યો છે. કેવળીની જ વાત મૂકી છે. “હું અને
તું સરખા” બોલ! આ વાત બેસે છે? જો કહે ‘હા’–તો હાલ્યો આવ! જ્ઞાનના પ્રત્યક્ષના જોરે દ્વૈતપણું છે–એટલે
પરીપૂર્ણ વસ્તુને જાણે છે અને વર્તમાન પર્યાયને પણ જાણે છે, છતાં જે દર્શનનું સમાન્ય જોર છે તેમાંથી પોકાર
ઉઠે છે કે “નહીં રે નહીં, ભેદ નહીં. અવસ્થાના અંશમાં આખી વસ્તુ જ આવી ગઈ છે. આખી વસ્તુ પ્રત્યક્ષ ન
હોય તો ‘વસ્તુનો અંશ પ્રત્યક્ષ છે’ એમ કહેવું પણ ખોટું ઠરે છે, કેમકે વસ્તુ જોયા વિના ‘આ અંશ વસ્તુનો છે’
એમ નકકી શી રીતે કર્યું? તેથી અંશમાં આખી વસ્તુ પ્રત્યક્ષ છે. હા પાડ અને હાલ્યો આવ! હા જ પાડ.”
બંધાણી જ્યારે કસુંબો પીએ ત્યારે કોઈ “આવ્યો, આવ્યો” એમ કહે તો જ તેને નશો ચડે; તેમ અહીં
સ્વભાવમાંથી જોર ચડે છે કે “પૂર્ણ છું પૂર્ણ છું, પરિપૂર્ણ જ છું” તેની હા પાડી તો પુર્ણતા જ પ્રગટી જશે. અંતરથી
પુર્ણ સ્વભાવનું જોર ચડે કે હા પરિપુર્ણ જ છું, મારી અવસ્થા ઊણી હોઈ શકે જ નહીં; એમ જો હા પાડ તો
હાલ્યો આવ સિદ્ધમાં, અને ના પાડ તો જા નિગોદમાં.
પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, ત્રિકાળ પરિપુર્ણ જ્ઞાન સ્વરૂપે જ છે; એકવાર પરિપુર્ણ સ્વરૂપનો અંતરથી સાચો
હોંકારો આપે તે પુર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થઈ જ જાય.
અહો! સંતોએ માર્ગ સહેલા કરી દીધાં છે. આત્મતત્ત્વના સાચા ભાન વિના તું શું કરીશ ભાઈ?
અનાદિકાળમાં આત્મતત્ત્વના ભાન વિના પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્યો, પણ ભાઈ! જેનાથી જન્મ મરણના
અંત ન આવે અને આત્મતત્ત્વની સ્વાધીનતા ન ખીલે એને તે કાંઈ આચરણ કહેવાય? તેનાથી આત્માને શું
લાભ? બસ! જે ભાવે જન્મ–મરણ ટળે એ જ લાવ! એ જ લાવ!