તત્ત્વ સ્વરૂપ સમજાવતી ચાૈ ભંગી
ઠીક શું અને અઠીક શું તેના નીચે પ્રમાણે ચાર ભંગ છે.
૧–પર વસ્તુને ઠીક કે અઠીક માને તે અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ છે; કેમકે પર કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ છે જ
નહિ. જે પરમાં ઠીક–અઠીકપણું માનતો હોય તે, જે પરને ઠીક માને તેને ગ્રહણ કરવા માગે અને જે પરને અઠીક
માને તેને ત્યાગવા માગે, પરંતુ પર પદાર્થની ક્રિયા તો સ્વતંત્ર છે, આત્મા તેને ગ્રહણ કે ત્યાગ કરી શકતો જ
નથી. જે પદાર્થની ક્રિયા પોતાને આધીન નથી તેમાં ઠીક–અઠીકપણું માનવું અને તેના ગ્રહણ કે ત્યાગની ઈચ્છા
કરવી તે મિથ્યાદ્રષ્ટિપણું છે. કોઈપણ પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી.
૨–હું આત્મા ઠીક અને પર પદાર્થ અઠીક–એમ માનવું તે પણ અજ્ઞાન છે; કેમકે એમ માનનાર જીવ પરને
અઠીક માનતો હોવાથી તે પરને છોડવા માગે છે, પરંતુ પરનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી જ શકતો નથી, ગ્રહણ
કે ત્યાગ પોતાના ભાવમાં થઈ શકે છે. જે પરને અઠીક માને છે અને હું પરને છોડી શકું કે ગ્રહી શકું એમ માને
છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
ઉપરના બે ભેદ ઊંધી માન્યતાના છે, હવે સવળી માન્યતામાં પણ બે ભેદ નીચે પ્રમાણે છે:–
૩–મારો પૂર્ણાનંદ સ્વભાવ ઠીક અને આ વિકારી ભાવ અઠીક એમ માને છે–ત્યાં દ્રષ્ટિ તો સાચી છે–પરંતુ
ચારિત્રની અસ્થિરતા છે. વિકારી ભાવને અઠીક માને છે ત્યાં વિકારી ભાવ છોડી શકે છે અને શુદ્ધતા પૂર્ણાનંદ
પ્રગટાવી શકે છે–તેથી તેની દ્રષ્ટિ સાચી છે. જેને ઠીક–અઠીક માને છે તેમાં ઠીકનું ગ્રહણ અને અઠીકનો ત્યાગ કરી
શકે છે તેથી દ્રષ્ટિ સાચી છે, છતાં પણ ત્યાં ઠીકનું ગ્રહણ કરવાનો અને અઠીકનું ત્યાગ કરવાનો વિકલ્પ વર્તે છે–
તેથી ત્યાં રાગ–દ્વેષનો અંશ છે માટે ત્યાં ચારિત્રની અસ્થિરતા છે. છતાં ત્યાં માન્યતાનો દોષ નથી.
૪–મારો સ્વભાવ ઠીક અને વિકારી અવસ્થા અઠીક એવા વિકલ્પ પણ છૂટીને જ્ઞાયક સ્વભાવમાં સ્થિર
થઈ જાય, વીતરાગ થઈ જાય–ત્યાં દ્રષ્ટિ અને ચારિત્ર બને પૂર્ણ છે. ગ્રહણ ત્યાગનો વિકલ્પ જ છૂટી જતાં પૂર્ણાનંદ
સ્વભાવ પ્રગટી ગયો તે જ ઉત્તમ છે.
પરદ્રવ્યમાં તો ઠીક અઠીકપણું છે જ નહિ; અને સ્વદ્રવ્યમાં પણ ઠીક અઠીક પણાની અપેક્ષા નથી. દ્રવ્ય
ઠીક–અઠીકપણાની અપેક્ષાઓથી અતિક્રાંત છે. ઠીક અઠીકના વિકલ્પ દ્વારા દ્રવ્ય લક્ષમાં આવી શકતું નથી.
ઉપરની જ ચૌભંગી પૂ. ગુરુદેવશ્રીએ તા. ૧૬–૨–૪૫ ના રોજ કહેલ તે નીચે પ્રમાણે
૧–પર વસ્તુ જીવને ઈષ્ટ કે અનિષ્ટ છે એમ માનવું તે મિથ્યાભાવ છે મહાભૂલ છે–મહાપાપ છે. તેનો
ખુલાસો
પરવસ્તુ આ જીવને આધીન નથી. તેને જીવ મેળવી શકતો નથી, તેનું તે કાંઈ કરી શકતો નથી, તે
પરવસ્તુ જીવનું કાંઈ કરી શકતી નથી છતાં જે બની શકે નહિ તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવું તે અનંત દુઃખનું
કારણ છે, તે મિથ્યાભાવ છે કેમકે તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી...અર્થાત્ ઈષ્ટનું ગ્રહણ
અને અનિષ્ટનો ત્યાગ જીવ કરી શકતો નથી.
૨–જીવ પોતે ઈષ્ટ અને પરવસ્તુ અનિષ્ટ એમ માનવું તે મિથ્યાભાવ મહાભૂલ–મહાપાપ છે. તેનો ખૂલાસો
પર વસ્તુ જીવનું કાંઈ બગાડી શકતી નથી છતાં તેને અનિષ્ટ માનવી તે અનંત દુઃખનું કારણ છે; કેમકે
પરવસ્તુને અનિષ્ટ માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી–અર્થાત્ જીવ પરવસ્તુનો ત્યાગ કરી શકતો નથી.
આ બન્ને માન્યતાઓ મિથ્યા છે. હિંસાદિ પાપ કરતાં આ પાપ અનંતગણું છે તેથી તેને મહાપાપ
કહેવામાં આવે છે; અજ્ઞાની જીવને થતા બધા વિકાર ભાવોનું મૂળ આ ઊંધી માન્યતા છે. જ્ઞાનીની માન્યતા
સંબંધી બે ભંગ નીચે પ્રમાણે છે.
૩– પોતાનો શુદ્ધ સ્વભાવ ઈષ્ટ અને વિકારી અવસ્થા અનિષ્ઠ એમ માનવું–જાણવું તે સાધક દશા છે,
તેનો ખુલાસો.
પોતામાં થતા વિકારી ભાવો અનિષ્ટ અને ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તથા તેને આશ્રયે પ્રગટતી શુદ્ધ
દશા તે ઈષ્ટ છે એમ માનવું જાણવું તે યથાર્થ છે. જીવ પોતાનું સ્વરૂપ યથાર્થ જાણે અને પોતે ગ્રહણ ત્યાગ કોનું
કરી શકે છે એ જાણે તો જ દોષ ટાળી શકે છે, માટે આ ત્રીજો ભંગ તે સાચી માન્યતા છે પણ તેમાં ગ્રહણ–
ત્યાગનો વિકલ્પ હોવાથી રાગ છે–અસ્થિરતા છે.
૪–પોતાનો શુધ્ધ સ્વભાવ ઈષ્ટ અને વિકારી અવસ્થા અનિષ્ટ એવા વિકલ્પ ટાળી સ્વરૂપમાં સ્થિર થવું તે
વીતરાગભાવ છે તેનો ખુલાસો–
ત્રીજા ભંગમાં કહેલી સાચી માન્યતા કર્યા પછી, વિકલ્પ ટાળી સ્વરૂપમાં સ્થિર થવું તે વીતરાગ દશા છે.
તે ઉત્તમ છે.
ઉપર્યુક્ત ગ્રહણ–ત્યાગનું સ્વરૂપ સમજાવતી ચૌભંગીનું સ્વરૂપ ખાસ મનન કરવા યોગ્ય છે.[રાત્રિ ચર્ચા]